જીનીવાઃ ઓફિસમાં કામના દબાણને કારણે લાગતા થાકને પણ બીમારી ગણવાના સૂચનનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO - હૂ)એ સ્વીકાર કર્યો છે. ‘હૂ’એ તેને બર્ન આઉટ એવું નામ આપીને તેને બીમારી યાદીમાં સ્થાન આપ્યું છે. હવે આ બીમારીની તપાસ પણ થઈ શકશે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલાં જ ‘હૂ’એ વીડિયો ગેમિંગની લતને માનસિક બીમારીની યાદીમાં સામેલ કરી હતી. ‘હૂ’ના જણાવ્યા મુજબ બર્ન આઉટ એક એવું સિન્ડ્રોમ છે કે જે ઓફિસમાં થનારા ગંભીર તણાવ એટલે કે કામના વધુ પડતાં બોજને કારણે ઊભું થાય છે. જો તેને યોગ્ય રીતે કન્ટ્રોલ કરવામાં ન આવે તો વ્યક્તિ બર્ન આઉટની સ્થિતિમાં પહોંચી જાય છે. આ ‘હૂ’ના મતે, આ સિન્ડ્રોમને ત્રણ હિસ્સા વડે ઓળખી શકાય છે. એક, શારીરિક એનર્જીની વધુ પડતી ઘટ અને થાક અનુભવવો. બીજું, પ્રોફેશનલ ક્ષમતા અને ગુણમાં ઘટાડો થવો. અને ત્રીજું, કામ માટે માનસિક રીતે અંતર રાખવું, પોતાના કામ અંગે નકારાત્મક ભાવ રાખવો. ‘હૂ’ની બીમારીની યાદી મુજબ બર્ન આઉટ માત્ર કામ અને વ્યવસાયિક હિસ્સામાં થતી બીમારી છે. ઇન્ટિટી હેલ્થ તરફથી દ્વારા ૧૦૦૦ લોકો પર કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે લગભગ ૪૦ ટકા લોકો સપ્તાહમાં ઓછામાં ઓછું ત્રણ વાર કામને કારણે તણાવ અને થાક અનુભવે છે.
બર્ન આઉટ બીમારીનું પ્રથમ લક્ષણ એ છે કે ઓછું ઊંઘવું અને સવારે ઊઠતાં જ થાકનો અનુભવ કરવો. આ બીમારીને કારણે ઉત્સાહમાં પણ ઉણપ વર્તાય છે. કામમાં ધ્યાન કેન્દ્રીત કરવું મુશ્કેલ બને છે. સાથે સાથે જ નાની-નાની વાત પર ગુસ્સો આવે છે અને વિવાદની સ્થિતિ સર્જાય છે. આ બીમારીને કારણે લોકો પોતાના મિત્રો અને પરિવારજનોથી પણ ભાવનાત્મક રીતે દૂર થતાં જાય છે.