ન્યૂ યોર્કઃ મધ્યમ વયનાં લોકોને કેન્દ્રમાં રાખીને થયેલો એક તબીબી અભ્યાસ દર્શાવે છે કે દરરોજ કાર્બોનેટેડ ડ્રિન્ક (ગેસમિશ્રિત પીણું) પીવાથી હાર્ટએટેક અને સ્ટ્રોકના જોખમમાં વધારો થઈ શકે છે.
સુગરથી ભરપૂર ૩૩૦ એમએલ પીણું પીવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં ખૂબ વધારો થાય છે અને હાર્ટમાં બ્લોકેજ આવે છે, જે સરવાળે મગજ અને હાર્ટને પહોંચતો લોહીનો પુરવઠો ખોરવી નાખે છે અને હાર્ટએટેક અને સ્ટ્રોક આવે છે.
મેસ્ચ્યુસેટ્સની ટફ્ટ્સ યુનિવર્સિટીના સંશોધકોએ આ માટે ૧૨ વર્ષ સુધી ૪૦ વર્ષની વયના ૬૦૦૦ લોકોનો અભ્યાસ કર્યો હતો. જેમાં સંશોધકોને એવું માલુમ પડ્યુ કે દરરોજ ગેસ મિશ્રિત પીણું પીનાર લોકોમાં હાઇડેન્સિટી લિપોપ્રોટીનના પ્રમાણમાં બમણો ઘટાડો થાય છે. આ લિપોપ્રોટીન રક્તવાહિનીઓને ખુલ્લી રાખવામાં સહાય કરે છે અને જો લિપોપ્રોટીનના પ્રમાણમાં ઘટાડો થાય તો નળીઓ બ્લોક થાય છે. ભાગ્યે જ સોડા પીનાર લોકોની તુલનામાં ગ્રૂપને ટ્રાઇગ્લીસરાઇડ્સ નામની ચરબીનું ૫૩ ટકા વધારે જોખમ રહે છે. ટ્રાઇગ્લીસરાઇડ્સ ફેટ લોહીની નળીઓ અને ધમનીઓને બ્લોક કરે છે.