ઓમેગા-3 થી ભરપૂર આહાર હૃદયનું આરોગ્ય સુધારવામાં મદદરૂપ
ગત થોડા દાયકાઓમાં વિજ્ઞાનીઓએ પૂરતા પુરાવા આપ્યા છે કે સેચ્યુરેટેડ-સંતૃપ્ત ચરબીનું વધુ પ્રમાણ ધરાવતો ખોરાક હૃદયરોગને આમંત્રણ આપે છે. સંતૃપ્ત ચરબી લગભગ જીવલેણ અરીધમીઆ (હૃદયના અનિયમિત ધબકારા) ઉપરાંત, ડાયાબિટીસ અને એથેરોસ્ક્લેરોસિસ જેવી સમસ્યાઓ સાથે પણ સંકળાયેલી છે. માનવી અને પ્રાણીઓ પરના સંશોધનોના સંદર્ભે નોંધ લેવી જોઈએ કે કેટલાક ઓમેગા-3 પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ કાર્ડિયોવાસ્કુલર આરોગ્યને સુધારે છે. જાપાનની સંશોધન ટીમ દ્વારા ઈન્ટરનેશનલ જર્નલ ઓફ મોલેક્યુલર સાયન્સીસમાં ઓનલાઈન પ્રસિદ્ધ અભ્યાસમાં માછલીના તેલમાં મળી આવતા એન્ટિઓક્સિડન્ટ અને રક્તવાહિનીના પોલાણને વિસ્તારતા EPA – એઈકોસેપેન્ટેનોઈક એસિડથી અરીધમીઆને અટકાવવામાં મદદ મળે છે. EPA ડાયેટરી સપ્લિમેન્ટ તરીકે પણ લેવાય છે. હાઈ ફેટ ડાયેટમાં મળતા સેચ્યુરેટેડ ફેટી એસિડ્સને વધુ પ્રમાણમાં લેવાથી સર્જાતી સમસ્યાઓ સામે EPA રક્ષણાત્મક અસર કરે છે.
•••
માત્ર એસ્ટ્રોજન હોર્મોન થેરાપીથી સ્ત્રીઓમાં ઓવેરીઅન કેન્સરનું બમણું જોખમ
વિમેન્સ હેલ્થ ઈનિશિયેટિવ (WHI)ના અગાઉના અભ્યાસમાં હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT)ના કારણે બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધી જવાનું જણાવાયા પછી HRT સારવારનું પ્રમાણ ઘટી ગયું હતું પરંતુ, હવે આ સારવાર ફરી વધી રહી છે. WHI ની ટ્રાયલના નવા તારણોમાં જણાવાયું છે કે અગાઉ ગર્ભાશય કઢાવી નાખ્યું હોય તેવી સ્ત્રીઓમાં માત્ર એસ્ટ્રોજન હોર્મોન થેરાપીથી ઓવેરીઅન-અંડાશયના કેન્સરનું જોખમ બમણું થઈ જાય છે. બીજી તરફ, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ સાથે આપવાથી ઓવેરીઅન કેન્સરનું જોખમ વધતું નથી તેમજ એન્ડોમેટ્રીઅલ (ગર્ભાશયના આંતરિક આવરણ)ના કેન્સરનું જોખમ નોંધપાત્રપણે ઘટે છે. WHI ટ્રાયલમાં સંયુક્ત હોર્મોન થેરાપીથી બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધતું હોવાનું જણાયું હતું. આ પછી, પેશન્ટ્સને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપીમાં માત્ર એસ્ટ્રોજન અપાતું રહ્યું હતું.
•••
ડાયાબિટીસથી વૃદ્ધાઓમાં ફ્રેક્ચરનું જોખમ વધે
ટાઈપ-2 ડાયાબિટીસથી પીડાતી વૃદ્ધ સ્ત્રીઓમાં હાડકાનાં ફ્રેક્ચરનું જોખમ વધી જતું હોવાનું નવા અભ્યાસમાં બહાર આવ્યું છે. સ્વીડનના સંશોધક જૂથના જણાવ્યા અનુસાર ટાઈપ-2 ડાયાબિટીસના કારણે વૃદ્ધ સ્ત્રીઓમાં શારીરિક કામકાજનું પ્રમાણ ઘટી જાય છે અને તેઓમાં પડી જવાનું પ્રમાણ વધે છે. આ સ્ત્રીઓમાં હાડકાંની ઘનતા ઊંચી હોય છે પરંતુ, શારીરિક પ્રવૃત્તિ ઘટી જવાથી તે નબળાં પડે છે. JAMA Network Open નેટવર્ક જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ ટાઈપ-2 ડાયાબિટીસ ધરાવતી 75-80 વયજૂથની વૃદ્ધ સ્ત્રીઓમાં શારીરિક કામકાજ અને ક્ષમતા નબળાં હોવા સાથે હરવાફરવાનું પણ ધીમું રહે છે અને તેઓમાં શક્તિ પણ ઓછી રહે છે. એક પગ પર ઊભા રહેવાની ક્ષમતા ઓછી રહેવાથી સંતુલન પણ જાળવી શકાતું નથી તેમજ તેમની દૃષ્ટિક્ષમતા પણ નબળી પડે છે. ફ્રેક્ચર્સના વધતાં જોખમમાં આ બધી બાબતો મોટો ભાગ ભજવે છે.