ઓલ્ઝાઇમર્સનું એક લક્ષણઃ નીરસતા

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 25th February 2015 09:59 EST
 

થોડાક સમય પૂર્વે થયેલા તારણોનો અભ્યાસ દર્શાવે છે કે વ્યક્તિને ડિપ્રેશનની સમસ્યા ન હોય અને છતાં જીવનમાં નીરસતા વર્તાતી હોય તો તે સમસ્યાને ઓલ્ઝાઇમર્સ ડિસીઝનાં પ્રારંભિક લક્ષણોમાંની એક ગણી શકાય. વૃદ્ધાવસ્થા સાથે ઘણા રોગ પોતાની મેળે આવી જતા હોય છે. આવા રોગોમાં જેનો સમાવેશ થાય છે એવો એક રોગ એટલે ઓલ્ઝાઇમર્સ. આ એક એવો ડિસીઝ છે જેમાં મોટા ભાગે વ્યક્તિની યાદશક્તિ ઉંમર મુજબ ધીમે-ધીમે અત્યંત ક્ષીણ થતી જાય છે અને સામાન્ય રોજબરોજનાં કામ કે પોતાની જરૂરિયાત પૂરતાં કામ કરવાને પણ તે માનસિક રીતે ખૂબ નબળી પડતી જાય છે. દુનિયામાં આ રોગ ઘણા મોટા પ્રમાણમાં ફેલાયેલો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાન (ડબ્લ્યુએચઓ)ના આંકડાઓ મુજબ ખાસ કરીને ૬૫ વર્ષની ઉંમરના પાંચથી આઠ ટકા લોકોમાં આ રોગ જોવા મળે છે, જે ઉંમર વધતાં ૭૫ વર્ષે ૧૫-૨૦ ટકા લોકોમાં અને ૮૫ વર્ષે ૨૫થી ૫૦ ટકા લોકોમાં જોવા મળે છે. આમ જોવા જઈએ તો ૬૦ વર્ષથી ઉપરના લોકોમાં ૫૦-૭૫ ટકા લોકો આ રોગથી પીડાય છે. જોકે મોટા ભાગે વૃદ્ધાવસ્થામાં જોવા મળતો આ રોગ નિષ્ણાતોના મત મુજબ ક્યારેક ૩૦ વર્ષ જેવી નાની ઉંમરે પણ જોવા મળે છે. જોકે એ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

તાજેતરમાં અમેરિકન એકેડેમી ઓફ ન્યુરોલોજીની ઓનલાઇન જર્નલ ન્યુરોલોજીમાં પ્રકાશિત થયેલા સંશોધન અનુસાર મોટી ઉંમરે પોતાના શોખ અને બીજી પ્રવૃત્તિઓમાંથી રસ ઊડી જવો એ લક્ષણ ઓલ્ઝાઇમર્સ ડિસીઝનું પ્રારંભિક લક્ષણ છે. સંશોધન અનુસાર જે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય છે તેના જીવનમાં નીરસતા આવી જાય એ સહજ છે, પરંતુ એવા લોકો જે ડિપ્રેશનમાં નથી પણ જેમનો જીવનમાંથી રસ ઊડી ગયો છે તેવા લોકો ખાસ કરીને આગળ જતાં ઓલ્ઝાઇમર્સનો ભોગ બની શકે છે.

સરેરાશ ૭૬ વર્ષની ઉંમરના ૪૩૫૪ સ્વસ્થ લોકોને લઈને કરાયેલા રિસર્ચમાં તે બધાનો MRI સ્કેન કરવામાં આવ્યો હતો. એની સાથે તેમની નીરસતાનાં લક્ષણો જેમ કે, કોઈ પણ બાબતે ઉદાસીનતા દાખવવી, લાગણીઓની કમી થવી, કામકાજ છોડી બસ ઘરમાં પડ્યા રહેવું વગેરે. MRI સ્કેન દ્વારા જાણવા મળ્યું કે જેમનામાં આ લક્ષણો જોવા મળતાં હતાં તેમના મગજમાં જેમનામાં લક્ષણો નહોતાં તેમના કરતાં મગજમાંનું ગ્રે મેટર ૧.૪ ટકા ઓછું હતું અને વાઇટ મેટર ૧.૬ ટકા ઓછું હતું. મગજમાંના ગ્રે મેટરમાં વ્યક્તિની શીખવાની ક્ષમતા અને યાદશક્તિ સચવાયેલી હોય છે, જ્યારે વાઇટ મેટર મગજના જુદા-જુદા ભાગ વચ્ચે કમ્યુનિકેશન સ્થાપે છે.

આમ આ સંશોધન અનુસાર મોટી ઉંમરમાં ડિપ્રેશન વગરની નીરસતા ગ્રે અને વાઇટ મેટરની ઉણપ સૂચવે છે જે ઉંમર વધવા સાથે વધતી જ જાય છે અને ઓલ્ઝાઇમર્સ ડિસીઝનું રિસ્ક પણ એની સાથે-સાથે વધતું જાય છે.

ઓલ્ઝાઇમર્સ એટલે શું?

વ્યક્તિની વિચારવાની અને તર્કની શક્તિ એટલી ઓછી થઈ જાય કે તેના નોર્મલ રુટીનમાં જરૂરિયાતનાં કામોમાં પણ અસર થવા લાગે તો મગજના એવા રોગને ડિમેન્શિયા કહે છે. જે સૌથી કોમન પ્રકારનો ડિમેન્શિયા છે એ છે ઓલ્ઝાઇમર્સ ડિસીઝ.

