જો પથારીમાં પડતાંની સાથે જ જો તમારું મગજ ભવિષ્યની યોજનાઓ બનાવવા લાગતું હોય, પેન્ડિંગ કામો અંગે એટલા બધા વિચારો કરવા લાગે કે છે કે ઊંઘ હરામ થઇ જાય તો તેને ઓવરથિન્કિંગ કહે છે. ઓવરથિન્કિંગ સામાન્ય રીતે આ બે પ્રકારનું હોય છેઃ એક તો, ભૂતકાળ અંગે વિચારવું અને બીજું, ભવિષ્યની ચિંતા કરવી. આપણને આ બાબત ભલે સામાન્ય જણાતી હોય, પરંતુ હકીકત એ છે કે ઓવરથિન્કિંગથી મોટા નિર્ણય લેવાની ક્ષમતા ઘટે છે. વ્યક્તિ વિચારોના ચક્રમાં ફસાઈ જાય છે. જોકે, એટલી સ્પષ્ટતા કરવી રહી કે ઓવરથિન્કિંગ એ કોઈ માનસિક બીમારી નથી પણ હા, તે અનેક માનસિક બીમારીઓ જેવી કે ડિપ્રેશન, એંગ્ઝાયટી, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર વગેરેનો સંકેત જરૂર હોઈ શકે છે. ઘણી વાર આવું દિવસની કોઈ ઘટનાને કારણે પણ થઈ શકે છે.
ઓવરથિન્કિંગને કઇ રીતે ઓળખશો?
પીડિત વ્યક્તિ એક જ વિચાર, ચિંતા કે ભય અંગે વારંવાર વિચારો કરે છે. પોતાને માટે સૌથી ખરાબ સ્થિતિની કલ્પના કરે છે. ભૂતકાળની ખરાબ ઘટનાને વારંવાર યાદ કરે છે. નકારાત્મક વિચારો આવ્યા કરે છે. આ ઉપરાંત પીડિત એક જ વિષય પર અટકી જાય છે, જેના કારણે અન્ય બાબતો પર ધ્યાન જતું નથી.
ઓવરથિન્કિંગને કઇ રીતે નિવારી શકાય?
• મગજને શાંત કરોઃ મગજ એકસાથે બે વિચારધારા પર કામ કરી શકે નહીં. આથી મગજને શાંત કરતો કોઈ પ્રોગ્રામ સાંભળો કે મનને શાંત કરતી કોઇ વાર્તા વાંચો. આ દરમિયાન પ્રકાશ ઓછો રાખો. જોકે, આ દરમિયાન પણ અનિચ્છિત વિચારો આવશે, પરંતુ તેને દૂર કરવાના પ્રયાસ ન કરો. બેકગ્રાઉન્ડમાં ચાલવા દો. તમારું ધ્યાન પુસ્તક કે પ્રોગ્રામમાં લગાવો.
• સ્નેપ જજમેન્ટ ટેસ્ટઃ જે વિચાર તમને ચિંતિત કરતો હોય તેને એક કાગળ પર લખો. જેમ કે, ‘શું નોકરી બદલવી જોઈએ કે નહીં?’ સવાલની નીચે ‘હા’ કે ‘ના’ લખો. પેન ત્યાં જ મુકી દો. થોડા સમય પછી જવાબ પર ગોળાકાર બનાવો. બની શકે કે આ એ જવાબ હોય જે તમને ગમતો ન હોય, પરંતુ સારી સંભાવના છે કે પોતાને ઈમાનદારીપૂર્વક જવાબ આપી શકો અને વિચારો શાંત થઈ જાય.
• ખુદને સક્રિય કરોઃ ફિઝિકલ એક્ટિવિટી ડિપ્રેશન, એંગ્ઝાયટી સહિત વિવિધ મેન્ટલ ડિસઓર્ડર ઘટાડે છે. આ ઉપરાંત સક્રિયતા ક્રોનિક ઓવરથિન્કિંગમાં પણ ફાયદાકારક છે. માત્ર પાંચથી દસ મિનિટની ઝડપી વોક પણ મગજને શાંત કરતાં હોર્મોન એન્ડોર્ફિન રિલીઝ કરે છે. આ ઉપરાંત કસરત નર્વસ સિસ્ટમને અતિ સક્રિય સ્ટેજ પરથી ખસેડી તેને શાંત પાડે છે.