લંડનઃ ઈમરજન્સીના સંજોગોમાં નોર્થ વેસ્ટ એમ્બ્યુલન્સ સર્વિસ (NWAS) NHS ટ્રસ્ટના સ્ટાફને બોલાવવામાં આવે છે પરંતુ, તેઓ જ્યારે તે સ્થળે જાય છે ત્યારે સારવાર કરવા લાયક કોઈ વ્યક્તિ ત્યાં હોતી જ નથી. આવા કોલ્સ પાછળ દર મહિને પ્રજાના એક મિલિયન પાઉન્ડ કરતાં વધુ રકમનો વ્યય થાય છે. આવું દર મહિને ૧,૧૭૧ વખત બને છે અને NHSને તેમાં દર મહિને ૧૭૧,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થાય છે. બીજા ૬,૨૦૭ કોલ એવા હોય છે કે જેમાં પેરામેડિક્સ તે સ્થળે જાય ત્યારે તેમની સારસંભાળ અને સારવાર લેવાની લોકો ના પાડી દે છે. આવા કિસ્સામાં NHSને ૯૦૦,૦૦૦ પાઉન્ડનો જંગી ખર્ચ થાય છે.
કુલ ગણીએ તો દર વર્ષે ૧૨,૮૫૫,૧૨૦ પાઉન્ડનો જંગી ખર્ચ થાય છે. તે રકમનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો અન્ય ઘણી સુવિધા ઉભી કરી શકાય તેમ છે.
NWAS એ ‘મેક ધ રાઈટ કોલ’ અભિયાન અંતર્ગત તેના આંકડા જાહેર કર્યા હતા. આ અભિયાન દ્વારા લોકોને સૌથી યોગ્ય સંભાળ લેવા માટે NHSની યોગ્ય સેવા લેવા અને જે લોકોને એમ્બ્યુલન્સની જરૂર છે તેમને ત્યાં તે પહોંચે તેની તકેદારી લેવા અનુરોધ કરાયો હતો.
NWASના ડિરેક્ટર ઓફ ઓપરેશન્સ ગેડ બ્લેઝાર્ડે જણાવ્યું હતું કે લોકોને અમારી જરૂર ન હોય તો તેમણે 999 પર કોલ કરીને તે કેન્સલ કરાવવી જેથી અમે બીજા દર્દી પાસે ઝડપથી પહોંચી શકીએ અને જે લોકોને અમારી અથવા અમારી મદદની જરૂર ન હોય તેવા લોકોને શોધવામાં અમારો સમય બગાડીએ નહિ.
કેટલાક લોકો ઈમર્જન્સીમાં ડોક્ટરો ત્વરિત ચેક-અપ કરી એટેન્શન રહે તેવા આશયથી કારમાં જવાના બદલે એમ્બ્યુલન્સને કોલ કરે છે જે યોગ્ય નથી.