ટોક્યોઃ જાપાનની બ્યોગો યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા એક સંશોધનમાં તારણ નીકળ્યું છે કે, ઓફિસમાં ટેબલ ઉપર રાખવામાં આવેલો એક નાનકડો પ્લાન્ટ (છોડ) પણ વર્ક સ્ટ્રેસ ઘટાડે છે. ઇન્ડોર પ્લાન્ટ્સ કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવી અસર કરે છે તેના અનુસંધાનમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
આ રસપ્રદ અભ્યાસના કેન્દ્રમાં એવા કર્મચારીઓ હતા જે મોટા ભાગે બંધ ફ્લોર ઉપર કામ કરે છે અને તેમને બહારના વાતાવરણમાં જવાનો કે લીલોતરીમાં રહેવાનો અવસર જ મળતો નથી. આપણે બધા જ જાણીએ છીએ કે છોડવાઓની વચ્ચે રહેવાથી માણસોના મૂડમાં સુધાર થાય છે અને તેનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. આ સંશોધનનો આશય એ જાણવાનો હતો કે, ઓફિસની અંદર રાખવામાં આવતા પ્લાન્ટ્સ કેટલા અંશે વ્યક્તિના માનસિક અને શારીરિક તણાવને ઓછો કરે છે. ઓવન જર્નલ હાર્ટ ટેક્નોલોજીમાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું હતું કે, ઓફિસમાં નાના નાના પ્લાન્ટ્સ ખૂબ જ ઉપયોગી છે. આ પ્લાન્ટસ કર્મચારીઓના તણાવમાં ઘટાડો કરે છે. આ અભ્યાસમાં એવા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેઓ કલાકો સુધી ડેસ્ક ઉપર બેસીને જ કામ કરે છે. આ દરમિયાન લોકોના સાઈકોલોજિકલ અને સોશિયોલોજિકલ સ્ટ્રેસને તપાસવામાં આવ્યો હતો. તેમના ડેસ્ક ઉપર પ્લાન્ટ રાખ્યા પહેલાં અને પછીની સ્થિતિને પણ ચકાસવામાં આવી હતી. તારણ એ આવ્યું કે, પ્લાન્ટ મૂક્યાની માત્ર ત્રણ જ મિનિટ પછી જે તે કર્મચારીઓની પલ્સ રેટ ઘટવા લાગ્યો હતો અને સામાન્ય થઈ ગયો હતો. આમ તેમના માનસિક અને શારીરિક તણાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.