ફિલ્મ ‘પિકૂ’માં અમિતાભ બચ્ચનને પોતાના પેટ સાફ ન આવવા પાછળ હેરાન-પરેશાન થતા અને આખો દિવસ એ બાબત વિશે જ ડિસ્કશન કરતા જોઈને ઘણા લોકો હતા હસી-હસીને લોટપોટ થઈ ગયા હતા અને ઘણા તેમાંથી એવા પણ હતાં જેમને અમિતાભની પરિસ્થિતિને પોતાની પરિસ્થિતિ સાથે સરખાવીને સમજી શકતા હતા કે અમિતાભની હાલત આવી કેમ છે. કોન્સ્ટિપેશન જેને કબજિયાત કહેવાય છે એ રોગને માનસિક પરિસ્થિતિ સાથે ગહેરો સંબંધ છે એવું કંઈક આ ફિલ્મમાં સમજાવવા માગતા હતા. પેટ સાફ આવે તો દરેક વ્યક્તિને માનસિક રાહત મળે છે અને જો ન આવે તો એક પ્રકારનો ઉચાટ અને ડિસકમ્ફર્ટ રહે છે. ઘણા લોકો એવા પણ હોય છે જે વર્ષોથી કબજિયાતની સમસ્યા ધરાવતા હોય છે, જેને ક્રોનિક કોન્સ્ટિપેશન કહેવાય છે.
એક અહેવાલ અનુસાર, ભારતનાં શહેરોમાં સરેરાશ ૧૪ ટકા વસ્તી કબજિયાતથી પીડાય છે. જ્યારે વૈશ્વિક રીતે જોઇએ તો આ એવરેજ ૧૦ ટકા છે. ક્રોનિક કોન્સ્ટિપેશનનો ભોગ બનનારા ચારમાંથી ત્રણ લોકોની ફરિયાદ હતી કે તેમને કબજિયાતને લગતા મેડિકલ પ્રોબ્લેમ્સ જેમ કે પાઇલ્સ, અલ્સર, ફિશર કે પેટમાં દુખાવા જેવી તકલીફો રહેતી હતી. ભારતીયોનો બહુમતી વર્ગ કબજિયાતના ઉપાય સ્વરૂપે ઘરગથ્થુ ઉપચાર જ પસંદ કરે છે. જોકે એમાંથી લગભગ અડધોઅડધ લોકો એકાદ વખત ડોક્ટર પાસે પણ જઈ આવ્યા છે.
કબજિયાત કોને કહીશું?
ઝાડો ખૂબ જ કઠણ થઈ ગયો હોય, હાજતે જવામાં ખૂબ જોર લગાડવું પડતું હોય, ટોઇલેટ સીટ પર ઘણી બધી વાર બેઠા રહેવું પડતું હોય, ૩-૪ દિવસ સુધી હાજતે જવાની જરૂર જ ન પડી હોય, બરાબર પ્રેશર આવતું ન હોય, હાજતે જઈ આવ્યા પછી પણ પેટ બરાબર સાફ થયેલું લાગે નહીં આ બધી પરિસ્થિતિ કબજિયાત સૂચવે છે. ભારતીય માનસિકતા મુજબ દરરોજ સવારે ઊઠો પછી હાજતે જવું ખૂબ જ જરૂરી છે. જો ન જાઓ તો એને હેલ્ધી માનવામાં આવતું નથી.
નિષ્ણાતો કહે છે મેડિકલ સાયન્સમાં કોઇ વ્યક્તિ દિવસમાં ૩-૪ વાર હાજતે જાય અને ૩-૪ દિવસમાં ૧ વાર હાજતે જાય એ બન્ને પરિસ્થિતિને સામાન્ય ગણવામાં આવી છે. જો અઠવાડિયામાં કોઈ વ્યક્તિ ફક્ત બે જ દિવસ હાજતે જાય તો એને સંપૂર્ણપણે નોર્મલ માનવામાં આવે છે. આપણે ત્યાં લોકો માને છે કે દરરોજ પોટી જવું જરૂરી છે જે જતા નથી તેમને લાગે છે કે પોતાને કબજિયાત છે. પેટ સાફ આવવાની વાત માટે ભારતમાં લોકો વધુ પડતા જ કોન્શિયસ છે. એવા ઘણા લોકો છે જેમને ખરેખર કબજિયાતની કોઈ સમસ્યા નથી, પરંતુ માનસિક રીતે તેમને એવું લાગ્યા જ કરે છે કે મને કબજિયાત છે.
