વોશિંગ્ટન:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)એ કહ્યું છે કે અત્યારે તો એશિયાની સ્થિતિ યુરોપ અને અમેરિકા કરતાં સારી છે પરંતુ એશિયામાં કોરોનો મહામારીનો ફેલાવો વધવાની શક્યતા રહેલી છે. આગામી દિવસોમાં જો કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થશે તો એશિયાની સ્થિતિ બધારે બદતર થઈ શકે છે. આથી એશિયાના દેશોને શક્ય એટલાં ઝડપથી પગલાં લેવા ઓર્ગેનાઈઝેશનના અધિકારીએ ભલામણ કરી હતી. અધિકારીએ એમ પણ ઉમેર્યું હતું કે આ લડાઈ લાંબી ચાલાની શક્યતા છે.
અમેરિકામાં કોરોનાના કેસ આશરે બે લાખથી વધી ગયા છે અને સૌથી ખરાબ સ્થિત મેટ્રોપોલિટન સિટી ન્યૂ યોર્કની છે. અહીંના ગુજરાતી ડોક્ટર શામિત પટેલે કહ્યું હતું કે ન્યૂ યોર્કની સ્થિતિ આવી જ રહેશે તો આગામી દિવસોમાં હોસ્પિટલોમાં જગ્યા નહીં મળે. અત્યારે તો હજુ ન્યૂ યોર્કની બધી હોસ્પિટલો નથી ભરાઈ, પરંતુ દરદી સતત વધતા રહેશે તો હોસ્પિટલો પણ પથારીની અછત અનુભવશે. એટલું જ નહીં એ સમયે આરોગ્ય સુવિધાઓ, વિવિધ મેડિકલ સાધન-સામગ્રીની પણ અછત સર્જાશે.
• અમેરિકામાં ૬૦ ટકા વસ્તી કોરોનાની લપેટમાં આવવાનું અનુમાન છે. ન્યૂ યોર્કના ગવર્નર એન્ડ્રયુ એમ. કુઓમોએ કહ્યું કે, અમે પહેલી વાર આવું યુદ્વ જોઇ રહ્યા છીએ. અમે આટલા ખતરનાક વાઇરસનો ક્યારેય સામનો નથી કર્યો. બસ થોડા સમયની વાત છે અને આઇસીયુ બેડ ભરાઇ જશે. અમને વધુ બેડની જરૂર પડશે. અમે રિઝર્વ હેલ્થ સ્ટાફને પણ અલગ તારવી રહ્યા છીએ, જેથી જરૂર પડ્યે તેમને મેદાનમાં ઉતારી શકાય. અમેરિકામાં અન્ય દેશોની તુલનામાં સ્થિતિ વધુ જટિલ થઇ શકે કારણ કે, અહીં વૈવિધ્યતા ઊડું રાજકીય અને આર્થિક વિભાજન હોવાથી નિર્ણયો લેવાની ક્ષમતા પર અસર પડશે.