ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીના ત્રણ મહિના એલર્જીની સીઝન કહેવાય છે. સામાન્યપણે જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ કેટલાક બિનહાનિકારક પદાર્થોને ખતરો સમજીને પ્રતિક્રિયા આપે છે તેના પરિણામે એલર્જી થાય છે. આ મહિનામાં એલર્જી વધુ થવાનું કારણ પરાગરજની માત્રા વધુ હોય છે. શરીર તેને હાનિકારક તત્વ સમજે છે. રોગપ્રતિકારક શક્તિ લડવા માટે હિસ્ટમાઇન નામનું કેમિકલ રિલીઝ કરે છે. તે ઉપરાંત ધૂળના કણો ફૂગ પ્રદૂષણ, પાલતુ જાનવરોના સંપર્કમાં આવવાથી પણ આપણી ઇમ્યુન સિસ્ટમ આ રીતે જ પ્રતિક્રિયા આપે છે. આજે જાણીએ કે ક્યા અંગોમાં એલર્જીના લક્ષણ જોવા મળી શકે છે અને તેની સારવાર શું છે? આપણા શરીરમાં આ રીતે એલર્જીના લક્ષણો નજરે પડે છે.
આંખોમાં બળતરા
એલર્જીને કારણે આંખોમાં બળતરા, સોજો. આંખો લાલ થવી કે પછી આંખમાંથી વધુ પાણી પડવું જેવા લક્ષણો સામાન્ય છે. જેને એલર્જિક કંજક્ટિવાઇટિસ કહે છે. ધૂળ, ધૂમાડો અથવા ફૂલોની પરાગરજ તેના માટે જવાબદાર હોય શકે છે. વાસ્તવમાં આંખો એલર્જી સામે લડવા માટે હિસ્ટામાઈન કેમિકલ રિલીઝ કરે છે. પ્રતિક્રિયા સ્વરૂપ આંખો અને પાંપણ લાલ થાય છે. તેમાં ખંજવાળ અને બળતરા શરૂ થાય છે.
• ઉપાય શું?ઃ સામાન્યપણે આઈ ડ્રોપ્સ અથવા એલર્જીની દવાથી રાહત મળે છે. જોકે આ આંખોનું સંક્રમણ પિન્ક આઈ ન હોય તેની તપાસ જરૂરી છે. એટલે જ ડોક્ટરનો સંપર્ક કરો તે જરૂરી છે.
થાક લાગવો
એલર્જીને કારણે અનેક લોકોમાં નાક બંધ થવાથી નસકોરા અથવા ઊંઘમાં શ્વાસ રોકાવાને કારણે ઊંઘ ઉડી જવાની સમસ્યા હોય શકે છે. જેનાથી ઊંઘ બગડે છે અને તેનું પરિણામ થાકના રૂપમાં સામે આવે છે.
• ઉપાય શું?ઃ એલર્જીના લક્ષણોને ઘટાડવા માટે દવા લો. તેનાથી ઊંઘમાં રાહત મળે છે.
કાનમાં દુખાવો
નાકમાંથી પાણી વહેવાથી તેમજ ગળામાં સોજાને કારણે કાનમાં અંદરના હિસ્સામાં ખેંચાણ અને બેચેની લાગે છે. જેનાથી કાનમાં સોજો તેમજ ફ્લુઇડ જમા થવાથી દુખાવો થાય છે.
• ઉપાય શું?ઃ એન્ટિહિસ્ટામાઇન અને ડિકંજેસ્ટંટ દવાથી આરામ મળે છે, જે કાનમાં પડતા દબાણને ઘટાડે છે.
ઉધરસ - ગળામાં ખારાશ
ઉધરસ, ગળામાં ખારાશ પણ એલર્જીના પ્રમુખ લક્ષણ છે. અનેકવાર એલર્જીને કારણે બનતી લાળ નાકમાંથી થઈને ગળામાં પહોંચે છે. તેનાથી સમસ્યા થાય છે.
• ઉપાય શું?ઃ કોગળા કરો. ખારાશ દુર કરતી દવા લો. જો ગળામાં દુખાવો થાય કે તાવ આવે તો ચેપની તપાસ કરાવો.
મોંમાં ખંજવાળ
કેટલાક કાચા ફળો, શાકભાજી અથવા નટ્સને કારણે મોં પર ખંજવાળ, હોઠ, મોં અને જીભમાં સોજો આવે છે. કેટલાક ખાદ્યપદાર્થોમાં રહેલ પ્રોટીન પરાગકણની જેમ કામ કરે છે.
• ઉપાય શું?ઃ તેને ઓરલ એલર્જી સિન્ડ્રોમ કહે છે. આ સમસ્યા માટે સીધા જ ડોક્ટરની સલાહ લીધા બાદ દવા લો.
છીંક ઘટાડવા માટે આ ઉપાય અજમાવો
એલર્જીમાં વારંવાર છીક સામાન્ય છે. જો વધુ છીંક આવતી હોય આ રીત અજમાવી શકો છો. જ્યારે તમને છીંક આવવાનો અહેસાસ થાય તો જીભને મોંના તાળવા પર રાખો. 5 થી 10 સેકન્ડમાં છીંકની ઈચ્છા ઘટી જશે. આ ઉપરાંત અન્ય એક ઉપાય એ પણ છે કે છીંક આવવા લાગે ત્યારે દાંતોને પરસ્પર ક્સી લો. ત્યારબાદ જીભને સામેના દાંત સાથે સ્પર્શ કરો. થોડા સમય સુધી કરવાથી છીંક ઘટી જશે.