આ વેરિયન્ટને પ્રારંભે B.1.1.529 નામથી ઓળખાતો હતો, પરંતુ ગયા શુક્રવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા તેને ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે તે ખૂબ જ વધુ પ્રમાણમાં મ્યુટેટ થયેલો વેરિયન્ટ છે. સાઉથ આફ્રિકામાં સેન્ટર ફૉર એપિડેમિક રિસ્પોન્સ એન્ડ ઇનોવેશનના ડિરેક્ટર પ્રોફેસર તુલિઓ ડી ઓલિવિએરાએ આ વિશે કહ્યું હતું કે, આ વેરિયન્ટમાં ‘મ્યુટેશનનું અસામાન્ય સંયોજન હતું’ અને તે વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા અન્ય વેરિયન્ટ કરતાં ‘ખૂબ જ અલગ’ છે.
તેમણે કહ્યું કે આ વેરિયન્ટથી અમે આશ્ચર્યચકિત છીએ, ઉત્ક્રાંતિમાં આ વેરિયન્ટે મોટી છલાંગ લગાવી છે અને તેનું મ્યુટેશન અમારી અપેક્ષા કરતાં ઘણું વધારે છે. મીડિયા સાથેની વાતચીતમાં ઓલિવિએરાએ કહ્યું કે આ નવા વેરિયન્ટમાં કુલ ૫૦ મ્યુટેશન હતાં અને ૩૦ કરતાં વધુ સ્પાઇક પ્રોટિન હતા, જે આપણા દ્વારા વિકસિત મોટા ભાગની રસીઓનું લક્ષ્ય છે. સાથે જ આ જ એ ચાવી છે જેના થકી વાઇરસ આપણા શરીરમાં પ્રવેશે છે. ોડી વધુ નિકટથી તપાસ કરતાં આ વાઇરસના રિસેપ્ટર બાઇન્ડિંગ ડોમેઇન (વાઇરસનો એ ભાગ જે આપણા શરીરના સંપર્કમાં સૌપ્રથમ આવે છે)માં દસ મ્યુટેશન છે. નોંધનીય છે કે ડેલ્ટા વાઇરસમાં આ મ્યુટેશન માત્ર બે જ હતાં. ડેલ્ટા ઘણા દેશોને પોતાની બાનમાં લઈ ચૂક્યો છે. આટલું વધુ મ્યુટેશન કોઈક એક દર્દી કે જેઓ આ વાઇરસને હરાવવામાં અસફળ રહ્યા હોય તેમના કારણે થયું હોઈ શકે. જોકે હાલ ચિંતાની બાબત એ છે કે આ વાઇરસ ચીનના વુહાનમાં સામે આવેલા વાઇરસની તુલનામાં ઘણો અલગ છે. તેનો અર્થ એ થયો કે ઓરિજિનલ વાઇરસના સ્ટ્રેઇનના ઉપયોગથી તૈયાર કરાયેલી રસી આ વાઇરસ માટે અસરકારક ન નીવડે એવી શક્યતા પણ રહેલી છે.