શું તમારું બાળક અન્ય બાળકો કરતાં કંઇક વધારે જ શાંત છે? શું તે તમારો અવાજ સાંભળવા છતાં જવાબ આપતું નથી? શું તે નોર્મલ બાળક કરતાં સાવ અલગ રીતે રમે છે? જો તમારા બાળકમાં પણ આ લક્ષણો હોય તો શક્ય છે કે તે ઓટિઝમથી પીડિત હોય. પણ આ ઓટિઝમ છે શું?
ઓટિઝમ એક ન્યુરોલોજીકલ સ્થિતિ અથવા માનસિક સ્થિતિ છે જેમાં બાળકનું સોશિયલ કોમ્યુનિકેશન એટલે કે વાત કરવાની ક્ષમતા, ભાષાનો ઉપયોગ, અન્ય લોકો સાથે વાત કરવી, શીખવું અને સમજવું સામાન્ય બાળકો કરતાં અલગ હોય છે. આ આખી પરિસ્થિતિને ઓટિસ્ટિક સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (એએસડી) પણ કહેવામાં આવે છે કારણ કે તેનાં લક્ષણો દરેક બાળકમાં અલગ અલગ હોય છે. તે એક સામાન્ય ન્યુરોડેવલપમેન્ટ ડિસઓર્ડર છે. તેમાં બાળકને ખેંચ આવવી, ઊંઘવામાં ખલેલ પહોંચવી, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ડિસઓર્ડર, ચિંતા, તણાવ, ધ્યાન આપવામાં મુશ્કેલી, હાઈપર એક્ટિવિટી વગેરે સમસ્યા સાથે હોઈ શકે છે. સતત બાળકની આસપાસ રહેતી વ્યક્તિઓ જેમ કે વાલીઓ, ડોક્ટરો અને શિક્ષકોએ આ ઓટિઝમનાં લક્ષણોને ઝડપથી ઓળખી લે એ ઇચ્છનીય છે જેથી બાળકની સુખાકારીના પ્રયાસોની કામગીરી બને એટલી ઝડપથી શરૂ કરી શકાય. જોકે હકારાત્મક વાત એ છે કે હવે આ સમસ્યા વિશે માતા-પિતામાં જાગૃતિ વધી છે. ક્લિનિકલ ક્ષમતાઓમાં પ્રગતિ અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરની વધુ સમજણ અને જાગૃતિને કારણે હવે આવા કિસ્સાઓ વધારે પ્રકાશમાં આવે છે.
અંદાજ કઇ ઉંમરે આવે છે?
જો માતા-પિતા અથવા તો આસપાસના માણસો સતર્ક હોય તો બાળક એક વર્ષનું થાય ત્યાં સુધીમાં તેને ઓટિઝમ હોય તો અંદાજ આવી જ જાય છે. આ પછી જો પ્રોફેશનલ સલાહ લેવામાં આવે તો મોટા ભાગના પ્રોફેશનલો કોઈ પણ તારણ પર પહોંચતા પહેલાં 18 મહિના જેટલા સમયગાળા સુધી રાહ જોવાનું પસંદ કરે છે. ભારતમાં સરેરાશ 41 મહિનાથી 55 મહિનાની વચ્ચે ઓટિઝમનું નિદાન થતું હોય છે. ઓટિઝમની મુખ્ય સારવાર થેરાપી છે અને જેટલી વહેલી તકે થેરાપી ચાલુ કરવામાં આવે તેટલું સારું પરિણામ મળે છે. કયા બાળકો ઓટિઝમનો ભોગ બની જાય છે એ હજી નક્કી નથી થઇ શક્યું, પણ લોકોમાં પ્રવર્તતી ધારણાઓથી વિરુદ્ધ, વધુ ટીવી કે મોબાઇલ જોવાથી, એકલા રહેવાથી, ચોક્કસ પ્રકારના ખોરાકથી કે પછી વેક્સિનેશનથી ઓટિઝમ થતો નથી તે હકીકત છે.
ઓટિઝમનાં મુખ્ય લક્ષણો ક્યા?
