વોશિંગ્ટનઃ સવારે ઊઠ્યા પછી કલાકો સુધી પથારીમાં આળસુની જેમ પડયા રહેવું અને પછી ફરી ઊંઘી જવું એ ડિપ્રેશનની નિશાની હોઈ શકે છે. સાઈકોલોજિસ્ટ અલેનોર મેકગ્નિનચીનું કહેવું છે કે આજકાલ સવારે ઊઠયા પછી લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કે ટીવી જોવાનું શરૂ કરે છે. 15 મિનિટ કે અડધા કલાક સુધી આ પ્રવૃત્તિ કરવી સ્વાભાવપણે ઠીક છે, પરંતુ તેનાથી વધુ સમય પથારીમાં પડ્યા રહેવું તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. કોઈ સંજોગ પ્રમાણે અથવા ઘર બહાર અંધારું હોય તો પથારીમાં વધુ પડયા રહેવામાં કોઈ વાંધો નથી. આજ-કાલ લોકો તેને ‘હર્કલ-ડર્કલિંગ’ તરીકે મનાવે છે, જે સ્કોટિશ સંસ્કૃતિનો એક ભાગ છે. જેમાં પથારીમાં જાગતા પડ્યાં હોવા છતાં ખાલી સમય પસાર કરવો. સવારે ઊઠ્યા પછી પથારીમાં સૂવાના ઘણાં કારણો હોઈ શકે છે. તેનું મુખ્ય કારણ થાક અથવા રાત્રે સારી ઊંઘનો અભાવ છે. લેંગોન હેલ્થ ખાતે સ્લીપ સેન્ટરના ન્યૂરોલોજિસ્ટ અને મેડિકલ ડાયરેક્ટર ડો. અલ્સિબીઆડ્સ જે. રોડ્રિગ્ઝ કહે છે કે જાગ્યા પછી કેટલા સમય સુધી બ્લેન્કેટ નીચે સૂતાં રહેવું ઠીક છે તે અંગે કોઈ નિર્ધારિત નિયમ નથી, પરંતુ જો તે રોજિંદી ઘટના છે તો મોટા ભાગના લોકો માટે અડધો કલાક પૂરતો હોવો જોઈએ.