લોસ એન્જલસ: દુનિયાભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટે કહેર મચાવ્યો છે. કોરોનાનું આ સ્વરૂપ લોકોમાં ઝડપથી ફેલાઇ રહ્યું છે, જેના કારણે ચેપગ્રસ્તોનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. તેનાથી દર્દીના હોસ્પિટલાઇઝેશનનો અને મૃત્યુનો આંક પણ ઓછો છે. છતાં તબીબી સંશોધકોનો એક વર્ગ સમગ્ર દુનિયાને અપીલ કરી રહ્યો છે કે ઓમિક્રોનથી થતી અસરો અંગે જાણવા રાહ જોવી જોઇએ અને સંપૂર્ણ સાવધાની દાખવવી જોઇએ. બીજી તરફ, તબીબોના એક વર્ગનો દાવો છે કે ઓમિક્રોન ખૂબ જ ઓછો ઘાતક છે. તેથી સરકારોએ લોકડાઉન અને કરફ્યૂ લગાવીને તેને રોકવાના બદલે સંપૂર્ણ વસતીમાં ફેલાવા દેવો જોઇએ. જે તબીબો તરફથી આ વાત કહેવાઇ છે તેમાં એક મોટું નામ અમેરિકનના દિગ્ગજ નિષ્ણાત ડો. અફશાઇન ઇમરાનીનો પણ સમાવેશ થાય છે. ડો. ઇમરાની લોસ એન્જલસના નામાંકિત હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે અને કોરોના મહામારી દરમિયાન તેઓ સેંકડો દર્દીઓની સારવાર કરી ચૂક્યા છે. ડો. ઇમરાની સહિતના નિષ્ણાતોનો દાવો છે કે ઓમિક્રોન ફેફ્સાંમાં પહોંચીને ડેલ્ટાની તુલનામાં ખૂબ ધીમી ઝડપે ઇન્ફેક્શન ફેલાવતો હોવાથી ઓમિક્રોનના ચેપગ્રસ્તોને ઓક્સિજન સપોર્ટની જરૂર નથી પડી રહી. આ ઉપરાંત આપણી શ્વાસનળીમાં પણ મ્યૂકોસલ ઇમ્યૂન સિસ્ટમ હોય છે, જે ઇમ્યુનિટી વધારવાનું કેન્દ્ર હોય છે. આમ ઓમિક્રોન જેવો અહીં ફેલાવો શરૂ થાય છે કે તે કેન્દ્ર આપમેળે સક્રિય થઇ જાય છે અને તેમાંથી નીકળનારા એન્ટિબોડી સેલ ઓમિક્રોનનો સફાયો કરી નાંખે છે. આમ ઓમિક્રોનથી શરીરમાં ગંભીર બીમારી ફેલાતી નથી.
ડો. ઇમરાનીનો તર્ક છે કે આમ કહી શકાય કે ઓમિક્રોનથી મોત નહીં થાય. હા, પહેલાંથી જ કોઇ બીમારીથી પીડિત લોકોને ઓમિક્રોનથી અસર થઇ શકે છે, પરંતુ સ્વસ્થ લોકોને ખાસ તકલીફ નહીં થાય. આમ ઓમિક્રોન એક પ્રકારે નેચરલ વેક્સિન બની જશે અને મહામારીનો ખાતમો થઇ જશે.
ફેલાવો ઝડપી, પણ અસર ઓછી
નિષ્ણાતોનું કહેવું છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટની તુલનામાં હવામાં ૭૦ ગણો વધારે ઝડપી ફેલાય છે તેથી તેની પ્રસારગતિ ખૂબ ઝડપી છે. પરંતુ તે લોકોને ડેલ્ટા વેરિયન્ટની જેમ બીમાર નથી કરી રહ્યો તેનું કારણ એ છે કે ઓમિક્રોન વેરિયન્ટ બ્રોન્ક્સ એટલે કે ફેફ્સાં અને શ્વાસનળીને જોડનારી નળીમાં પોતાને જલદી વધારે છે, ફેફ્સાં પર તે વધારે અસર કરતો નથી.
તબીબી નિષ્ણાતોનો તર્ક શું છે?
v તબીબોનું કહેવું છે કે ઓમિક્રોન ડેલ્ટાની તુલનામાં ઓછો ઘાતક છે. v તેનાથી ન તો લોકો ગંભીર રીતે બીમાર થશે કે ન તો દાખલ કરવા પડશે. v ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન પીડિતને ૭૦ ટકા ઓછા દાખલ થવાની જરૂર પડે છે. v ઓમિક્રોનથી મોતની સંભાવના પણ ખૂબ ઓછી છે. v આવા દર્દીઓમાં કોરોના સામે ઇમ્યૂનિટી પણ વિકસિત થઇ જશે. v તે ઇમ્યૂનિટી લાંબો સમય રહેશે અને આખરે મહામારીનો અંત થઇ જશે.