આ જગતમાં એવા ઘણા લોકો હશે જેઓ કલર બ્લાઇન્ડનેસ (રતાંધળાપણા) સામે લડી રહ્યા છે. આ લોકો માટે હવે એક સારા સમાચાર છે. કેનેડામાં રહેતી ૨૮ વર્ષીય યુવતીએ એક વિશિષ્ટ પ્રકારના કોન્ટેક્ટ લેન્સ વિકસાવ્યા છે જેનાથી કલર બ્લાઇન્ડનેસની સમસ્યા દૂર કરી શકાય છે. જોકે હાલમાં આ અનોખા કોન્ટેક્ટ લેન્સનો માત્ર પ્રોટોટાઇપ જ તૈયાર થયો છે, પણ આગામી સમયમાં કેટલાક પરીક્ષણો બાદ તે લોકો માટે ઉપલબ્ધ થઈ શકે તેમ છે.
ગેબ્રિયલ મૈસોન નામની યુવતીને બાળપણમાં જોવામાં, રંગોને પારખવામાં તકલીફ પડતી હતી. આના લીધે તે ઘણી ચિંતિત પણ રહેતી હતી. તેના મનમાં એક જ ઇચ્છા હતી કે ભવિષ્યમાં તેને જોવાની તકલીફથી કેવી રીતે મુક્તિ મળી શકે.
તેના મનના દૃઢ સંકલ્પે તેને પ્રેરણા પૂરી પાડી અને કોલેજમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ પૂરો કર્યા બાદ ગેબ્રિયલ મૈસોને ૨૦૧૭માં કલરસ્મિથ લેબની સ્થાપના કરી, જે નેત્રરોગના દર્દીઓ માટે તેમની જરૂરિયાત અનુસાર લેન્સ તૈયાર કરતી હતી. જોકે હવે તેણે હોલીફેક્સની સેન્ટ મેરી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની સાથે જોડાઈને આ કોન્ટેક્ટ લેન્સ વિકસાવ્યા છે.
હજુ આ લેન્સનું માનવી પર પરીક્ષણ કરવાનું બાકી છે, પરંતુ તેના અત્યારના તબક્કે તો પરીક્ષણમાં તેના બહુ જ પ્રોત્સાહક પરિણામ મળ્યા છે. આ કોન્ટેક્ટ લેન્સના ઉપયોગથી કલર બ્લાઈન્ડેસથી પરેશાન લોકોને વજનદાર અને ટિન્ટેડ ચશ્મા પહેરવામાંથી ચોક્કસ મુક્તિ મળી જશે. ગેબ્રિયલનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ એવું નથી ઇચ્છતી કે તે ટિન્ટેડ ચશ્મા પહેરીને ફરે. ગેબ્રિયલ મૈસોને એક સ્થાનિક ટેલિવિઝન ચેનલ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તે અને સેન્ટ મેરી યુનિવરર્સિટીની ટીમ આ લેન્સને બનાવવા માટે કોઈ રોકાણકારની શોધમાં છે. તેનું માનવું છે કે આ કોન્ટેક્ટ લેન્સ કલરબ્લાઇન્ડનેસથી પરેશાન વ્યક્તિ માટે ખરા અર્થમાં વરદાનરૂપ સાબિત થશે.