લંડનઃ તબીબી અભ્યાસના તારણ અનુસાર જે લોકો નિયમિતપણે થોડી માત્રામાં બદામ-કાજુનું સેવન કરે છે તેમને હૃદયના ધબકારાની અનિયમિતતાની તકલીફ થવાની સંભાવના ઘટી જાય છે. હાર્ટબિટની અનિયમિતતા જ હૃદયરોગનો હુમલો નોતરતી હોય છે. સંશોધકોનું કહેવું છે કે સપ્તાહમાં ત્રણેક વખત કાજુ-બદામ આરોગવાથી હૃદયના ધબકારા અનિયમિત બની રહેવાની શક્યતા ૧૮ ટકા ઘટી જાય છે.
બ્રિટિશ હેલ્થ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ બ્રિટનમાં ૧૩ લાખ લોકો હૃદયના ધબકારાની અનિયમિતતાથી પીડાય છે. પાંચ લાખ લોકો એવા હશે કે જેમનું નિદાન થવું હજી બાકી છે. ૧૭ વર્ષ સુધી ૬૦ હજાર જેટલા લોકોના હૃદયની તંદુરસ્તીને નજરમાં રાખીને આ તારણો જાહેર કરાયા છે. આ લોકો બદામ-કાજુનું સેવન કરતાં હોવાની વાતને ધ્યાને લેવાઇ છે.
સ્વિડનની કેરોલિનસ્કા ઇન્સ્ટિટયૂટના સંશોધકોના મતે કાજુ-બદામના વધુ પડતા સેવનથી નહીં, પરંતુ મર્યાદિત સેવનથી હૃદયરોગના હુમલાનું જોખમ ઘટી શકે છે.
અભ્યાસમાં જણાવાયું હતું કે હૃદયરોગથી બચવા કાજુ-બદામના સેવનની સાથે સાથે જીવનશૈલી પણ ખૂબ મહત્ત્વની છે. જેમના પર સર્વેક્ષણ કરાયું હતું તેઓ યુવાન હતા અને શારીરિક રીતે સક્રિય રહેતા હતા, શરાબનું સેવન પણ ઓછું કરતા હતા. તેઓ શાકભાજી અને ફળફળાદિનું સેવન કરતા હતા. હૃદયરોગથી બચવા માટે આ પરિબળો પણ મહત્ત્વના છે. જીવનશૈલી અને થોડાક પ્રમાણમાં કાજુ-બદામનું સેવન હૃદયરોગથી વ્યક્તિને બચાવી શકે છે. લોકો સપ્તાહમાં બે કે ત્રણ વાર થોડા પ્રમાણમાં કાજુ-બદામ ખાતા થાય તો હૃદયરોગનું પ્રમાણ મોટા પ્રમાણમાં ઘટી શકે.
હૃદયરોગના હુમલા બે પ્રકારના હોય છેઃ ઈસ્ચેમિક હુમલો અને હેમરેજિક હુમલો. નસોમાં બ્લોકેજ સર્જાતાં લોહી મગજના ભાગો સુધી જતું અટકી જતાં હૃદયરોગનો ઈસ્ચેમિક હુમલો આવે છે. નસ ફાટી જતાં રક્તનો જથ્થો મગજના અન્ય ભાગમાં ફેલાવા લાગે અને જરૂરી હોય તે વિસ્તાર સુધી રક્ત ન પહોંચે તો તે ઘટનાને હેમરેજિક હુમલો કહેવામાં આવે છે.