આ યુગ એન્ગ્ઝ્યાઈટી (વ્યગ્રતા - ચિંતાતુરતા)નો છે અને કોરોનાકાળ પછી તો ટીનેજર્સ ભારે પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમનો ઉછેર કેવી રીતે કરવો તે પણ ચિંતાનો વિષય છે. ન્યૂ યોર્કના નામાંકિત સાઈકોએનાલિસ્ટ્સમાંના એક અને પેરન્ટિંગ ગુરુ એરિકા કોમિસારના નવા પુસ્તક ‘Chicken Little the Sky Isn’t Falling: Raising Resilient Adolescents in the New Age of Anxiety’માં આ વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. પુખ્તાવસ્થામાં જઉં જઉં કરી રહેલા ટીનેજર્સને ઉછેરવાના તેમના પુસ્તકમાં માતાપિતા તેમના બાળકો માટે હાજર રહે તેનું મહત્ત્વ દર્શાવાયું છે.
NHSના નવા આંકડાઓ કહે છે કે વિક્રમી સંખ્યામાં ટીનેજર્સને એન્ટિડિપ્રેશન્ટ્સ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦માં ૫થી ૧૬ વયજૂથના બાળકોને આ ડ્રગ્સ માટે ૨૩૧,૭૯૧ પ્રિસ્ક્રિપ્શન્સ જારી કરાયા હતા. ગત પાંચ વર્ષમાં સેકન્ડરી સ્કૂલ્સની બાળકોને અપાયેલા પ્રીસ્ક્રિપ્શન્સની સંખ્યામાં ૨૩ ટકાનો વધારો થયો છે. ટીનેજર્સના માનસિક આરોગ્યને સુધારવા શું કરવું જોઈએ તે યક્ષપ્રશ્ન છે કારણકે એન્ગ્ઝ્યાઈટી અને ડિપ્રેશનથી પીડાતા યુવા પેશન્ટ્સની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે.
કોમિસાર કહે છે કે વૈશ્વિક મહામારીએ જે કારમી સ્થિતિ સર્જી છે તેના સિવાય પણ આ પેઢીના સભ્યોએ તેમના માતાપિતાએ જે પડકારોને સામનો કર્યો તેની સરખામણીએ ઘણું સહન કરવાનું રહે છે. ટેકનોલોજીએ વધારેલું સામાજિક દબાણ, રાજકીય અને આર્થિક અસ્થિરતાનું વિશ્વ, થોડી નોકરીઓ માટે તીવ્ર સ્પર્ધાની ચિંતા તેમજ દરેક વધારાના પડકારની ચિંતા કૌમાર્યા-કિશોરાવસ્થાના ભાવનાત્મક, સામાજિક અને હોર્મોનલ તોફાનોને વધુ તીવ્ર બનાવે છે. આ સમયે પેરન્ટ્સ તરીકે તેમની સાથે શારીરિક અને લાગણીકીય રીતે હાજર રહેવું જરૂરી છે અન્યથા તેમની જિંદગી રોળાઈ જવાનું જોખમ રહે છે. આ બાળકો ભારે અસલામતી અનુભવતા હોય છે.
કિશોરાવસ્થાના ત્રણ મહત્ત્વપૂર્ણ તબક્કા
કિશોરાવસ્થાનો આરંભ લોકો માને છે તેના કરતાં વહેલો એટલે કે નવ વર્ષની વયેથી થવા ઉપરાંત, ઘણો મોડો એટલે કે ૨૫ વર્ષે સમાપ્ત થતો હોય છે. પોતાના બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે માબાપ ઘણું મહત્ત્વ ધરાવે છે. આ સમય મગજ અને લાગણીના વિકાસનો છે. બાળકોના વિકાસના ત્રણ તબક્કા છે. ૯થી ૧૩ વર્ષની વય સુધીનો પ્રથમ તબક્કો ‘Exploration’ (શોધખોળ)નો છે જેમાં, બાળકો પેરન્ટ્સથી અલગ થવા લાગે છે છતાં, તેમના પર આધારિત હોય છે. બીજો તબક્કો ૧૪થી ૧૮ વર્ષની વય સુધી ‘Declaration’ (પ્રગટીકરણ)નો છે જેમાં, તેઓ સામાજિક અને જાતીય રીતે કેવાં છે તે જાણવા લાગે છે. ત્રીજો તબક્કો ૧૯થી ૨૫ વર્ષની વય સુધી ‘Confirmation’ (પુષ્ટિકરણ)નો છે જેમાં, તેઓ પુખ્ત વ્યક્તિ તરીકે વ્યક્તિગત ઓળખ સ્થાપિત કરવા લાગે છે.
એરિકા કોમિસાર કહે છે કે આ તમામ પરિવર્તનો તેમના મગજને અસલામત બનાવે છે, આનો અર્થ એ છે કે ‘કિશોરાવસ્થા ખુદ એક વિપત્તિ છે’. ભાવનાત્મક સુરક્ષાનો મજબૂત પાયો ધરાવતાં બાળકો પણ આ સમયગાળા દરમિયાન માનસિક બીમારી, ખાસ કરીને એન્ગ્ઝ્યાઈટી અને ડિપ્રેશન જેવી બાબતો માટે શંકાસ્પદ બની રહે છે.
