લંડનઃ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના આંકડા મુજબ પહેલી વખત જે લોકોને સ્ટ્રોકનો હુમલો થયો હતો તેમાં મધ્ય આયુના એટલે કે ૪૦ અને ૬૯ વચ્ચેના ૩૮ ટકા લોકોનો સમાવેશ થાય છે. અગાઉના એક દાયકાની સરખામણીમાં નાની ઉંમરે પહેલી વખત સ્ટ્રોકના હુમલાનું પ્રમાણ વધી ગયું છે. સાઉથ એશિયન લોકોને ખૂબ નાની વયે સ્ટ્રોકનું વધુ જોખમ રહેલું છે.
સ્ટ્રોકના હુમલામાં બચી ગયેલા અમિત અમીન અને રંજ પરમાર બન્નેને ૩૦ના દાયકામાં હતા ત્યારે સ્ટ્રોકનો ભોગ બન્યા હતા. અમિતે જણાવ્યું હતું કે તેમણે સ્ટ્રોક Act FAST ની એડવર્ટ જોઈ હતી. પરંતુ, પોતાને આવું થશે તેવું ક્યારેય વિચાર્યું ન હતું. તે યુવાન અને તંદુરસ્ત હતા. તેમને શરાબસેવન કે ધૂમ્રપાનનું વ્યસન ન હતું. તેઓ સ્થૂળ પણ ન હતા. તેમને અને પરિવારને ખૂબ આઘાત લાગ્યો હતો.
રંજ પરમારે જણાવ્યું હતું કે તેમને સ્ટ્રોકનો હુમલો ન થયો ત્યાં સુધી તેની ગંભીરતા સમજાઈ ન હતી અને આ ઉંમરે સ્ટ્રોકનો હુમલો થશે તેવું તેમણે વિચાર્યું પણ ન હતું. ઈંગ્લેન્ડમાં મૃત્યુના મુખ્ય કારણોમાં સ્ટ્રોક હજુ પણ એક છે. આમ તો વૃદ્ધ લોકો તેનો ભોગ બનતા હોય છે. પરંતુ, હવે નાની વયે પણ સ્ટ્રોકનું પ્રમાણ વધી ગયું છે.
સ્ટ્રોકનો હુમલો થાય ત્યારે દરેક મિનિટ કિંમતી હોય છે અને તરત જ 999 પર કોલ કરવાથી તે વ્યક્તિની રિકવરીમાં ખૂબ ફરક પડે છે.
સ્ટ્રોક વિશે વધુ માહિતી માટે nhs.uk/actfast ની મુલાકાત લેવા વિનંતી.