ઓલ્ઝાઇમર્સ એક ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે, જેમાં મગજના કોષો મરતા જાય છે અને તેમના મરવાથી વ્યક્તિની યાદશક્તિ ધીમે-ધીમે ઘટતી જાય છે અને બાકીના માનસિક પ્રોબ્લેમ્સ પણ શરૂ થઈ જાય છે. આ રોગને ન્યુરો ડિજનરેટિવ ડિસીઝ કહે છે. આપણા શરીરમાં એવા ઘણા નકામા પદાર્થો છે જેને મોટા ભાગે આપણે વેસ્ટ કહીએ છીએ જે જુદી-જુદી રીતે શરીરમાંથી બહાર ફેંકાઈ જતા હોય છે અથવા કહીએ કે શરીર એનો નિકાલ કરી દેતું હોય છે. પરંતુ ક્યારેક આવા નકામા પદાર્થો શરીરની બહાર ફેંકાતા નથી અને મગજની અંદર જમા થતા જાય છે. આ સતત જમા થવાની પ્રોસેસને જ ડિજનરેશન કહે છે.

આની પાછળનું વિજ્ઞાન સમજાવતાં ન્યુરોલોજિસ્ટ ડો. અનુ અગ્રવાલ કહે છે, ‘આવા મગજમાં જમા થતા પદાર્થોમાંના બે પદાર્થ એટલે એમીલોઇડ અને ટાઓ. આ બન્ને પદાર્થો જ્યારે મગજમાં જમા થતા જાય ત્યારે એની હાજરીને કારણે મગજના કોષો મરતા જાય છે. વળી જેમ ઉંમર વધે એમ આ બન્ને પદાર્થોનો વ્યાપ પણ વધે અને વધુ ને વધુ કોષો મરતા જાય. ધીમે-ધીમે સમગ્ર મગજ ખતમ થઈ જાય અને વ્યક્તિનું મૃત્યુ થઈ જાય.’

ઓલ્ઝાઇમર્સનાં લક્ષણો

• હમણાં જ બનેલી ઘટનાઓ ભુલાઈ જવી અથવા તો ઘટનાની અમુક એવી વસ્તુઓ જે સામાન્ય રીતે ભૂલી જ ન શકાય છતાં પણ ભૂલી જવી. જેમ કે, અઠવાડિયા પહેલાં જે લગ્નમાં ગયા હતા ત્યાં કોને મળ્યા અથવા શું ખાધું હતું જેવી સામાન્ય બાબતો ભુલાઈ જવી.

• જે વસ્તુઓ તમે વર્ષોથી કરતા આવ્યા છો એ વસ્તુઓ અચાનક ન થઈ શકે અથવા કેવી રીતે થાય એ સમજી ન શકાય. જેમ કે જે સ્ત્રી વર્ષોથી રસોઈ બનાવે છે તે રસોઈ કેમ બનાવવી એ ભૂલી જાય અથવા બનાવતી વખતે તેને સમજણ ન પડે કે કેવી રીતે બનાવવી.

• સમય અને સ્થળને સમજવામાં ગોટાળા થાય. જેમ કે, કોઈ જગ્યાએ જ્યાં ખૂબ નિયમિત આવવા-જવાનું થતું હોય છતાં રસ્તો ભુલાઈ જાય. ઘણી વખત પોતાના ઘરે પાછા જવાનો રસ્તો પણ ભુલાઈ જાય. સમયનું ખાસ ધ્યાન ન રહે.

• ખૂબ જાણીતા લોકો અને જગ્યાઓને એકદમ જ ઓળખી ન શકે.

• પોતાની વસ્તુઓ ક્યાંક છોડી દે અને પછી યાદ જ ન આવે કે એ ક્યાં મૂકી હતી.

• બોલવામાં પણ તકલીફ પડે. બોલવા જાય કંઈક અને બોલાઈ કંઈક બીજું જ જાય, કારણ કે શબ્દ મળે નહીં. જેમ કે, તેઓ ફેનને પેન બોલે. આ ઉપરાંત એકને એક વસ્તુ વારંવાર બોલ્યા કરે અથવા ગમે ત્યારે ભળતા જ વિષય પર વાત કરે.

• કોઈ પણ વસ્તુનું પ્લાનિંગ કરવું હોય, ગોઠવણ કરવી હોય તો તેમને બિલકુલ ફાવે નહીં. જેમ કે, બેલેન્સ શીટ બનાવવી કે બર્થ-ડે પાર્ટીની તૈયારી કરવી.

• કોઈ પણ વસ્તુમાં જજમેન્ટ ન લઈ શકે અને બરાબર ધ્યાન ન આપી શકે. જેમ કે, ડ્રાઇવિંગ બરાબર ન કરી શકે અથવા પૈસા ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ કરી દે.

• તેમના મૂડ ખૂબ જલદીથી બદલતા રહે. જેમ કે, વગર કારણે એકદમ શાંત હોય ત્યાં ખૂબ ગુસ્સે થઈ જાય અને પછી એકદમ રડવા લાગે.

• આવા લોકોની પર્સનાલિટી એકદમ નાટ્યાત્મક રીતે બદલાતી રહે છે. કોઈ વાર એકદમ વાત નહીં કરે, એકલા જ રહે, ભેદી અને ડરથી ભરેલા હોય તો કોઈ વાર એકદમ ઊંધું ખૂબ મળતાવડા અને રંગીન હોય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter