કફ સિરપ નહીં, મધ ચટાડો

સદાબહાર સ્વાસ્થ્ય

Saturday 09th December 2017 07:21 EST
 
 

બે વર્ષનો કેનિલ રાતે ઠોં-ઠોં થતી ખાંસીને કારણે બરાબર સૂઈ નથી શકતો એટલે તેની મમ્મી એક ચમચી કફ સિરપ પીવડાવી દે છે. આ સિરપ પીધાની ૧૫મી મિનિટે તો કેનિલ ગાઢ નિદ્રામાં સરી પડે છે.

હાથવગા કફ સિરપને કારણે મમ્મ-પપ્પાઓની રાતની ઊંઘ પણ ખરાબ નથી થતી અને બાળક ચેનની નિંદર માણે છે. જોકે ટૂંકા ગાળાનું આ ચેન લાંબા ગાળે બાળક માટે નુકસાનકારક છે એ બહુ ઓછા લોકો જાણે છે.

અમેરિકન રિસર્ચરોનું કહેવું છે કે મોટા ભાગનાં કફ સિરપમાં બાળકના શ્વસનતંત્રને નુકસાન કરે એવી ચીજો હોય છે. લાંબા સમય સુધી કફ સિરપ પીવડાવવામાં આવે તો એનાથી શ્વસનતંત્ર અને ચેતાતંત્ર બંને પર માઠી અસર પડે છે. કફ સિરપના વધુ સેવનથી અસ્થમાનું રિસ્ક વધે છે.

કફ-શરદી થવાનાં મુખ્ય કારણો

ઠંડી અને વરસાદની મોસમમાં ઘણા દિવસો સુધી ઉઘાડ જોવા નથી મળતો અને એટલે જ ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવનારાઓમાં શરદી-ખાંસી અને ઉધરસની તકલીફ થઈ જાય છે. ખાસ કરીને પાંચ વર્ષથી નાનાં બાળકો શરદી-ઉધરસને કારણે ખૂબ હેરાન થાય છે. ખાસ કરીને રાતના સમયે ઠોં-ઠોં ચાલુ થઈ જવાથી તેમને ઊંઘ નથી આવતી.

પાચનશક્તિ નબળી પડી જતી હોવાથી ઠંડી કે પચવામાં ભારે એવી ગળી ચીજો ખાવાથી તરત જ કફ બને છે. જરાક ખુલ્લા પવનમાં ફરવાનું થાય, વરસાદમાં ભીંજાઈ જવાય કે પછી સતત સૂર્યપ્રકાશ વિનાના દિવસો વીતે તોય શરદી-કફની તકલીફ થઈ જાય છે.

સિરપથી ઊંઘ આવે

સામાન્ય રીતે ગળા અને ફેફસાંમાં ભરાયેલો કફ ગળામાં આવતો હોય છે, પરંતુ કફ સિરપ મગજને એવો સંદેશો ગ્રહણ કરી શકે એવી સ્થિતિ રાખતું જ નથી. એનું કારણ એ છે કે કફ સિરપમાં મગજને સુસ્ત કરી દે એવી દવા વપરાય છે એટલે ગળામાં તકલીફની સંવેદના ઘટી જાય છે. કફ સિરપથી બાળક સરસ રીતે ઊંઘી જાય છે, પરંતુ એનો મતલબ એવો તો બિલકુલ નથી કે તેના ગળાની તકલીફ દૂર થઈ જવાને કારણે તે સૂઈ જાય છે.

આ ઉપરાંત કફ સિરપ ગળા અને ફેફસાંમાં ભરાયેલા કફના ચીકણા પ્રવાહીને સૂકવી નાખે છે. આને કારણે ગળામાં ચીકણો કફ કરડતો નથી એટલે કે કફ સુકાઈને એના અવશેષો અંદર જ રહે છે. આને કારણે શ્વાસનળીમાં અવરોધ પેદા થાય છે, ફેફસાંની ક્ષમતા ઘટે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. નાકની અંદરથી નીકળતું મ્યુક્સ પણ આ દવાઓની મદદથી જાડું થાય છે. બેથી ત્રણ વર્ષના બાળકોમાં શ્વસન નલિકાઓ ખૂબ જ કુમળી હોય છે. આ નલિકાઓમાં કફ સુકાવાને કારણે નળી સાંકડી થાય છે અને બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

બાળક માટેની ખાસ અલગ દવા

શરદી અને ખાંસી માટેની દવાઓ પર પરીક્ષણ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના એક રિપોર્ટમાં નોંધાયું છે કે શરદીની દવાઓ એડલ્ટ્સ માટેની બનાવેલી હોય છે. ૧૨ વર્ષથી નાનાં બાળકોને આ દવા આપવામાં આવે તો એ ખૂબ સ્ટ્રોંગ નીવડી શકે છે. મોટેરાઓ માટેની આ દવાઓની ટ્રાયલ પુખ્ત વયના લોકો પર જ કરવામાં આવી હોય છે એટલે બે વર્ષથી નાનાં બાળકો માટે એ વાપરી ન શકાય. ખાસ બાળકો માટે જ બનાવવામાં આવેલા કફ સિરપની ટ્રાયલ્સ પણ બાળકો પર થયેલી હોતી નથી.

કફ સિરપને બદલે મધ

અમેરિકાના ઓલ્ટરનેટિવ મેડિસિનના રિસર્ચરોએ શોધ્યું છે કે બે વર્ષથી નાનાં બાળકને કફ સિરપ પીવડાવવા કરતાં અડધી ચમચી મધ ચટાડવાથી વધુ ફાયદો થાય છે. મધ લીધા પછી બાળકને ફેફસાંમાં કફને કારણે ઇરિટેશન ઓછું થવાથી બાળક શાંતિથી સૂઈ શકે છે. કફ સિરપ માત્ર કફને સૂકવીને મગજ સુસ્ત કરી દેશે પણ મધથી ગળામાંનો કફ ખોતરાઈને નીકળી જશે અને ખરેખર રાહત થવાને કારણે બાળક શાંત રહેશે.

કાળજી રાખવાની બાબતો

• બે વર્ષથી નાનાં બાળકોને શરદી થાય એટલે બજારમાંથી કફ સિરપ લાવીને અથવા તો કોઇએ સૂચવેલું કફ સિરપ પીવડાવવું નહીં. જો બાળકને કફ સિરપ આપવાનું ખૂબ જ જરૂરી જણાશે તો તમારા ડોક્ટર જ સૂચવશે. • એડલ્ટ્સ માટે બનેલી કોઈ પણ દવાઓ બાળકોને ન પીવડાવો. • દવાની ઉપરનાં લેબલમાં કેટલી માત્રામાં દવા લેવી જોઈએ એવું લખવામાં આવ્યું હોય છે. એ ઉપરાંત પીડિયાટ્રિકે પણ દવાનો ડોઝ નક્કી કરી આપેલો હશે. હંમેશા તેને જ અનુસરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter