જોહાનિસબર્ગ: એક સમયે ગરીબી અને ભૂખમરાથી જાણીતા આફ્રિકાના દેશોના લોકો હવે મેદસ્વીપણાની સમસ્યાનો ભોગ બન્યા છે. વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહેલી ઓબેસિટીની સમસ્યા ધરાવતા ટોપ-૨૦ દેશોમાં ૮ આફ્રિકાના છે. આ દેશોમાં લિબિયા, ઇજિપ્ત, સાઉથ આફ્રિકા, અલ્જીરિયા, ટયુનિશિયા, નામિબિયા, બોત્સવાના અને ઝીમ્બાબ્વેનો સમાવેશ થાય છે. લિબિયા અને ઇજિપ્ત સૌથી વધુ ૩૦ ટકા લોકો ઓબેસિટી ધરાવે છે જયારે દક્ષિણ આફ્રિકામાં ૨૮.૩ ટકા ઓવરવેઇટ છે. ખાસ કરીને નાના-મોટા શહેરોના નિમ્ન અને મધ્યમવર્ગીય લોકોની તંદુરસ્તી ઓવરવેઇટના લીધે ખરાબ થતી જાય છે. ઘણા મિડલ કલાસ લોકો ઘરે ભોજન લેવાના સ્થાને સુપર માર્કેટમાં વેચાતા પ્રોસેસ્ડ ફૂડને મહત્વ આપવા લાગ્યા છે જેમાં શુગર અને ફેટનું પ્રમાણ વધારે હોય છે.
સાઉથ આફ્રિકામાં શૂગર અને હાઇ કેલરીયુક્ત સોફ્ટ ડ્રિન્કસ પીવાનું પ્રમાણ વધવાથી સરકારે કાયદો પસાર કરીને સોફ્ટ ડ્રિન્કસ પરનો ટેકસ વધાર્યો છે આથી તેના વપરાશમાં ઘટાડો થયો છે. એક સ્ટડી મુજબ અંડર વેઇટ કરતા ઓવર વેઇટના કારણથી વધારે મોત થાય છે.