કસરત કરનાર પણ લાંબો સમય બેસી રહે તો મૃત્યુનું જોખમ વધે!

Sunday 03rd February 2019 06:09 EST
 
 

વોશિંગ્ટનઃ શું તમે બેઠા છો? તો ઊભા થઈ જાવ અને આ લેખ વાંચો, કેમ કે, તાજેતરમાં થયેલા સંશોધનમાં એવું તારણ નીકળ્યું છે કે લાંબો સમય બેસી રહેવાથી મૃત્યુનું જોખમ વધી જાય છે. તમે નિયમિત કસરત કરતા હો તો પણ આ ખતરો તમારા પરથી દૂર થતો નથી.
અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં જણાયું છે કે બેઠાડુ સમયકાળ મૃત્યુનાં ઊંચાં જોખમ સાથે સંકળાયેલો છે. સૌથી વધુ જોખમ તો તેમને છે જેઓ દરરોજ સરેરાશ ૧૨.૫ કલાકથી વધુ બેઠાડુ જીવન જીવતાં હોય છે. અને તેમાંય એકસમયે દસ મિનિટથી વધુ બેસી રહેતા હોય તેમને માથે મૃત્યુનું સૌથી વધુ જોખમ હોય છે.
આ અભ્યાસમાં ૮,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. ૪૫ વર્ષ કે તેથી વધુ વયનાં આ લોકોનો એક અઠવાડિયાની પ્રવૃત્તિનો ડેટા એકત્ર કરાયો હતો. આ ડેટાના આધારે ભાગ લેનારાઓની સક્રિયતાનું સ્તર પણ ધ્યાનમાં લેવાયું હતું. આ અભ્યાસ ચાર વર્ષ સુધી કરાયો હતો. અભ્યાસમાં ભાગ લેનારાઓની શારીરિક સક્રિયતાને માપવા માટે હિપ માઉન્ટેડ એસિલરોમીટરનો ઉપયોગ કરાયો હતો. સ્વાભાવિક છે કે કેટલું બેઠા અને કેટલાં સક્રિય રહ્યાં તેની માહિતી લોકોને પૂછીને મેળવવા કરતાં આ એસિલરોમીટરનો ડેટા વધુ નક્કર આંકડો આપી શકે છે.

બેસી રહેવાનું જોખમ

ઓસ્ટ્રેલિયામાં પુખ્ત વયનાં લોકો ઉપર થયેલો અભ્યાસ એવું દર્શાવે છે કે દર અઠવાડિયે લોકો ૩૦૦ મિનિટ કરતાં વધુ શારીરિક રીતે સક્રિય રહે તો પણ લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે મૃત્યુનું જોખમ વધે છે. ૩૦૦ મિનિટ એટલે હાલમાં જે ભલામણ કરી છે તેના કરતાં પણ બમણો સમય થયો ગણાય, એમ છતાં મૃત્યુનું જોખમ રહેલું છે! વળી આ જોખમ પુરુષ કે મહિલામાં કોઈ ભેદ રાખતું નથી. તમામ વયજૂથ અને બોડીમાસ ઇન્ડેક્સ (બીએમઆઇ) કેટેગરી અને સારા-નરસા સ્વાસ્થ્ય સાથે પણ આ જોખમને કોઈ નિસ્બત નથી. મતલબ કે તમામ સ્થિતિમાં બેઠાડુ જીવન તમારા માથે મોતનું જોખમ
વધારી દે છે.

શું કરવું જોઈએ?

યુકેના હાલના દિશાનિર્દેશ મુજબ વ્યક્તિએ દર અઠવાડિયે ૧૫૦ મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરવી જોઇએ એટલે કે અઠવાડિયાના પાંચ દિવસ ગણીએ તો દરરોજ ૩૦ મિનિટ શારીરિક શ્રમ કરવો જોઈએ. તાજેતરનો અભ્યાસ એવો નિષ્કર્ષ રજૂ કરે છે કે સતત બેસી રહેવાનું ટાળવું જોઈએ. શારીરિક પ્રવૃત્તિ કરતા રહીએ તો પણ તમારે સતત બેસી રહેવાથી દૂર રહેવું જોઈએ. દર દસ કે પંદર મિનિટે થોડી હિલચાલ કે પ્રવૃત્તિ કરતા રહેવાથી તમારા માથેથી મોતનું જોખમ ઓછું થાય છે. સ્નાયુઓને કસરત મળતી રહે એવી પ્રવૃત્તિ થોડા સમયાંતરે કરતા રહેવાની જરૂર છે. તમે બેઠા હો તો ઊભા થાવ કે થોડું ચાલી આવો એ પણ પૂરતું છે. ટૂંકમાં, વધુ પડતો લાંબો સમય બેસી રહેવું એ ખરાબ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter