લંડનઃ આજકાલ એનર્જી ડ્રિન્ક્સ પીવાનો જે વાયરો ચાલે છે તેના કારણે શરીરને કેટલું નુકસાન થઈ શકે તે દર્શાવતો કિસ્સો બહાર આવ્યો છે. સતત બે વર્ષ સુધી રોજના ૫૦૦ મિલિ. એનર્જી ડ્રિન્ક્સનું સેવન કરનારા ૨૧ વર્ષના વિદ્યાર્થીને હાર્ટ ફેઈલની નિશાનીઓ સાથે ઈન્ટેન્સિવ કેરમાં દાખલ કરવાની ફરજ પડી હતી. તેની હાલત એટલી ખરાબ હતી કે એક સમયે તબીબોએ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પણ વિચાર કર્યો હતો.
BMJ Case Report અનુસાર આ વિદ્યાર્થીને ચાર મહિનાથી શ્વાસમાં હાંફ અને વજન ઘટવાની ફરિયાદ હતી. તેના બ્લડ ટેસ્ટ, સ્કાન્સ અને ECG રીડિંગ્સ પરથી જણાયું કે તેને હૃદય અને કિડની નિષ્ફળ જવાની સમસ્યા થઈ હતી. લંડનસ્થિત ગાયઝ એન્ડ સેન્ટ થોમસ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના રિપોર્ટના આલેખકોએ ૨૧ વર્ષના યુવાનમાં વધુપડતા એનર્જી ડ્રિન્ક્સ પીવા સાથે સંબંધિત તીવ્ર બાયવેન્ટ્રિક્યુલર હાર્ટ ફેલ્યોરના કેસની નોંધ લીધી હતી. એનર્જી ડ્રિન્ક્સના લીધે કાર્ડિયોટોક્સિસિટી મુખ્ય કારણ હોઈ શકે છે. આ વિદ્યાર્થીને વધુપડતા (દિવસમાં ઓછામાં ઓછાં ચાર) એનર્જી ડ્રિન્ક્સ પીવા સિવાયનો બીજો કોઈ તબીબી ઈતિહાસ ન હતો. એનર્જી ડ્રિન્ક્સના એક કેનમાં ૧૬૦ એમજી કેફીન હોય છે જે દૈનિક ૨૦૦-૩૦૦ એમજીની માત્રાથી ઘણું વધારે કહેવાય. વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર એનર્જી ડ્રિન્ક્સપીધા પછી તેને ધ્રૂજારીઓ અને હૃદયના વધુ ધબકારાની સમસ્યા થઈ હતી જેનાથી તેના રોજબરોજના કામ અને અભ્યાસમાં મુશ્કેલી થતી હતી. તે એનર્જી ડ્રિન્ક્સ ન પીએ ત્યારે પણ માથાનો તીવ્ર દુઃખાવો રહેતો હતો.
આરોગ્ય નિષ્ણાતો વધુપડતા એનર્જી ડ્રિન્ક્સ પીવાથી થતાં નુકસાન અને જોખમો સામે લાલબત્તી ધરતા રહે છે. ઘણા જૂજ કિસ્સામાં તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. યુએસના કેલિફોર્નિયામાં એનર્જી ડ્રિન્ક્સની આદત પડી જવાથી ૪૧ વર્ષના જ્હોન રેનોલ્ડ્સનું કાર્ડિયાક એરેસ્ટથી મોત થયું હતું.