દેશ હોય કે દુનિયા, ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાતી પીડાતા દર્દીઓમાં મહિલાની સંખ્યા સવિશેષ જોવા મળે છે. ઓસ્ટિયોપોરોસિસના કેસોમાં વર્ષ - પ્રતિવર્ષ વધારો થઇ રહ્યો છે. ઓસ્ટિયોપોરોસિસને બોલચાલની ભાષામાં હાડકાં પોલાં થઈ ગયા કહેવાય છે. એક અભ્યાસ અનુસાર, ભારતમાં ઓસ્ટિયોપોરોસિસના 6.5 કરોડ દર્દી છે, જેમાંથી 80 ટકા મહિલાઓ છે. ભારતમાં બીપી અને હાર્ટ ડિસીઝ પછી આ ત્રીજી સૌથી મોટી બીમારી છે. આંકડા ભલે ભારતના રહ્યા, પણ દરેક દેશમાં ઓસ્ટિયોપોરોસિસથી પીડાતા દર્દીઓમાં મહિલાની સંખ્યા સવિશેષ જોવા મળે છે. અને આ માટે એક કરતાં વધુ કારણ જવાબદાર છે.
ઓસ્ટિયોપોરોસિસમાં હાડકાં એટલા પાતળાં અને નબળાં પડી જાય છે કે, જરા અમથા પડી જવાથી કે ઈજા થવાથી પણ તે તૂટી જાય છે. ચિંતા એ વાતની છે કે શરૂઆતમાં તેના લક્ષણ દેખાતા નથી. બીમારી જ્યારે એડવાન્સ સ્ટેજમાં પહોંચે છે ત્યારે તેની ખબર પડે છે. ઓસ્ટિયોપોરોસિસને કારણે કાડું, કરોડરજ્જુ અને હિપ્સમાં સૌથી વધુ ફ્રેક્ચર થાય છે. અનેકવાર હિપ્સના ફ્રેક્ચર એટલા ગંભીર હોય છે કે, તેના કારણે મૃત્યુ પણ થઈ શકે છે. મેનોપોઝ પછી મહિલાઓમાં આ પ્રકારનાં ફ્રેક્ચરના કિસ્સા વધી જાય છે. પશ્ચિમના દેશોની સરખામણીએ ભારતીય મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા 10થી 20 વર્ષ પહેલા થવા લાગે છે. મહિલાઓને વધુ કનડતી આ બીમારીને આપણે આ રીતે સમજીએ...
• ઓસ્ટિયોપોરોસિસ એટલું શું? સામાન્ય ભાષામાં તેનો અર્થ હાડકાં નબળાં થઇ જવા છે. હાડકાંમાંથી જ્યારે કેલ્શિયમ જેવા મિનિરલ્સ તેની ભરપાઇની સરખામણીને ઝડપથી ઘટવા લાગે છે ત્યારે આ સમસ્યા થાય છે. તેનાથી હાડકાંનું સામાન્ય બોનમાસ પ્રભાવિત થાય છે. હાડકાં નબળાં પડે છે.
• તેના લક્ષણો ક્યા છે? પ્રારંભિક સ્ટેજમાં તેના લક્ષણોની ખબર પડતી નથી. પરંતુ જેમ-જેમ બીમારી વધે છે તેમ તેમ કમરનો દુઃખાવો, પીઠમાં દુઃખાવો, ડોક કે કરોડરજ્જૂમાં હાડકાંમાં દુઃખાવાની સમસ્યા થવા લાગે છે.
• મહિલાઓને કેમ જોખમ? મહિલાઓમાં એસ્ટ્રોજેન નામનું હોર્મોન હાડકાંની મજબૂરી માટે અત્યંત જરૂરી છે. મોનોપોઝ દરમિયાન તેમાં ઘટાડો થવા લાગે છે. આ સિવાય વિટામીન-ડી, કેલ્શિયમની ઊણપ, અન્ય બીમારીમાં વધુ પડતી સ્ટીરોઇડ દવા લેવાથી પણ જોખમ વધે છે. મહિલાઓમાં વધતું સ્મોકિંગ પણ આ બીમારી થવાનું એક કારણ છે.
ઓસ્ટિયોપોરોસિસને કઇ રીતે ટાળી શકાય?
• ડાયટઃ લો ફેટ દૂધ, પાલક અને દાળને સામેલ કરો. ભોજનમાં લો ફેટ કે ફેટ વગરનું દૂધ લો. દહીં અને ચીઝ સામેલ કરો. તેનાથી શરીરને કેલ્શિયમ મળે છે. તે વિટામીન-ડીને અવશોષિત કરવામાં મદદ કરે છે. શાકભાજીમાં પાલક, ભીંડા, ટામેટા વગેરેમાં મેગ્નેશિયમ હોય છે, જે હાડકાં મજબૂત કરે છે. ફળમાં પપૈયું સંતરા, કેળા વગેરે સામેલ કરો. જેમાં પોટેશિયમ હોય છે, જે હાડકાંને નક્કર બનાવે છે.
• સ્મોકિંગઃ આ કુટેવ હાડકાં માટે અત્યંત નુકસાનકારક છે. તમાકુના ધુમાડામાં રહેલું નિકોટિન હાડકાં બનાવતી કોશિકાઓનું ઉત્પાદન ઘટાડે છે. એ જ રીતે સ્મોકિંગથી હાડકાં સુધી પહોંચતા લોહીનો પુરવઠો પ્રભાવિત થાય છે. તેનાથી પણ હાડકા નબળા પડે છે.
• કસરતઃ 30 મિનિટની કસરત આ બીમારીનું જોખમ ઘટાડે છે. જેમ કે, બ્રિસ્ક વોક, દોરડા કૂદ કે ડાન્સ. એવી કોઇ પણ એક્ટિવિટી જેમાં વજન ઊંચકવું અને તેમાં નિરંતરતા હોય એવી પ્રવૃત્તિ હાડકાં માટે ફાયદાકારક છે.
વજન ઊંચકવાની આ પ્રવૃત્તિમાં શરીરનું વજન પણ સામેલ છે. આથી દોરડાં કૂદ, જોગિંગ, 30 મિનિટ બ્રિસ્ક વોક, હાડકાંની મજબૂતી માટે ફાયદાકારક છે. ડાન્સ પણ એક પ્રકારે સારી કસરત છે. અને જ્યારે જ્યારે શક્ય હોય ત્યારે ત્યારે સવારના સમયે 20મિનિટનો કૂણો તડકો અત્યંત જરૂરી છે.