વોશિંગ્ટનઃ એંશીના દાયકાથી એવી માન્યતા લોકપ્રિય રહી છે કે ઓછી ફેટ એટલે કે ચરબી અને ઓછા કાર્બોહાઇડ્રેટવાળા આહારથી વજન અને સ્વાસ્થ્ય સારું રહે છે. વધુ ફેટ અને વધુ કાર્બોહાઈડ્રેટવાળા આહારને નબળા આરોગ્ય સાથે જોડવામાં આવે છે અને સાથે સાથે જ તેને કારણે મોતનું જોખમ પણ વધુ રહે છે. જોકે હવે હાર્વર્ડ યુનિવર્સિટીના નવા સંશોધનમાં જણાયું છે કે ઓછા કાર્બોહાઇડ્રેટ અને ઓછી ફેટવાળા આહારથી આયુષ્ય લંબાતું નથી. એટલું જ નહીં, ઓછા કાર્બોહાઈડ્રેટવાળો બિનઆરોગ્યપ્રદ આહાર ખોરાક લેવાથી શરીરમાં કેલેરી ઘટે છે તેના કારણે મોતનું સરેરાશ જોખમ વધી જાય છે. સંશોધકો સૂચવે છે કે ચરબી અને કાર્બોહાઇડ્રેટસ સહિતના પોષક દ્રવ્યોની ગુણવત્તા મહત્ત્વની છે, તેનો જથ્થો મહત્ત્વનો નથી. આ જ બાબત તમારી આયુષ્ય રેખાને અસર કરે છે. હા, એ ખરું કે આહારમાં બ્રેડ, પાસ્તા અનાજ અને બિયર જેવા કાર્બોહાઇડ્રેટ્સ અને રેડ મીટ, દૂધ, ચીઝ અને કેટલાક તેલ જેવી ચરબી ભોજનમાં ઓછી લો તો તેનાથી વજન ટૂંકા ગાળામાં ઘટે છે. ઓછી ચરબી અને ઓછા કાર્બોહાઇડ્રેટવાળા આહારથી તમારું આયુષ્ય કેટલું લાંબું થાય છે એ અંગે સંશોધન કરવા માટે ૩૭ હજારથી પુખ્ત અમેરિકનો ઉપર અભ્યાસ થયો હતો. પોષકદ્રવ્યો ધરાવતો સંતુલિત આહાર લેતા લોકોની સરખામણીએ ઓછા ફેટ અને ઓછા કાર્બોહાઇડ્રેટવાળા આહાર લેનારાઓ વધુ આયુષ્ય ભોગવતા નથી.