સમસ્યાના કારણ શું?
બીજા બધા પ્રોબ્લેમ્સ કરતાં આ એક લાઇફસ્ટાઇલ પ્રોબ્લેમ છે એમ જણાવતાં નિષ્ણાતો કહે છે કે જે લોકો પાણી ઓછું પીએ છે, જમવામાં ફાઇબરનું પ્રમાણ ઘણું ઓછું હોય છે એટલે કે શાકભાજી અને ફળો ઓછાં ખાય છે, બેકરી પ્રોડક્ટ્સ વધુ ખાય છે, ચા-કોફી વધુ પીએ છે જેને કારણે વ્યક્તિના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે એવા લોકોને કબજિયાત વધુ રહે છે. આ સમસ્યા બાળકોમાં વધુ જોવા મળે છે કારણ કે તેઓ પાણી ઓછું પીએ કે બરાબર જમે નહીં અથવા તો રમતમાં એટલા મશગૂલ હોય કે પોટી જવાનું સેન્સેશન આવે તો પણ એને રોકી રાખે અને જાય નહીં. આવી પરિસ્થિતિમાં ઝાડો કઠણ થઈ જાય છે અને કબજિયાતનો પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે.
અનેક રોગનું મૂળ
જે લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ છે તે લોકોને પાઇલ્સ, ફિશર, હર્નિયા, અલ્સર જેવા પેઇનફુલ રોગો થવાની શક્યતા રહેલી છે. નિષ્ણાતો કહે છે કે જો કબજિયાતને શરૂઆતમાં જ અટકાવવામાં આવે અથવા એના પર ધ્યાન આપવામાં આવે તો આ રોગ થવાનું રિસ્ક ઘટી જાય છે. ઘણી વાર આ રોગો થવાને કારણે પણ કબજિયાત થતી હોય છે જે રોગનો ઇલાજ કરવામાં આવે ત્યારે ધીમે-ધીમે એની સાથે જ જતી રહે છે. સામાન્ય રીતે કબજિયાત થાય તો ચિંતાની જરૂર હોતી નથી, પરંતુ અમુક પરિસ્થિતિ ગંભીર હોઈ શકે છે જેમ કે તમને ક્યારેય કબજિયાત થઈ જ ન હોય અને અચાનક જ થાય, જો કબજિયાત અને ડાયેરિયા વારાફરતી તમને હેરાન કરી રહ્યા હોય, જો ઝાડામાં લોહી પડતું હોય તો ચિંતાનું કારણ હોઈ શકે છે.
જાતે ડોક્ટર ન બનો
ભારતીયોમાં બહુમતી લોકો કબજિયાત માટે ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે. એમાં મોટા ભાગે હરડે, હીમજ કે એરંડિયાનો ઉપયોગ કરતા હોય છે. વર્ષોથી આપણે ત્યાં આ ત્રણેય ઔષધોને કબજિયાત માટે અકસીર માનવામાં આવી છે. આ ઔષધો રેચક છે જે ઝાડાને પાતળો બનાવવામાં મદદ કરે છે અને કબજિયાતની તકલીફ દૂર થાય છે. જોકે નિષ્ણાતો આવા સ્વ-ઉપચાર સામે લાલબત્તી ધરે છે. નિષ્ણાતો કહે છે કે ઘણા લોકો કબજિયાતની તકલીફ હોય કે ન હોય વર્ષોથી આ રેચક ઔષધો પોતાની રીતે ખાધા જ કરે છે. ઘણા એવા લોકો પણ છે જે પહેલાં હરડેની એક ગોળી ખાતા હતા અને તેમનું પેટ સાફ આવતું હતું અને આજે તે જ વ્યક્તિ ૬ ગોળીઓ ખાય છે ત્યારે જ તેનું પેટ સાફ આવે છે. આ ખોટું છે. ઔષધ કોઇ પણ હોય, વર્ષો સુધી તેનું સેવન કર્યા જ કરો તો નુકસાન કરે જ. આ ઔષધો ફક્ત તકલીફ હોય ત્યારે ડોક્ટરની સલાહ લઈને જ ખાવી જોઈએ. બાકી લાઇફસ્ટાઇલ સુધારવાથી, પાણી વધુ પીવાથી, ફાઇબરયુક્ત પદાર્થ ખાવાથી, એક્સરસાઇઝ કરવાથી કબજિયાતની સમસ્યા ઘણાઅંશે હળવી થઇ જતી હોય છે.