બાલ્ટીમોર (અમેરિકા)ઃ વિશ્વમાં પહેલી વાર એચઆઇવી પોઝિટિવ મહિલા ડોનરની કિડની એચઆઇવી પોઝિટિવ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. આ ઓપરેશન ચાલુ અઠવાડિયે જ બાલ્ટીમોરની જોન હોપકિન્સ હોસ્પિટલના ડોક્ટર્સે કર્યું. તેમની ટીમમાં ગુજરાતી સર્જન ડો. નીરજ મનુભાઈ દેસાઈ પણ હતા. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મૃત એચઆઇવી પોઝિટવ ડોનરનાં અંગોનું જ પ્રત્યારોપણ થતું હતું.
કિડની આપનારી મહિલાનું નામ નીના માર્ટિનેજ છે. તે એટલાન્ટામાં રહે છે અને પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટ છે. ૩૬ વર્ષીય નીના ૬ મહિનાની હતી ત્યારે જ તે એચઆઇવી પોઝિટિવ હોવાનું જણાયું હતું. તેના કહેવા મુજબ, ‘લોકો વિચારે છે કે એચઆઇવીથી પીડિત અશક્ત થઈ જાય છે. હું તેમને જણાવવા માગું છું કે તેવું નથી. જુઓ, હું કોઈ સ્વસ્થ ડોનર જેવી જ છું. ૩૫ વર્ષથી આ બીમારી સાથે જીવી રહી છું. આ જીવલેણ બીમારી છતાં કોઈને જીવન આપી શકાય છે. મને આશા છે કે મારા કિસ્સાથી લોકોની માનસિકતા બદલાશે. એચઆઇવી પીડિત પણ જીવિત રહેવા માટે આગળ આવશે.’
આ ઓપરેશન ડો. નીરજ દેસાઈ, ડો. ડોરી સેગેવ અને તેમની ટીમે કર્યું. ઉલ્લેખનીય છે કે ૨૦૧૩ પહેલાં અમેરિકામાં બે એચઆઇવી પોઝિટિવ દર્દીઓ વચ્ચે અંગ પ્રત્યારોપણ નહોતું થઈ શકતું.
ડો. સેગેવના રિસર્ચ બાદ પોલીસી બદલાઈ અને એચઆઇવી પીડિત દર્દીઓ વચ્ચે અંગદાનને મંજૂરી અપાઈ. હોપકિન્સ કિડની એન્ડ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના ડાયરેક્ટર ડો. દેસાઈએ જણાવ્યું કે જીવિત ડોનર દ્વારા અપાયેલી કિડની લાંબા સમય સુધી કામ કરે છે.
ફ્રેન્ડને ગુમાવ્યા બાદ કિડની આપવાનું નક્કી કર્યુંઃ નીના
નીનાને કિડની ડોનેટ કરવાનો વિચાર તેની એક ફ્રેન્ડને ગુમાવ્યા પછી આવ્યો. ગત વર્ષે તેની એચઆઇવી પીડિત ફ્રેન્ડને ઓર્ગનની જરૂર હતી ત્યારે તેણે ડો. સેગેવને ડોનેશન વિશે પૂછયું હતું. ડોનેશન માટે જરૂરી ટેસ્ટ પૂરા થાય તે પહેલાં જ તેની ફ્રેન્ડનું મોત થઈ ગયું. પોતાના ફ્રેન્ડ પ્રત્યે સન્માન વ્યક્ત કરવા નીનાએ એવી વ્યક્તિને કિડની આપવાનું નક્કી કર્યું કે જેને તે ઓળખતી પણ નથી.