દરેક વ્યક્તિ યોગની રુપાંતરકારી ક્ષમતાનો આશરો લઈ શકે છે. જીવનના સાત દાયકા સાથેની વ્યક્તિઓ પણ મુદ્રાઓ અને પ્રેશર પોઈન્ટ્સના અભ્યાસ થકી રુધિરાભિસરણ અને સમગ્રતયા આરોગ્યલાભ મેળવી શકે છે. ગોલ્ડન ટુર્સમાં ડાયરેક્ટર કમુબહેન પલાણના બાળકો યુનિવર્સિટીમાં અભ્યાસાર્થે ગયા ત્યારથી અચાનક જ તેમની યોગયાત્રાનો આરંભ થયો હતો. લંડનમાં બાબા રામદેવના યોગસત્રમાં હાજરી આપવાં સાથે તેમનામાં પ્રેરણાનો સંચાર થયો અને યોગશિક્ષકની શ્રેષ્ઠતાએ તેમાં પ્રાણ પૂર્યાં. આજે તેઓ ઉત્સાહ અને કૌશલ્ય સાથે મિત્રો, તમામ વય અને પશ્ચાદભૂ સાથેના ખાનગી જૂથોને યોગનો અભ્યાસ કરાવી રહ્યાં છે. શક્ય તેટલા વધુ લોકોને યોગના લાભની જાણકારી મળતી રહે તે માટે કમુબહેન હંમેશાં જ્ઞાન વહેંચવાં તત્પર રહે છે.
કમુબહેન પલાણે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે મુલાકાતમાં શ્વાસોચ્છવાસ જેવી યોગ ટેક્નિક્સ, યોગાભ્યાસનું મહત્ત્વ તેમજ વિશ્વ યોગ દિવસ સંબંધે વાતો કરી હતી. તેમણે ચોક્કસ ક્રિયાઓ, મુદ્રાઓ અને શ્વાસની કસરતોથી આરોગ્યને થતા લાભ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘ ઘણા લોકોને રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડે છે જેથી તેમની ઊંઘને અસર થાય છે. હું તેમને ક્રિયા અથવા હસ્ત મુદ્રા શીખવું છું જે દરરોજ રાત્રે પાંચ મિનિટ સુધી કરવાની હોય છે. આ મુદ્રામાં જળનાં પ્રતિનિધિરૂપ નાની આંગળીઓ દબાવવાની રહે છે જેનાથી રાત્રે પેશાબ કરવાનું પ્રમાણ ઘટી જાય છે.’
બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી આરોગ્ય સમસ્યાઓમાં પણ યોગ લાભકારી રહે છે. જે લોકો યોગાસનો કરી શકે તેમ ન હોય તેમના માટે કમુબહેન શ્વાસની ચોક્કસ કસરતો, મુદ્રાઓ અથવા પ્રેશર પોઈન્ટ્સ શીખવે છે જેના થકી તેઓ દવાઓ પરનો આધાર ઘટાડી શકે છે અને દવાઓની આડઅસરોનું વિષચક્ર તોડી શકાય છે.
કમુબહેન યુવાજૂથોને પણ યોગાભ્યાસ કરાવે છે જેઓ પડકારજનક યોગાસનો દ્વારા શક્તિ અને આરોગ્યનો લાભ મેળવી શકે છે. સ્નાયુઓની તાકાત વધે તેમજ સ્વસન અને પાચનતંત્રની શક્તિ વધે તે માટે યોગાસનોના પોશ્ચર લાંબો સમય ટકાવી રાખવા જોઈએ. યોગાસનોની રોજિંદી પ્રેક્ટિસ ઉપરાંત, શ્વાસની કસરતો, મુદ્રાઓ અને પ્રેશર પોઈન્ટ્સથી પ્રાપ્ત લાભને વધારી શકાય છે.
કમુબહેન પલાણ રોજ નહિ તો સપ્તાહમાં ઓછામાં ઓછાં ચાર દિવસ યોગાભ્યાસ પર ભાર મૂકતાં કહે છે કે,‘ સપ્તાહમાં એક જ વખત પ્રેક્ટિસથી નોંધપાત્ર લાભ મળશે નહિ કારણકે યોગાભ્યાસમાં સાતત્ય અને સમય જ પ્રગતિ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. નિયમિત અભ્યાસીઓએ ટેકારૂપ સામગ્રીના બદલે પોતાના શરીર પર જ આધાર રાખવો જોઈએ. આનાથી શરીરની ક્ષમતા અને મર્યાદાઓને સારી રીતે સમજી શકાય છે. જોકે, કેટલાક આસનો વધુ મુશ્કેલ જણાતા હોય ત્યારે દીવાલ, પુસ્તકો, કુશન્સ અને ઓશિકાં જેવી ઘરેલું વસ્તુઓનો ટેકો લઈ શકાય છે.
કમુબહેન યોગને લોકપ્રિયતા અપાવવાનું શ્રેય ભારત અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈન્ટરનેશનલ યોગ ડે જાહેર કરાવાયો તેને આપે છે. આ પહેલથી લોકો વ્યાપકપણે યોગ તરફ વળ્યા, જે પદ્ધતિનાં મૂળિયાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુત્વ સાથે પ્રાચીનકાળથી સંકળાયેલાં છે. યોગના પુનરુત્થાનથી અસંખ્ય લોકોના આરોગ્ય અને જીવનમાં બહેતર પરિવર્તન આવ્યું છે. જોકે, પશ્ચિમ વિશ્વમાં યોગનું ખોટું અર્થઘટન કરાવા સાથે વ્યાપારીકરણ થયું છે. સાચો યોગાભ્યાસ આંતરિક શક્તિ અને શાંતિ પ્રાપ્ત કરવા પર ભાર મૂકે છે. દરરોજ માત્ર 10થી 15 મિનિટનો નિયમિત યોગાભ્યાસ સમગ્રતયા સ્વાસ્થ્ય અને આરોગ્યના લાભ વધારે છે. શારીરિક અંગવિન્યાસ અને શ્વસન કસરતો સાથે નિયમિત યોગાભ્યાસ હૃદયલક્ષી સમસ્યાઓ સહિત અનેક બીમારીઓનું અસરકારક નિવારણ કરી શકે છે.