લંડનઃ NHSમાં એપોઈન્ટ્મેન્ટ્સમાં વિલંબના કારણે ગ્લુકોમાના ૩૫,૦૦૦થી વધુ દર્દીને દૃષ્ટિ ગુમાવવી પડે તેવું જોખમ નડી શકે છે. સમગ્ર ઈંગ્લેન્ડમાં પાંચ લાખથી વધુ લોકો આંખના રોગ ગ્લુકોમાની સ્થિતિથી પીડાય છે અને તેના માટે નિયમિત દેખરેખ રાખવી મહત્ત્વની બની રહે છે. પુરાવાઓ અનુસાર દર મહિને ૨૨ દર્દી કાયમી અથવા તીવ્રપણે દૃષ્ટિ ગુમાવે છે. NHSના ૪૦થી વધુ ટ્રસ્ટે વેઈટિંગનો સમય વધુ રહેતો હોવાના રિપોર્ટ્સ પણ આપ્યા છે.
ગ્લુકોમાના ૩૫,૦૦૦થી વધુ દર્દીને NHSમાં એપોઈન્ટ્મેન્ટ્સમાં વિલંબના કારણે પોતાની દૃષ્ટિ ગુમાવવી પડે તેવું જોખમ છે કારણકે આંખના આ રોગમાં નિયમિત દેખરેખ રાખવી જરૂરી હોય છે. ઈંગ્લેન્ડના ૧૨૦ NHS ટ્રસ્ટની સમીક્ષામાં ૨૭ ટ્રસ્ટે ગત વર્ષે ગ્લુકોમાના ૧,૦૦૦થી વધુ દર્દીને જ્યારે, ૧૬ ટ્રસ્ટે ૫૦૦થી વધુ દર્દીને એપોઈન્ટ્મેન્ટ્સમાં વિલંબ થયાનું સ્વીકાર્યું હતું. માત્ર ૧૨ ટ્રસ્ટે ફોલો-અપ એપોઈન્ટમેન્ટમાં કોઈ વિલંબ ન થયાનું જણાવ્યું હતું. સાત ટ્રસ્ટ કોઈ પ્રતિભાવ આપી શક્યા ન હતા.
આંખમાં પ્રવાહી વધવાથી ભારે દબાણના કારણે ગ્લુકોમાની સ્થિતિ સર્જાય છે, જેનાથી ઓપ્ટિક નર્વને નુકસાન થવાથી દૃષ્ટિહીનતા આવે છે જે સ્થિતિને બદલી શકાતી નથી. સર્જરી અને લેસર સારવારથી તેને વધુ ખરાબ થતી અટકાવી શકાય પરંતુ, આંખમા પ્રવાહીનું ઉત્પાદન ઘટાડવાની લેસર સારવાર અથવા તેને બહાર નીકળવા માટે સર્જરી કરાવી હોય તેવા ગ્લુકોમાના દર્દીઓ પર સતત દેખરેખ રાખવા નિયમિત એપોઈન્ટમેન્ટ આવશ્યક રહે છે. જોકે, NHSના ‘ગેટિંગ ઈટ રાઈટ ફર્સ્ટ ટાઈમ’ પ્રોગ્રામ હેઠળ ઓપ્થેલ્મોલોજી વિભાગની સમીક્ષા દરમિયાન એપોઈન્ટ્મેન્ટ્સમાં વિલંબની સ્થિતિ બહાર આવી હતી.
હેલ્થ સર્વિસ જર્નલમાં પ્રસિદ્ધ સમીક્ષાના મુખ્ય આલેખક નિષ્ણાતોનું કહેવું છે કે ગ્લુકોમાના નવા દર્દીઓને પ્રાથમિકતા આપવામાં જેને નિદાન થઈ ચુક્યુ છે તેમના પર ધ્યાન આપવામાં વિલંબ થાય છે. ગ્લુકોમાના નવા દર્દીઓને ૧૮ સપ્તાહમાં સારવાર માટે મોકલવાનું લક્ષ્ય રખાયું છે પરંતુ, સારવારની ફોલો-અપ એપોઈન્ટમેન્ટ માટે કોઈ લક્ષ્ય રખાતું નથી. બે વર્ષ અગાઉ, બ્રિટિશ ઓપ્થેલ્મોલોજીકલ સર્વેલન્સ યુનિટના અભ્યાસનું તારણ કહે છે કે હેલ્થ સર્વિસમાં વિલંબના કારણે મહિને ૨૨ જેટલા દર્દી કાયમી અથવા તીવ્ર દૃષ્ટિહીનતાનો ભોગ બને છે.