કવેળાનું મોત નિવારવા આરોગ્યપ્રદ આહાર આવશ્યક
વિશ્વમાં લાખો લોકો બિનચેપી રોગોના કારણે કવેળા મોતને ભેટે છે. કવેળાસર મોત માટે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની આદતો મુખ્ય કારણોમાં એક છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા JAMA ઈન્ટર્નલ મેડિસીનમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર પ્લાન્ટ્સ – વનસ્પતિ આધારિત અને વૈવિધ્યપૂર્ણ આરોગ્યપ્રદ આહાર કવેળાનું મોત નિવારવામાં ભારે મદદરૂપ નીવડી શકે છે. ડાયેટરી ગાઈડલાઈન્સ ફોર અમેરિકન્સ 2020-2025 જણાવે છે કે લોકોએ વ્યક્તિગત પરંપરા અને પસંદગી અનુસાર આરોગ્યપ્રદ આહાર લેવો જોઈએ. લાંબા ગાળાની આહારની ખરાબ આદતો વહેલું મોત નોંતરી શકે છે જે ખરેખર અટકાવી શકાય તેમ હોય છે. હાર્વર્ડના સંશોધકોએ 36 વર્ષના સમયગાળામાં 100,000 થી વધુ લોકોને બે નેશનલ સ્ટડીઝમાં આવરી લીધા હતા.
બ્લડ પ્રેશર કાબુમાં રાખો, ડિમેન્શિયાનું જોખમ ઘટશે
હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટ ડીસિઝ અને સ્ટ્રોકનું જોખમ વધે છે એટલું જ નહિ, મગજના આરોગ્ય પર પણ તેની નકારાત્મક અસરો ઉભી થાય છે. સમયાંતરે શરીરમાં ફરતાં ટોક્સિન્સ અને મેટાબોલિઝમની આડપદાશોન દૂર કરવાની મગજની ક્ષમતાને અસર પહોંચે છે. કચરાનો નિકાલ કરવાની મગજની ક્ષમતા બગડવાથી ડિમેન્શીઆનું જોખમ વધી શકે છે. બ્લડ પ્રેશરને કાબુમાં રાખવા અને તેને નીચું લાવવાની સારવારથી બ્રેઈનના ક્લીઅરન્સ પાથવેઝને ઉત્તેજન સાંપડે છે અને તેનાથી ઈન્દ્રિયોની કામગીરી સંબંધિત જોખમ ઘટી શકે તેમ નવા અભ્યાસો સ્પષ્ટ કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર વિશ્વમાં 30-79 વયજૂથના આશરે 1.28 બિલિયન વયસ્કો અથવા હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. હાઈપરટેન્શનથી હાર્ટ ડીસિઝ, સ્ટ્રોક, કિડનીના રોગો અને અન્ય ગંભીર સમસ્યાઓનું જોખમ વધે છે.
વિટામીન ડી અસ્થમાના હુમલા રોકવામાં મદદ કરી શકે?
વિટામીન ડી સુક્ષ્મતમ પોષક તત્વ છે જે હાડકાંના આરોગ્ય, સ્નાયુઓના ફાઈબર્સની વૃદ્ધિ અને કેલ્સિયમના મેટાબોલિઝમ માટે આવશ્યક ગણાય છે. વિટામીન ડી શરીરના રોગપ્રતિકાર કોષોના ઉત્પાાદનમાં વિશેષ મદદ કરે છે. સંશોધકો આહાર, સૂર્યપ્રકાશ અને પૂરક આહારમાંથી મળી શકતાં વિટામીન ડીનાં સંપૂર્ણ લાભ તેમજ શરીરના આરોગ્યના વિવિધ પાસા પર તેની અસરો સમજવાની મથામણ કરી રહ્યા છે. અગાઉ, સંશોધકો એમ માનતા હતા કે વિટામીન ડી ફેફસાં અને શ્વસનતંત્રને અસર કરતા અસ્થમાના હુમલાઓ સામે રક્ષણ આપી શકે છે. જોકે, કોકરાને ડેટાબેઝ ઓફ સિસ્ટેમિક રિવ્યૂઝ 2023માં જણાવાયું છે કે વિટામીન ડી અસ્થમાના પ્રકોપના જોખમને ઘટાડવામાં મદદ કરતું નથી. જોકે, માનવ આરોગ્ય પર તેના અન્ય ફાયદાને સ્વીકારાયા છે.