અમદાવાદ: શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૬૨ વર્ષીય સ્પેનિશ મહિલાએ અન્ય બીમારી છતાં ૧૦ દિવસની સારવારમાં કોરોનાને માત આપી છે. મોરબીની હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં ટ્રાન્સફર કરાયેલી મહિલાનું ઓક્સિજન લેવલ ૮૫ ટકાથી નીચું જતાં બાયપેપ રાખવા પડ્યા હતા. જોકે, હોસ્પિટલના ચારથી પાંચ ડોક્ટરોની ટીમની સઘન સારવારથી મહિલાએ કોરોનાને માત આપી છે.
જાણીતા પલ્મોનોલોજીસ્ટ ડો. અમિત પટેલ જણાવે છે કે, એપ્રિલમાં મૂળ સ્પેનનાં ૬૨ વર્ષીય મારિયા નામના મહિલા બિઝનેસ હેતુથી ગુજરાતના મોરબીના પ્રવાસે આવ્યાં બાદ કોરોનાનો ભોગ બન્યાં હતાં. તેમને ચાર-પાંચ દિવસ ભારે તાવ અને કફની તકલીફને લીધે મોરબીની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ડોક્ટરોએ રેમડેસિવિર અને સ્ટિરોઇડની સારવાર આપી હોવા છતાં તેઓ સાયટોકાઇન સ્ટોર્મનો ભોગ બનતાં સ્થિતિ ગંભીર બની ગઇ હતી. આથી તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
મહિલાના ફેફસામાં ૮૦થી ૯૦ ટકા ઇન્ફેકશન અને ઓક્સિજન લેવલ ૮૫ ટકા જેટલું નીચું જતાં હાલત ગંભીર બની હતી ને તેમને ૧૦૦ ટકા બાયપેપની જરૂર ઊભી થઈ હતી. આ ઉપરાંત સાયટોકાઈન સ્ટોર્મને લીધે ઈન્જેક્શન આપવાની જરૂર પણ ઊભી થઈ હતી. આથી ક્રિટિકલ કેર ઈન્ટેનસિવિસ્ટ ડો. ભાગ્યેશ શાહ, ડો. મિનેષ પટેલ અને રુમેટોલોજીસ્ટ ડો.ભૌમિક મેઘનાથની ટીમ બનાવીને સારવાર શરૂ કરાતા ૧૦ દિવસમાં મહિલાએ કોરોનાને માત આપી હતી.
મહિલાની ૯૦ ટકા ઓક્સિજનની જરૂરિયાત જળવાય અને મહત્વનાં અંગો કાર્યરત રહે તે માટે તેમને હાઈ ફ્લો મશીન ઉપર મૂકાયા હતાં. મહિલાની હાલતમાં સુધારો થતાં ઓક્સિજન સપોર્ટની જરૂરિયાત રહી ન હતી. મહિલા સ્વસ્થ થયાના સમાચાર મળતાં કંપનીના માલિકે સ્પેન પરત લાવવા ચાર્ટર્ડ પ્લેન મોકલ્યું હતું.