વોશિંગ્ટનઃ એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે નિયમિત કસરત કરવાથી શરીરમાં થતી બળતરામાં ઘટાડો થઈ શકે છે તેમજ તે હૃદય સંબંધિત વિવિધ રોગોની સામે રક્ષણ આપે છે. બોસ્ટનમાં કરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિત કસરત કરે છે એમનું મગજ વધારે યંગ રહે છે. એમની ઉંમરના કસરત નહીં કરનારા લોકોની સરખામણીમાં એક વર્ષ જેટલું યુવાન રહે છે. મગજની સક્રિયતા વધારે હોય છે અને તેમને સ્ટ્રેસની સમસ્યા નડતી નથી. મગજ સ્વસ્થ હોવાથી યાદશક્તિ સંબંધિત બીમારી થતી નથી. સ્મૃતિભ્રંશનું જોખમ એકદમ ઘટી જાય છે. કસરત કરવાની આળસ રાખતા લોકો માટે નિયમિત રીતે ચાલવું એ શ્રેષ્ઠ કસરત છે. એના કારણે શરીરમાં લોહીનું સરક્યુલેશન વધે છે અને શરીરના તમામ હિસ્સામાં લોહી પહોંચે છે. લોહીની સાથે ઓક્સિજન પણ પહોંચતો હોવાથી શરીરના તમામ અંગોમાં તાજગી રહે છે. જે લોકો રોજ ચાલે છે એમના પર તથા એમના મગજ પર ઘડપણની અસર ઓછી દેખાય છે. ચાલવાથી વ્યક્તિમાં શારીરિક ક્ષમતા પણ વધે છે. જે લોકોને મેરેથોનમાં દોડવું નથી કે આ પ્રકારની દોડમાં જોડાવું નથી એ લોકો પણ રોજ ચાલીને પોતાના શરીરને ચુસ્ત રાખી શકે છે.