લંડનઃ કોરોના મહામારી શરૂ થયા બાદ બ્રિટનમાં ડિપ્રેશનથી પીડા લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. એનએચએસના આંકડા અનુસાર ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એન્ટીડિપ્રેશન મેડિસીન લેનારા બ્રિટિશરોની સંખ્યામાં પાંચ લાખનો વધારો થયો છે. આ પ્રકારની દવાઓ લેનારામાં બાળકો અને સગીરોની સંખ્યામાં પણ વધારો થયો છે.
2021-22માં એન્ટી ડિપ્રેશન મેડિસીન લેનારાની સંખ્યા 7.9 મિલિયન હતી જે 12 મહિનામાં પાંચ ટકા વધીને 8.3 મિલિયન પર પહોંચી છે. સતત છઠ્ઠા વર્ષે દર્દીઓ અને પ્રિસ્ક્રિપ્શનની સંખ્યામાં વધારો થયો છે. 2021 અને 2022 વચ્ચે અંદાજિત 83.4 મિલિયન એન્ટીડિપ્રેશન્ટ દવાઓ પ્રિસ્ક્રાઇબ કરાઇ હતી જે તેના અગાઉના વર્ષ કરતાં પાંચ ટકા વધુ હતી. એન્ટીડિપ્રેશન દવાઓ લેનારા યુવાઓની સંખ્યામાં પણ આઠ ટકાનો વધારો થયો હતો. આ પ્રકારની દવા લેનારા 10થી 14વર્ષના કિશોરોની સંખ્યા 10,994થી વધીને 11,878 જ્યારે 15થી 19 વર્ષના સગીરોની સંખ્યા 1,66,922થી વધીને 1,80,455 થઇ હતી. એન્ટી ડિપ્રેશન દવાઓ લેનારા પુરુષોની જેમ મહિલાઓની સંખ્યા પણ બમણી થઇ છે.
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સલન્સ કહે છે કે હળવું ડિપ્રેશન ધરાવતા લોકોને એન્ટીડિપ્રેસન્ટ આપવાના સ્થાને કસરત અને થેરાપી દ્વારા સારવાર આપવી જોઇએ. સંસ્થાએ તેમને ગ્રુપ મેડિકેશન અથવા તો બિહેવિયરલ થેરાપી આપવા અને કેટલાક કિસ્સામાં વ્યક્તિગત કાઉન્સેલિંગ કરવાની ભલામણ કરી છે. માનસિક રોગના નિષ્ણાત એલેક્સા નાઇટ કહે છે કે, કોરોના મહામારી અને હવે માઝા મૂકતી મોંઘવારીને કારણે મોંઘીદાટ બનેલી જીવનશૈલીના કારણે લોકોના માનિસિક આરોગ્ય પર પ્રચંડ દબાણ સર્જાયું છે. પરંતુ એન્ટી ડિપ્રેશન દવાઓનો વધેલો ઉપયોગ દર્શાવે છે કે લોકો માનસિક આરોગ્યની સારવાર કરાવી રહ્યાં છે, જે આવકાર્ય બાબત છે. ડિપ્રેશનની ગંભીરતાને આધારે લોકોને અલગ અલગ પ્રકારની સારવાર અપાય તે જરૂરી છે.