• બાળક અઢીથી પાંચ વર્ષની વય સુધી પણ બોલતા ન શીખે. • જો બાળક બોલવાનું શરૂ કરે છે, તો પણ તે વારંવાર તે જ વસ્તુઓનું પુનરાવર્તન કરે છે જે તે તેની આસપાસ સાંભળે છે. • બાળકને સ્થિર બેસવામાં તકલીફ પડે છે. • બાળક તેનું નામ સાંભળીને પણ ઝડપથી પ્રતિક્રિયા આપે નહીં. • બાળક આંખ મિલાવવામાં તકલીફ અનુભવતું હોય. • નોન-વર્બલ કોમ્યુનિકેશનમાં તકલીફ હોય.
ઓટિઝમ થવાનાં કારણો ક્યા?
બાળકનો વિકાસ અત્યંત મંદ થવા માટે જવાબદાર ઓટિઝમ જેવી સ્થિતિ સર્જાવા માટે કોઇ નક્કર જવાબદાર કારણ હજી સુધી મળ્યું નથી. રિસર્ચ પરથી જાણવા મળે છે કે કેટલાક જિનેટિક અને પર્યાવરણીય ફેક્ટર તેમાં ભૂમિકા ભજવતા હોઈ શકે છે. એએસડી સાથે સંકળાયેલા જિન્સની સંખ્યા 100થી પણ વધારે છે. આ ઉપરાંત મોટી ઉંમરે બાળકને જન્મ આપ્યો હોય, બાળક અત્યંત પ્રિમેચ્યોર હોય, જન્મ સમયે તેનું વજન ઓછું હોય કે મલ્ટિપલ પ્રેગ્નન્સીમાં પણ ઓટિઝમની શક્યતા વધી જાય છે. બાળકનો અકાળ જન્મ અથવા ખૂબ ઓછું જન્મ વજન પણ તેનું કારણ બની શકે છે. જન્મ સમયે કોઈ પણ મુશ્કેલીને કારણે બાળકના મગજમાં થોડા સમય માટે જો ઓક્સિજનની ઊણપ સર્જાઇ હોય તો પણ વ્યક્તિ ઓટિઝમનો ભોગ બની શકે છે.
ઓટિઝમની સારવાર શું?
ઓટિઝમની કોઈ ચોક્કસ દવા નથી. ઓટિઝમ એ કોઈ બીમારી નથી પરંતુ ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. આ સમસ્યાથી પીડાતા બાળકની આક્રમકતા કે હાઈપર એક્ટિવિટી ઘટાડવા માટે દવા આપી શકાય છે. બાળકમાં કોઈ તત્ત્વોની ઉણપ હોય તો તેને આયર્ન, વિટામીન-ડી કે મલ્ટિવિટામિન આપી શકાય. બાળકને ઓટિઝમ હોય તો યોગ્ય નિષ્ણાતની દેખરેખ હેઠળ તેને અનુકૂળ હોય એવી અલગ અલગ થેરપી આપી શકાય. બાળકને એની જરૂરિયાત પ્રમાણે એપ્લાઇડ બિહેવીયર એનાલીસીસ થેરપી (ABA), હાયરબેટીક ઓક્સિઝમ ટ્રીટમેન્ટ (HBOT), ઓક્યુપેશનલ થેરપી (OT) તેમજ સ્પિચ થેરપી આપવાથી તેના વર્તન અને વિકાસમાં દેખીતો સુધારો જોવા મળે છે.
વિશ્વભરમાં ઓટિઝમનો વ્યાપ વધી રહ્યો છે. આથી તેની સામે લોકોમાં જાગૃતિ વધે તે માટે વિશ્વભરમાં બીજી એપ્રિલનો દિવસ ઓટિઝમ અવેરનેસ ડે તરીકે ઉજવવામાં આવે છે. યુએન દ્વારા આ વર્ષે ‘વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે’ની થીમ ‘Surviving to Thriving (ટકી રહો, સક્ષમ બનો) જાહેર કરવામાં આવી હતી, જેના માધ્યમથી ઓટિઝમથી પીડિત વ્યક્તિઓને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઝ પણ પીડાતા હતાં ઓટિઝમથી આલ્બર્ટ આઈન્સ્ટાઈન, બેન્જામિન ફ્રેન્કલિન, એન્થની હોપકિન્સ, હેન્રી કેવેન્ડિશ, ચાર્લ્સ ડાર્વિન, એમિલિ ડિકન્સ, માઈકલ એન્જેલો આવા ઘણા ઓટિઝમથી પીડાતા હતા અથવા તેની થોડી-ઘણી અસર હતી.