આના પરિણામે, પેરન્ટ્સ સજાગ, માહિતીસભર અને મહત્ત્વપણે ‘હાજર’ રહેવું પડે છે. નાના નાના ક્વોલિટી ટાઈમ પોકેટના બદલે તમે હાજર છો તેવી સભાનતા જ સારી છે કારણ કે ટીનેજર્સને તમારી જરૂર હોય ત્યારે તમારી હાજરી જરૂરી છે. જો તમે ગેરહાજર હશો તો તકની બારી બંધ થઈ જશે. બાળકો તમને ગુસ્સે કરી શકે છે, અધીરા કે ઉતાવળિયા પણ બનાવી શકે છે. આ સમયે પેરન્ટ્સ લાગણી પર કાબુ રાખે તે પણ જરૂરી છે. એન્ગ્ઝ્યાઈટી યુગની અસર સ્વાભાવિકપણે પેરન્ટ્સ પર પણ થતી જ હોય છે.
કોમિસાર કહે છે, ‘જો આપણે સ્વનિયંત્રણ નહિ રાખીએ તો આપણા બાળકોને નિયંત્રણ રાખવામાં મદદરૂપ કેવી રીતે બની શકીશું? આપણે તેમની લાગણીઓને સમજતા અને તેને તંદુરસ્ત રીતે કાબુમાં રાખતાં અને સ્થિતિસ્થાપક બનતાં શીખવવાનું છે. અન્ય વ્યક્તિ કેવી લાગણી ધરાવે છે તેની કલ્પના કરવાની અને સમજવાની તમારી ક્ષમતાનું વિશેષ મહત્ત્વ છે. આપણું બાળક સારી અને મૂલ્યો ધરાવતી વ્યક્તિ છે તેવી અંતરની લાગણી ધરાવતા હોઈશું તો ભલે ગમે થાય બાળકોના અંતરમાં પણ તેવી માન્યતા દૃઢ બનશે.
જીવનમાં A* ગ્રેડ્સ જ સર્વસ્વ નથી
દરેક બાળક ઓછાવધતા અંશે ચિંતાતુર રહે છે અને તે સામાન્ય છે. આપણે સામાન્ય ચિંતા અને ગંભીર ચિંતા વચ્ચે તફાવત સમજવાનો છે. જો ચિંતા સતત વળગેલી હોય તો ગંભીર નિશાની છે. બાળકોને અભ્યાસમાં સારું પરફોર્મન્સ દર્શાવવાની ચિંતા રહે જ છે. માતાપિતા અજાણેપણ નાણાકીય અને શૈક્ષણિક સિદ્ધિઓ બાબતે અન્યો સાથે સરખામણી કરતાં રહીને બાળકો પર આવું દબાણ સર્જતા રહે છે. જીવનમાં માત્ર સિદ્ધિઓ સિવાય પણ ઘણું કરવાનું હોય છે અને બાળક શ્રેષ્ઠતા હાંસલ ન કરી શકે તો તે નિષ્ફળ છે એમ તેમના મગજમાં ઠસાવવું ન જોઈએ. જીવનમાં શ્રેષ્ઠ નોકરી અથવા સૌથી વધુ કમાણી કરવા માટે A* ગ્રેડ્સને મહત્ત્વ આપવાના બદલે તેઓ સતત પ્રત્ન કરતા રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. ઘણા જડ અને કડક માતાપિતા ચિંતાતુર બાળક પેદા કરે છે
બાળકોના ન્યાયાધીશ ન બનશો
કિશોરાવસ્થા એક પડકાર છે. ટીનેજર્સ આક્રમકતા જેવી તીવ્ર આંતરિક લાગણીઓને કાબુમાં રાખવાનો સંઘર્ષ કરે છે. બોઈઝ પોતાની આક્રમકતાનું શારીરિક પ્રદર્શન કરે છે, છોકરીઓ ટીકાટીપ્પણ અને વ્યંગોક્તિથી આક્રમકતા દર્શાવે છે. છોકરીઓ કરતાં છોકરાઓ ન્યૂરોલોજિકલી નાજૂક હોય છે. બાળકની આક્રમકતા પાછળના કારણો સમજવાની જરૂર છે. આવી આક્રમકતા તેમને હિંસા, વ્યસન, આલ્કોહોલ, ડ્રગ્સ અને વધુ પડતા ગેમિંગ તરફ ધકેલે છે. આવા સંજોગોમાં બાળકોના ન્યાયાધીશ ન બનશો, તેમને સમજવાનો પ્રયાસ કરો, ધીરજ ધરો, સહાનુભૂતિ દર્શાવો અને તેઓ પણ પ્રેમાળ, ઉદાર અને ભાવનાત્મક બની રહેશે. પેરન્ટ્સની જવાબદારી બાળકોને તેમની ક્ષમતાઓ અને મર્યાદાઓ સમજાવવામાં મદદરૂપ બનવાની છે. આપણે જેમ ઈચ્છીએ તેમ નહિ પરંતુ, તેઓ જે ઈચ્છે તે બનવા દો.