લંડનઃ અન્ય કોઈ પણ પશ્ચિમી દેશની સરખામણીએ યુકેમાં સૌથી વધુ એન્ટિડિપ્રેસન્ટ્સ પ્રીસ્ક્રાઈબ કરાય છે ત્યારે રોયલ કોલેજ ઓફ સાઈકિયાટ્રિસ્ટ્સ દ્વારા લાખો પેશન્ટ્સને તેની તીવ્ર અવળી અસર વિશે ચેતવણી આપી છે. અત્યાર સુધી એન્ટિડિપ્રેસન્ટ્સની આડઅસર હળવી ગણાતી હતી પરંતુ, નિષ્ણાતોએ હવે તેને વધુ ખરાબ ગણાવી છે. રોયલ કોલેજ ઓફ સાઈકિયાટ્રિસ્ટ્સે પ્રથમ વખત એન્ટિડિપ્રેસન્ટ્સના કારણે મહિનાઓ સુધી તેની આડઅસર રહેતી હોવાનું સ્વીકાર્યું છે. એન્ટિડિપ્રેસન્ટ્સ ગોળીઓના વધુપડતા વપરાશને અટકાવવા તેને પ્રથમ વખત પ્રીસ્ક્રાઈબ કરતી વખતે દર્દીઓને તેની ગંભીર આડઅસરોની ચેતવણી આપવા ડોક્ટરોને જણાવ્યું છે.
હેલ્થ સત્તાવાળા અત્યાર સુધી એન્ટિડિપ્રેસન્ટ્સ બંધ કરવાથી એક-બે સપ્તાહ હળવી આડઅસર રહેતી હોવાનું જણાવતા હતા. જોકે હવે રોયલ કોલેજ જણાવે છે કે કેટલાક દર્દીઓને તીવ્ર આડઅસરો રહે છે, જે સપ્તાહો કે મહિનાઓ સુધી પણ હોઈ શકે છે. આથી પેશન્ટ્સ સાથે તેના જોખમોની ચર્ચા કરવી જોઈએ. તેણે NHSના વોચડોગ NICEને પણ તેની ગાઈડલાઈન્સ સુધારવા જણાવ્યું છે.
NHSના અનુસાર ઈંગ્લેન્ડમાં સાત મિલિયન લોકોએ ૨૦૧૬-૧૭માં આ ડ્રગ્સ લીધી હતી. સમય જતાં એન્ટિડિપ્રેસન્ટ્સ પર આધાર રાખનારાની સંખ્યા વધી છે. ૨૦ વર્ષ અગાઉ ચારમાંથી એક વ્યક્તિ આ દવાઓ સરેરાશ આઠ મહિના લેતી હતી જે ગાળો વધી ૧૫ મહિના થયો છે. આ દવાઓ છોડવાનો પ્રયાસ કરનારા ૫૬ ટકા લોકો વિથ્ડ્રોઅલ અસરોથી પીડાય છે. જર્નલ ઓફ એડિક્ટિવ બીહેવિઅર્સમાં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ ઈંગ્લેન્ડમાં આ દવાઓ લેનારા સાત મિલિયન લોકોમાંથી ચાર મિલિયન લોકો દવાઓ બંધ કરતી વેળાએ વિથ્ડ્રોઅલ સિમ્પ્ટમ્સ જોખમ હેઠળ હોય છે, જેમાંથી ૧.૮ મિલિયનને તીવ્ર લક્ષણો જણાય છે અને ૧.૭ મિલિયન લોકોને તેની અસર ઓછામાં ઓછાં ત્રણ મહિના રહે છે.