લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કોરોના વેક્સિન વિકસાવાઈ છે અને યુકે સહિતના દેશોમાં લોકોને કોરોનાથી રક્ષણ આપવા વેક્સિન અપાઈ રહ્યું છે. હવે ઓક્સફર્ડ દ્વારા પ્રથમ વખત બાળકો પર કોરોના વેક્સિનનું પરીક્ષણ કરાશે. આ માટે અત્યારે ૬-૧૭ વયજૂથના ૩૦૦ બાળકોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.અત્યારે ઉપલબ્ધ વેક્સિન ૧૮ વર્ષની વધુ વયના લોકોને જ અપાઈ રહી છે. બાળકો માટે વેક્સિન હજુ સુધી ઉપલબ્ધ બની નથી.
વિશ્વમાંમાં પુખ્ત વયના લોકોને કોરોનાથી રક્ષણ મળે તે માટે વેક્સિનેશન શરુ થયું છે ત્યારે હવે બાળકો માટે થોડા ફેરફાર સાથેની રસી પણ મંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ પરીક્ષણ ક્યારે શરુ થશે તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ ન હતી.
ઓક્સફર્ડના અધિકારી એન્ડ્રુ પોલાર્ડે જણાવ્યું હતું કે બાળકોની ઈમ્ટયુનિટી વધુ સારી હોવાથી તે કોરોનામાં ગંભીર રીતે સપડાતા નથી, તેમ છતાં તેમની રોગપ્રતિકારક શક્તિ વિકસે તે માટે વેક્સિનેશન આપવું જરુરી છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિને ધ્યાનમાં રાખીને એવી જ વેક્સિન બનાવાશે. વેક્સિનેશનથી તેમને ભવિષ્યમાં પણ કોરોનાનો ડર રહેશે નહિ. તેમના ભવિષ્યના જોખમને દૂર કરવા માટે અત્યારથી રસીકરણ કરવું હિતાવહ છે.