ઓમિક્રોન સામે કોવિશિલ્ડ, કોવેક્સિન રક્ષણ આપી શકે: નિષ્ણાતનો દાવો

Sunday 05th December 2021 05:11 EST
 
 

મુંબઈ: કોવિડની વેક્સિન કોવિશિલ્ડ તથા કોવાક્સિન બોત્સ્વાના સ્વરૂપ ઓમિક્રોનને નામે ઓળખાવાયેલા વાઈરસના છેલ્લામાં છેલ્લા સ્વરૂપનો ચેપ (ઈન્ફેક્શન) લાગતાં દરદીના હોસ્પિટલાઈઝેશન કે તેના મોતની સંભાવનાને અટકાવી શકે એમ વાઈરોલોજીસ્ટો તથા ચેપી રોગોના નિષ્ણાતોએ જણાવ્યું છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિક્લ રીસર્ચ (આઈસીએમઆર)ના એપિડેમિઓલોજી એન્ડ કમ્યુનિકેબલ ડિસીઝ વિભાગના ભૂતપૂર્વ વડા તથા વરિષ્ઠ વિજ્ઞાની રમણ ગંગાખેડેકરે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેક્સિનની અસરકારકતાને કદાચ ન ગાંઠે તે સૈદ્ધાંતિક રીતે શક્ય છે, પણ આપણે જાણીએ છીએ કે આ ત્યાં ઉપલબ્ધ વેક્સિનો કોવિડને કારણે હોસ્પિટલાઈઝેશન તથા મૃત્યુ થતાં અટકાવે છે.
કોરોનાનાં વિવિધ સ્વરૂપોના ઈન્ફેક્શનને અટકાવવા લોકોએ રસીના બે ડોઝ લેવા જ જોઈએ તેમજ વિશેષ કરીને માસ્ક પહેરવા જેવા કોવિડના નિયમોનું પાલન કરવું જોઈએ. કોવિડ જેવી મહામારી ફેલાવતા કોરોના જેવા જીવાણુઓ ક્યાંથી કેવી રીતે પેદા થયાં તેના અભ્યાસમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ નીમેલી ૨૬ સભ્યોની ટીમના એક સભ્ય ગંગાખેડેકર છે.
વેક્સિનને ચકમો આપી શકે છેઃ ડો. ગુલેરિયાનો અલગ મત
એઇમ્સના વડા ડો. ગુલેરિયાએ જણાવ્યું છે કે નવો વેરિયન્ટ ઓમિક્રોન સ્પાઈક પ્રોટીનમાં ૩૦થી વધુ મ્યુટેશન ધરાવે છે તેથી તેની સામે વેક્સિન અસરકારક છે કે કેમ તેનાં તત્કાળ પરીક્ષણો કરવા જરૂરી છે. તે વેકિસનને ચકમો આપી શકે છે. આથી વેક્સિનની અસરકારકતાનાં પરિણામો તાકીદે મેળવવા જરૂરી છે. તેમણે કહ્યું કે, લોકોને કોરોના રસીના બંને ડોઝ મળે તે સુનિશ્ચિત કરવું પડશે. જેમણે હજી સુધી રસી લીધી નથી તેમને પ્રોત્સાહિત કરવા પડશે, તેની સાથે જ કોરોનાના તમામ પ્રોટોકોલનું પણ પાલન કરવાનું રહેશે. આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારા અને જે વિસ્તારમાં કેસની સંખ્યામાં અચાનક ઉછાળો નોંધાતો હોય ત્યાં અત્યંત સતર્કતા સાથે દેખરેખ રાખવી પડશે. તેમણે રસીની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા પણ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter