એનર્જી ડ્રિન્ક્સ તમારી ઊંઘ હરામ કરી શકે

હેલ્થ બુલેટિન

Sunday 13th April 2025 07:03 EDT
 
 

એનર્જી ડ્રિન્ક્સ તમારી ઊંઘ હરામ કરી શકે

આજકાલ લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં એનર્જી ડ્રિન્ક્સ પીવાનો વાવર છે. આ ડ્રિન્ક્સના સેવનથી એનર્જી કે તાકાત મળે છે કે કેમ તે અલગ ચર્ચાનો વિષય છે પરંતુ, તેનાથી તેમની ઊંઘ હરામ થાય છે તે નિશ્ચિત છે. ‘BMJ ઓપન’ જર્નલમાં પ્રસિદ્ધ નોર્વેજિયન અભ્યાસ અનુસાર એનર્જી ડ્રિન્ક્સ પીવાથી ઊંઘની ક્વોલિટી બગડે છે. એનર્જી ડ્રિન્ક્સ પીવાનું પ્રમાણ જેોટલું વધારે હોય તેમ રાત્રે ઊંઘના કલાકો ઘટે છે. કદીક મહિનામાં એકથી ત્રણ વખત પીવાય તો પણ ઊંઘ અવરોધપૂર્ણ રહે છે. એનર્જી ડ્રિન્ક્સમાં પ્રતિ લિટર સરેરાશ 150 mg કેફિન તત્વ હોય છે તેમજ ખાંડ, વધતાઓછાં પ્રમાણમાં વિટામીન્સ, મિનરલ્સ અને એમિનો એસિડ્સ પણ હોય છે. નોર્વેમાં 18-35 વયજૂથના 53,266 લોકો પર અભ્યાસ કરાયો હતો જેમાં, એનર્જી ડ્રિન્ક્સ લેવાના રોજ, સાપ્તાહિક, માસિક અને કદી નહિ તેવા વિકલ્પો આપવા સાથે તેમની નિદ્રા વિશે પણ પ્રશ્નો કરાયા હતા. આ ડેટા પરથી ઊંઘવામાં અને રાત્રે જાગી જવાના સમયની નોંધ લેવાઈ હતી. દિવસમાં ઊંઘ આવવી તેમજ થાક લાગવા વિશે પણ નોંધ કરાઈ હતી. આ સરવે મુજબ સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો એનર્જી ડ્રિંક્સ વધુ લેતા હોવાનું જણાયું હતું. દરરોજ એનર્જી ડ્રિંક્સનું સેવન કરનારા દસમાંથી ચાર પુરુષોને અનિદ્રા જણાઇ હતી. જે લોકો દર અઠવાડિયે આવા ડ્રિંક્સ પીતા હતા તેમનામાં રાત્રે જાગવાની, મધરાત્રિ પછી ઊંઘવાની અને કુલ છ કલાક કરતાં ઓછી ઊંઘ કરવાની સંભાવના લગભગ બમણી હોય છે. જોકે, સંશોધકોએ સ્પષ્ટ કર્યું હતું કે ઓછી ઊંઘ આવતી હોય તો પણ લોકો શક્તિ જાળવી રાખવા એનર્જી ડ્રિંક્સ લેતા હોય તેવી પણ શક્યતા રહે છે. આમ છતાં, એનર્જી ડ્રિંક્સ લેવાનું પ્રમાણ અને ઊંઘની ગુણવત્તા વચ્ચે મજબૂત સંબંધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

•••

વધુ મીઠાં સાથેનો આહાર હતાશા ઉપજાવી શકે

આપણે બધા જાણીએ છીએ કે ખોરાકમાં મીઠાંના વધુ પ્રમાણમાં લોહીનું દબાણ ઊંચે જાય છે તથા સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. જોકે, ઊંદરો પર કરાયેલા નવા અભ્યાસ અનુસાર મીઠાંના વધુ પ્રમાણ સાથેનો આહાર લેવાથી ડિપ્રેશનનો શિકાર બની જવાય છે. તંદુરસ્ત આહાર લેવા સાથે જંક ફૂડનું પ્રમાણ ઓછું કરાય તો ડિપ્રેશન કે હતાશાના જોખમથી બચી શકાય છે. તાજેતરમાં ‘જર્નલ ઓફ ઈમ્યુનોલોજી’માં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ ઊંદરોને 5થી 8 સપ્તાહ મીઠાંના વધુ પ્રમાણ સાથેનો ખોરાક અપાયો હતો અને તેમના વર્તન પર ધ્યાન રખાયું હતું. આવા ખોરાકના કારણે તેમની બરોળ અને મગજમાં ઈમ્યુન સિસ્ટમને લાભકારી પ્રોટીન cytokine IL-17Aનું ઉત્પાદન જરૂર કરતાં વધી ગયું હતું. પ્રોટીનનું ઉત્પાદન વધવાથી ડિપ્રેશન જેવાં લક્ષણો જોવાં મળ્યાં હતાં. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં અંદાજ મુજબ વિશ્વમાં આશરે 5 ટકા લોકો ડિપ્રેશન અનુભવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter