લંડનઃ યુકેમાં કોરોના વાઈરસ સામે લડવા અમેરિકા અને જર્મનીની કંપની ફાઈઝર-બાયોએનટેકના વેક્સિનના ડોઝ લોકોને અપાઈ રહ્યા છે. ફાઈઝરની વેક્સિન ૯૫ ટકા અસરકારક હોવાનો દાવો કરાયો છે. બીજી તરફ, ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રેઝેનેકા દ્વારા વિકસાવાયેલી કોવિશિલ્ડ વેક્સિન ૭૦ ટકા જ અસરકારક હોવાનું કહેવાય છે. આ સંજોગોમાં વેક્સિનની કાર્યક્ષમતા વધારવા એસ્ટ્રેઝેનેકા અને સ્પૂટનિક-૫ વેક્સિન વિકસાવનારી રશિયન કંપની હાથ મિલાવી રહી છે. રશિયાની સ્પૂટનિક-૫ વેક્સિન ૯૦ ટકા કાર્યક્ષમ હોવાનો દાવો કરાય છે. બંને વેક્સિનનું સંયોજન કરી તેનું પરીક્ષણ હાથ ધરવાની યોજના છે.
યુકેમાં ફાઈઝર કંપનીને વેક્સિન આપવાની મંજૂરીના પગલે બ્રિટિશ ઈતિહાસમાં સૌથી મોટા વેક્સિનેશનનો આરંભ કરાયો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રેઝેનેકાની કોવિશિલ્ડ વેક્સિન આ દોડમાં સૌથી મોખરે હતી પરંતુ, તેની રસીની અસરકારકતા માત્ર ૭૦ ટકા તેમજ પહેલા અડધા ડોઝની અસરકારકતા ૯૦ ટકા હોવાનું બહાર આવ્યા પછી તેને યુકેમાં ઉપયોગમાં લેવાની પરવાનગી અપાઈ નથી. આ સંજોગોમાં બ્રિટનની એસ્ટ્રેઝેનેકા અને રશિયાના વિજ્ઞાનીઓએ ટીમ બનાવી છે. આ ટીમ બંને રસીના સંયોજનનું પરીક્ષણ કરી તેનાથી લોકોને કોરોનાથી બચાવવામાં અસરકારક કવચ મળવાની શક્યતા ચકાસશે.
કોવિશિલ્ડ અને સ્પૂટનિક-૫ વેક્સિન્સમાં એડેનોવાઈરસીસનો ઉપયોગ કરાયો છે પરંતુ, તેની સંરચના અલગ છે. હવે એસ્ટ્રેઝેનેકા તેની પ્રાયોગિક વેક્સિન અને સ્પૂટનિક-૫ વેક્સિનના સંયોજનનું પરીક્ષણ આ વર્ષના અંત સુધીમાં શરુ કરશે. જો તે અસરકારક પૂરવાર થાય તો સ્પૂટનિક-૫ વેક્સિન વિકસાવવામાં ભંડોળ આપનારા સરકારી વેલ્થ ફંડ RDIF એ નવા વેક્સિનને સંયુક્તપણે ઉત્પાદિત કરવાની ઈચ્છા દર્શાવી છે.
આ ટ્રાયલ ભારત માટે મહત્ત્વપૂર્ણ રહેશે કારણકે સીરમ કોવિશિલ્ડ રસી બનાવવામાં ભાગીદાર છે. બીજી તરફ, રશિયન રસી સ્પૂટનિક-૫ની ભારતમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ પણ ચાલે છે. આ બંને પાસેથી ૬૦ કરોડ ડોઝ ખરીદવા ભારત સરકારે કરાર કર્યા છે.