શું તમે જાણો છો કે નવા વર્ષે લેવાયેલા મોટા ભાગના સંકલ્પો આરોગ્ય સંબંધિત હોય છે? અને સંશોધનના તારણ દર્શાવે છે કે આ સંકલ્પો ચાર મહિનાથી વધુ સમય સુધી ટકતા નથી. મોટા ભાગે તમારું મગજ તમને નવા બહાના બનાવીને આ સંકલ્પો પૂર્ણ કરતાં અટકાવે છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના બિહેવિયરલ સાયન્ટિસ્ટ અને ‘હાઉ ટુ ચેન્જ’ પુસ્તકના લેખક કેટી મિલ્કમેન કહે છે કે, સૌપ્રથમ તો બહાનાને બહાના તરીકે ન જોવું જોઈએ, પરંતુ ઉકેલમાં અવરોધો તરીકે જોવું જોઈએ. પછી તે અવરોધોને દૂર કરવા પર કામ કરો. કારણ કે જ્યારે તમે તેને બહાના તરીકે જુઓ છો, ત્યારે તમે પોતાની ટીકા કરવાનું શરૂ કરો છો અને આ વલણ તમારી ઇચ્છા શક્તિને નબળી પાડે છે. આવો આજે જાણીએ વ્યાયામ ન કરવાના સૌથી સામાન્ય બહાનાંઓ અને તેનો સામનો કઇ રીતે કરી શકાય તે અંગે.
• બહાનુંઃ મારી પાસે સમય નથી...
ઉકેલઃ થોડી મિનિટોની ઝડપી કસરત પણ ફાયદાકારક છે. દિવસ દરમિયાન નાની કસરત કરવી એ આ બહાનાનો શ્રેષ્ઠ ઉકેલ છે. ન્યૂ યોર્કના ફિઝિયોલોજિસ્ટ કેટ બેયર્ડ કહે છે કે, કસરત માટે દરરોજ અડધોથી એક કલાક જીમમાં જવાની જરૂર નથી. બપોરના ભોજન પછી તમે ચાલવા જઈ શકો છો. ચાલતા-ચાલતા ફોન પર વાત કરી શકો છો. ટીવી જોતાં સમયે સ્ક્વોટ્સ કરી શકો અથવા દોરડાં કૂદી શકો. આ સિવાય, તમે ઝડપી દોડ અથવા તેના જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો.
• બહાનુંઃ મારા ઘરે જગ્યા નથી...
ઉકેલઃ યોગા મેટ જેટલી જગ્યા પૂરતી છે. જો ઘરમાં યોગા મેટ જેટલી જગ્યા હોય તો તે કસરત માટે પર્યાપ્ત છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ફિઝિકલ મેડિસિન એન્ડ રિહેબિલિટેશનના એસોસિએટ પ્રોફેસર ડો. એડવર્ડ ફિલિપ્સ કહે છે કે, તમે યોગ કરીને પણ તમારી જાતને ફિટ રાખી શકો છો. સ્ટ્રેચિંગ અથવા રેઝિસ્ટન્સ બેન્ડથી પણ એક્સરસાઇઝ કરી શકાય છે. વેઈટ લિફ્ટિંગ એક્સરસાઈઝ જેટલી જ રેઝિસ્ટન્સ બેન્ડ સ્નાયુઓને મજબૂત કરવામાં સક્ષમ છે.
• બહાનુંઃ મને લોકોની સામે શરમ આવે છે...
ઉકેલઃ જો ખરેખર આવું જ હોય તો આ ત્રણ રીત અપનાવી શકો છો. જેમ કે, યાદ રાખો કે તમે તમારા શરીરને ફિટ અને મજબૂત બનાવવા માટે જ ત્યાં ગયા છો. જો તમે બીજાને જોઈને શરમાતા હોવ તો તમારું લક્ષ્ય યાદ રાખો. બીજું, કોઈ મિત્ર અથવા કુટુંબના સભ્યને આ વાત કહો અને જ્યારે પણ તમને એવું લાગે ત્યારે તેમને ટેક્સ્ટ અથવા કોલ કરો. તેઓ તમને પ્રોત્સાહિત કરશે. અને ત્રીજું, જો આ ઉપાય પણ કામ કરતા ન હોય તો તમારું જિમ, વર્ગ અથવા ગ્રૂપ બદલી નાંખો.
• બહાનુંઃ હું જિમમાં પૈસા ખર્ચતો નથી...
ઉકેલઃ કસરત માટે કોઈ ફેન્સી જિમની જરૂર નથી. પુશ-અપ્સ, પ્લેન્ક, લંગ્સ, સ્ક્વોટ્સ એવી ઘણી કસરતો છે જે ઘરે કરી શકાય છે. આ માટે કોઈ જિમની જરૂર નથી. ન્યૂ યોર્ક સિટીના ફિઝિકલ થેરાપિસ્ટ ગ્રેસન વિકહામ કહે છે કે, આ બધી કસરતો તમારા શરીરને મજબૂત બનાવી શકે છે. એરોબિક કસરત માટે તમે જમ્પિંગ જેક અથવા દોરડાં કૂદી શકો છો. આ સિવાય બ્રિસ્ક વોક અને રનિંગ પણ કરી શકો છો.
• બહાનુંઃ મને કસરત બિલકુલ પસંદ નથી...
ઉકેલઃ કસરત માટે જીમ અનિવાર્ય નથી, જે તમારા શરીરને સક્રિય રાખે તે પ્રવૃત્તિ કરો. વ્યાયામનો અર્થ માત્ર જીમમાં જવાનું નથી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના હેલ્થ સાયકોલોજિસ્ટ અને લેક્ચરર કેલી મેકગોનિગલ કહે છે કે, તમને ગમે તેવી પ્રવૃત્તિ કરો. જેમ કે ડાન્સ, રમો અને કૂદકો, ઘરે બાળકો સાથે રમતોમાં સામેલ થાઓ. શરીરને સક્રિય કરતી કોઈ પણ પ્રવૃત્તિ અપનાવી શકાય. તમને જે કામ કરવામાં આનંદ આવે, તેને લાંબા સમય સુધી કરો.