પૂરતી ઊંઘથી વ્યક્તિની વિચારવા અને સમજવાની ક્ષમતાની સાથે યાદશક્તિ પણ પ્રભાવિત થાય છે. સાથે જ શારીરિક, ભાવનાત્મક અને માનસિક આરોગ્ય પર પણ તેનો ઊંડો પ્રભાવ પડે છે. સારા આરોગ્ય માટે પુરતી ઊંઘ અત્યંત આવશ્યક છે, પરંતુ ઊંઘ જ્યારે જરૂર કરતાં વધુ લેવામાં આવે તો તે તન અને મનને ફાયદો પહોંચાડવાને બદલે આરોગ્યને નુકસાન પહોંચાડવા લાગે છે. જેમ કે, ઓછી ઊંઘથી ડિપ્રેશન, સ્થૂળતા, હૃદયરોગ જેવી બીમારીઓનું જોખમ વધે છે. તો આ જ રીતે વધુ પડતી ઊંઘ પણ આ જ બીમારીનું કારણ બને છે. આ ઉપરાંત વ્યક્તિની ઉત્પાદક્તા પણ ઘટે છે, જેની અસર તેની આવક પર પડે છે. તો સાચી ઊંઘને કેવી રીતે નક્કી કરવી? કેમ કે દરેક વ્યક્તિની ઊંઘની જરૂર તેના શ્રમ અને આરોગ્યના અનુસાર અલગ-અલગ હોય છે.
માનવમાત્રના જીવનમાં આગવું સ્થાન ધરાવતી ઊંઘના ક્ષેત્રે લગભગ અઢી દસકાથી કાર્યરત અમેરિકા-સ્થિત નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના નિષ્ણાતોના સંશોધનમાં જોવા મળ્યું છે કે, 18થી 64ના વ્યક્તિ માટે સામાન્ય રીતે 7થી 9 કલાકની ઊંઘ પૂરતી છે. દરરોજ 9 કલાકથી વધુ ઊંઘ તેની નિયત સીમા કરતાં વધુ મનાશે. જોકે, સપ્તાહમાં ક્યારેક 9 કલાક કે તેનાથી વધુની ઊંઘ નુકસાનકારક નથી.
• કેટલી ઊંઘ જરૂરી?
અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અનુસાર ઊંઘ મુખ્યત્વે વ્યક્તિની ઊંમર, તેની એક્ટિવિટીનું સ્તર, આરોગ્ય પર નિર્ભર હોય છે. સામાન્ય રીતે વિશેષજ્ઞો 18 વર્ષની વય સુધીના યુવાનો માટે 8થી 10 કલાકની ઊંઘને પુરતી માને છે.
• વધુ ઊંઘ કેમ આવે છે?
તેને હાઈપરસોમ્નિયા કહે છે. જેમાં વ્યક્તિને દિવસ દરમિયાન પણ ઊંઘ આવતી રહે છે. પીડિત વ્યક્તિને ઓછામાં 10થી 12 કલાક ઊંઘની જરૂર હોય છે. આ ઉપરાંત ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયાને કારણે પણ વ્યક્તિને વધુ ઊંઘની જરૂર પડે છે.
• કઇ રીતે બચી શકાય?
દિવસ દરમિયાન 30 મિનિટથી વધુ ઊંઘ લેવાનું ટાળો. 30 મિનિટ કરતાં વધુ ઊંઘ રેમ સ્ટેજમાં પહોંચી જાય છે. પણ આ રેમ સ્ટેજ શું છે? ઊંઘ કુલ ચાર સ્ટેજની હોય છે. જેમાં ચોથા સ્ટેજને રેમ સ્લીપ કહે છે. REM એટલે Rapid Eye Movment. ઊંઘની આ સ્થિતિમાં મગજ આખા દિવસની શોર્ટ ટર્મ મેમરીઝને લોન્ગ ટર્મ મેમરીઝમાં એકત્રિત કરવાનું કામ કરે છે. તેનાથી યાદશક્તિ અને શીખવાની ક્ષમતા વધે છે.
કોને કેટલા કલાકની ઊંઘ જરૂરી?
નવજાત 0-3 મહિનાની વય - 14-17 કલાક
4થી 11 મહિનાનું બાળક - 12-15 કલાક
એકથી બે વર્ષની ઉંમર - 11-14 કલાક
3થી 5 વર્ષની ઉંમર - 10-13 કલાક
6-13 વર્ષની ઉંમર - 9-11 કલાક
14-17 વર્ષની ઉંમર - 8-10 કલાક
18-64 વર્ષની ઉંમર - 7-9 કલાક
વૃદ્ધ 65 વર્ષથી વધુ ઉંમર – 7-8 કલાક
વધુ ઊંઘ કેટલી નુકસાનકારક?
વ્યક્તિએ તેની વય, આરોગ્ય વગેરે સહિતના પરિબળોને ધ્યાનમાં રાખીને નિયત સમય કરતાં વધુ ઊંઘ લેવાનું ટાળવું જોઇએ. નિયત પ્રમાણ કરતાં વધુ ઊંઘ લેવાથી એક નહીં, અનેક શારીરિક-માનસિક તકલીફ થઇ શકે છે. જેમ કે,
• ડાયાબિટીસઃ વધુ ઊંઘવાથી ગ્લૂકોઝનું સ્તર અસામાન્ય રહે છે. ઈન્સ્યુલિન સેન્સિટિવિટી ઘટે છે. ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ વધે છે.
• ઓબેસિટીઃ વધુ ઊંઘવાથી બાયોલોજિકલ ક્લોક પ્રભાવિત થાય છે. જરૂરી હોર્મોન અને કેમિકલ રીલિઝ થઈ શકતા નથી, જેથી ઓબેસિટી (સ્થૂળતા) વધે છે.
• ડિપ્રેશનઃ દિવસનો મહત્ત્વપૂર્ણ સમય ઊંઘવામાં વીતી જવાથી હરીફાઈમાં પાછળ રહેવું, વસ્તુઓને સમયસર ન કરવા જેવી ભાવના પેદા થાય છે. મનમાં નિરાશાની ભાવના જન્મે છે, અને તેનાથી ડિપ્રેશન પેદા થાય છે.
• હૃદયરોગઃ વધુ લાંબો સમય સુધી ઊંઘવાથી રક્તપ્રવાહ નબળો પડે છે, જેનાથી હૃદયની ધમનીઓ નબળી પડે છે. હૃદય સંબંધિત બીમારી વધે છે.