કેળાના રંગના આધારે તેના ફાયદા નક્કી કરી શકાય છે. તેનો રંગ જણાવે છે કે કેળું કાચું હોય ત્યારથી માંડીને પાકે ત્યાં સુધીમાં તેના પોષક તત્વોમાં સતત ફેરફાર થતો રહેતો હોય છે. આથી જ તેને ખાતા પહેલાં તેના રંગ ઉપર નજર કરવી જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ કે જેમને કેળાં ભાવતા હોય તેમણે ક્યારેક કાચું કેળું પણ ખાવું જોઈએ. કાચા કેળામાં સુગરની માત્રા ઓછી હોય છે. તેમાં સ્ટાર્ચ હોય છે. તેથી સુગરનું પ્રમાણ ધીમે ધીમે વધે છે. પીળાં થયેલાં અને પાકેલાં કેળામાં સુગરનું પ્રમાણ વધી જાય છે અને સ્ટાર્ચ ઓછો થઈ જાય છે. જેમ જેમ તેનો રંગ બદલાતો જાય છે તેમ તેમ તેના પોષકકત્વોમાં પણ ફેરફાર આવતો જાય છે.
મોટા ભાગે લોકો પાકું કેળું ખાવાનું પસંદ કરે છે. લોકોને પીળું કેળું વધારે ભાવતું હોય છે પણ તાજેતરમાં સંશોધકોએ કેળાંની વિવિધ જાત અને તેને કેવી રીતે ખાવાથી કેવા લાભ થાય છે તેના ઉપર એક સંશોધન કર્યું હતું. સંશોધકો જણાવે છે કે કાચાં કેળાં આંતરડાં માટે ખૂબ જ સારાં હોય છે. કાચાં-પાકાં કેળામાં ફાઈબર વધારે હોય છે. પાકેલામાં એન્ટિ-ઓક્સિડન્ટ અને ફાઈબર વધારે હોય છે. તે ઉપરાંત તેમાં સુગર પણ વધારે હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ પાકું કેળું ખાતાં પહેલાં ચેતવું જોઈએ. તે ઉપરાંત જો કેળાંની છાલ પર કાળાં ટપકાં વધવા લાગે તો તેનો મતલબ એ છે કે તેમાં વિટામીન અને મિનરલ્સ ઓછા થઈ ગયાં છે. અત્યંત પાકાં થઈ ગયેલા અને કાળી છાલ વાળાં કેળામાં માત્ર સુગર જ હોય છે. આમ કેળાંનો રંગ જોઈ તેને ખાવાથી વધારે લાભ થાય છે.