લંડનઃ શું તમે ઓફિસમાં લાંબો સમય બેસી રહો છો? રોજ ચાલવાની એક્સરસાઇઝ નથી કરતાં? તો તમારા સ્વાસ્થ્ય પર જોખમ છે. એક સંશોધનમાં જણાવ્યા પ્રમાણે દર દસમાંથી ચાર નોકરિયાત આખા દિવસમાં ૩૦ મિનિટથી ઓછો સમય ચાલે છે. અને એક તૃતિયાંશ જેટલા નોકરિયાતો તેમના ડેસ્ક સાથે એટલા બંધાઈ ગયા છે કે પેશાબ કરવા જવાનું પણ ટાળે છે.
સર્વેમાં જોવા મળ્યું છે કે યુનાઈટેડ કિંગડમમાં નોકરી કરનારાઓમાં લગભગ અડધા જેટલી સ્ત્રીઓ અને એક તૃતિયાંશ જેટલા ઓફિસમાં કામ કરનારા લોકો કામના સમયે અડધો કલાકથી પણ ઓછો સમય ચાલતા હશે. સર્વેમાં ૨૦૦૦ નોકરિયાતમાંથી ૩૮ ટકા તેમના ડેસ્ક સાથે એટલા બંધાઈ ગયેલા જોવા મળ્યા હતા કે તેઓ તેમની બાજુમાં બેઠેલા બીજા કર્મચારીને પણ તેમણે ઇ-મેઇલથી સંદેશ મોકલ્યા હોવાનું કબૂલ કર્યું હતું. અડધા કરતાં વધારે કર્મચારીઓ તેમના ડેસ્ક પર જ લંચ લે છે અને લગભગ એક તૃતિયાંશ જેટલા એટલો લાંબો સમય ડેસ્ક પર બેસી રહે છે કે પેશાબ કરવા જવાનું પણ ટાળે છે. ત્રણ ચતુર્થાંશ જેટલા ઓફિસ કર્મચારીઓ માને છે કે તેઓ ઓફિસમાં બેસી રહીને જ વધારે પડતો સમય પસાર કરે છે અને બે તૃતિયાંશને લોકો એવી ભીતિ છે કે તેમની તંદુરસ્તી પર આની નકારાત્મક અસર પડે છે.