સામાન્ય રીતે વ્યક્તની ઊંઘનો સમય અને તેના સ્વાસ્થ્યને ખૂબ જ મોટો સંબંધ છે. નિષ્ણાતોના મતે વ્યક્તિના સારા સ્વાસ્થ્યમાં તેની ઊંઘ સૌથી મોટો ભાગ ભજવે છે. તાજેતરમાં સ્વાસ્થ્ય અને ઊંઘ અંગે એક અભ્યાસ સામે આવ્યો હતો. જે અનુસાર, સાત કલાકથી ઓછી ઊંઘ ડીએનએને કાયમી નુકસાન કરી શકે છે. એટલું જ નહીં, પરંતુ તે કેન્સર પણ નોતરી શકે છે. સંશોધકોએ આ માટે હોંગકોંગમાં કેટલાક ડોક્ટરોનો અભ્યાસ કર્યો હતો. આમાંના કેટલાક ડોક્ટરોએ નાઈટ શિફ્ટમાં કામ કર્યું હોવાથી તેમનામાં ઊંઘનો અભાવ જોવા મળ્યો હતો. અને ઊંઘનો અભાવ ડીએનએને ૩૦ ટકા નુકસાન પહોંચાડી શકે છે. આના કારણે રંગસૂત્રની ખામી સર્જાય છે, જે સરવાળે કેન્સર નોંતરે છે. અનિંદ્રાની તકલીફ ડીએનએેને કાયમી ધોરણે નુકસાન કરી શકે છે અને કેન્સરનાં જોખમમાં વધારો કરે છે તેવું સંશોધકોએ જણાવ્યું છે. અનિદ્રાની તકલીફ ડીએનએની જાતે જ રીપેર થઇ જવાની ક્ષમતાને પણ નુકસાન કરે છે. પરિણામે વંશીય રોગો પેદા થાય છે. સંશોધકોનું એવું માનવું છે કે યુવાન રંગસૂત્રો પર અનિદ્રાની અસરની તપાસ કરતો આ પહેલો અભ્યાસ છે. સંશોધનમાં નાઇટશિફ્ટમાં કામ કરનાર ડોક્ટરોની ઊંઘ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. જોકે સંશોધકોને હજુ એ નથી સમજાયું કે શા માટે ઉંઘનો અભાવ ડીએનએને નુકસાન કરે છે.