એક અંદાજ કહે છે કે લગભગ ચોથા ભાગની વસ્તી કિડની સાથે સંકળાયેલી કોઈને કોઈ સમસ્યાથી પીડાય છે, આમાં પણ 10 ટકાથી વધુ તો કિડની સ્ટોન (કિડનીમાં પથરી)ની સમસ્યાથી પીડિત છે. ઊંચું તાપમાન, હ્યુમિડિટી અને પાણીની ઉણપ ઉનાળામાં આ સમસ્યા વધારી દે છે. જોકે, સ્ટોન શિયાળા દરમિયાન શરીરમાં બને છે, પરંતુ ઉનાળો આવતાં જ આ સમસ્યા બહાર આવે છે. ઉનાળામાં કિડની સ્ટોનની સમસ્યા 50 ટકા જેટલી વધી જાય છે. તેના લક્ષણોમાં પીડિત વ્યક્તિને યુરિનમાં બળતરા, યુરિનમાં બ્લડ આવવું, ઉબકા કે ઊલટીની ફરિયાદ થાય છે. અનેક વખત એવું પણ બને છે કે કિડની સ્ટોનનાં લક્ષણ દેખાતા નથી.
• કિડની સ્ટોન શું છે? યુરિનમાં ખનિજ અને મીઠું (લવણ) હોય છે. યુરિનમાં જ્યારે ખનિજ અને મીઠાનું સ્તર વધી જાય છે, તો આ ક્રિસ્ટલ એકત્રિત થઈને એક સ્ટોનનું સ્વરૂપ ધારણ કરે છે. અનેક વખત સ્ટોન યુરેટરમાં પહોંચી જાય છે. જો સ્ટોન યુરેટરમાં જમા થઈ જાય છે તો તે યુરિનના પ્રવાહને અટકાવે છે, જેના કારણે અસહ્ય દુ:ખાવો થાય છે.
• સ્ટોન કેવી રીતે બને છે? કિડની સ્ટોનનું મુખ્ય કારણ ઓછા પ્રમાણમાં જાડું યુરિન પાસ થવું છે. ઉનાળામાં પરસેવો થવો, વધુ કસરત કે પૂરતા લિક્વિડનું સેવન ન કરવાથી શરીરમાં પ્રવાહી ઘટી જાય છે. જાડું યુરિન એ વાતનો સંકેત છે કે, યુરિનમાં ઉપસ્થિત સોલ્ટને ઓગાળવા માટે શરીરમાં પૂરતું પ્રવાહી નથી.
• સ્ટોનથી કેવી રીતે બચવું? સ્ટોનથી બચવાની સાચી રીત તેના થવાના કારણો જાણીને તેનું નિવારણ લાવવાની છે. ઉપચાર દરમિયાન નીકળેલા સ્ટોન અને કેટલાક યુરિન ટેસ્ટ દ્વારા તેનાં કારણો જાણી શકાય છે. જો કારણ ખબર પડી જાય તો આહાર, જીવનશૈલીમાં પરિવર્તન અને દવાઓ દ્વારા તેને ફરીથી બનતાં અટકાવી શકાય છે.
• તીવ્ર દુ:ખાવો થાય ત્યારે? સ્ટોન જ્યારે યુરેટરમાં પહોંચે છે તો તે યુરિનને બ્લોક કરે છે. આ સ્થિતિમાં અસહ્ય તીવ્ર દુ:ખાવો થાય છે. દુ:ખાવો હંમેશા કમર અને તેની આજુબાજુ ફેલાય છે. પીડિતને ઊલટી કે યુરિન પાસ કરવામાં મુશ્કેલી પડે છે. પાણીનું પ્રમાણ વધારી દો. વધુ દુ:ખાવો થાય તો તમારા જીપીને કન્સલ્ટ કરીને સામાન્ય પેઈન કિલર લઈ શકો છો. આરામ ન થતાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
• શું કરવું જોઇએ?ઃ એક દિવસમાં લગભગ 2.5 લીટર યુરિન પાસ કરવાનું લક્ષ્ય રાખો. પાણી ઉપરાંત શરબત, જ્યૂસ, નારિયેળનું પાણી વગેરેનું સેવન કરતા રહો. ઉનાળામાં ચા-કોફી ઓછાં પીઓ, જ્યારે રેડ મીટ અને મટન તો સંપૂર્ણપણે બંધ કરી દો.
કિડની સ્ટોન સાથે સંકળાયેલી ગેરમાન્યતાઓ
માન્યતા: દૂધથી પથરીની સમસ્યા થઈ શકે છે.
હકીકતઃ ના, દૂધ તો સ્ટોનથી બચાવે છે. કિડની સ્ટોન શરીરમાં મુખ્યત્વે કેલ્શિયમ એકઠું થવાને કારણે થાય છે, પરંતુ કેલ્શિયમવાળા પદાર્થો જેમ કે દૂધના સેવનથી તેનું જોખમ ઘટે છે. કેલ્શિયમ ઓક્સલેટને આંતરડામાં વધુ અવશોષિત થતાં અટકાવે છે.
માન્યતા: બિયર પીવાથી પથરી થતી નથી?
હકીકતઃ આથી ઉલ્ટું પથરી થવાનું જોખમ વધી જાય છે. બિયર ડ્યુરેટિક (વધુ યુરિન લાવનારું) હોય છે. આ સ્થિતિમાં બની શકે કે, અત્યંત નાના આકારની પથરી શરીરમાંથી બહાર નીકળી જાય, પરંતુ બિયર ડિહાઈડ્રેશન વધારે છે. જેના કારણે યુરિનમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. આ બંને ફેક્ટર પથરી માટે જવાબદાર છે.
માન્યતા: પથરી માત્ર સર્જરીથી જ દૂર થાય છે?
હકીકતઃ સાઈઝ અને સ્થાન પર આનો આધાર છે. તમામ પથરી માટે સર્જરીની જરૂર હોતી નથી. તેનો ઈલાજ પથરીના સ્થાન અને સાઈઝ પર આધાર રાખે છે. સાતથી આઠ એમએમ સુધીની પથરી સર્જરી વગર પણ દૂર કરી શકાય છે. સામાન્ય રીતે છ એમએમ સુધીની પથરી યુરિનરી ટ્યુબમાંથી બહાર નીકળી જાય છે.
માન્યતા: એક વખત પથરી થયા બાદ તેનો કાયમ માટે ઈલાજ કરી શકાતો નથી?
હકીકતઃ તેનો કાયમી ઈલાજ થઈ શકે છે. એ વાત સાચી છે કે, એક વખત પથરીનો ઈલાજ કરાવી લીધા પછી આગામી પાંચથી 10 વર્ષમાં તેના ફરીથી થવાની આશંકા 50 ટકા સુધી હોય છે, પરંતુ નિયમિત દેખરેખ અને ડોક્ટરની સલાહ લેવામાં આવે તો તેનો સંપૂર્ણ અને કાયમી ઈલાજ શક્ય છે.
માન્યતા: પથરીવાળા દર્દી ટામેટાં ખાઈ શકતા નથી.
હકીકતઃ સામાન્ય પ્રમાણમાં ખાઈ શકે છે. ટામેટા, ભીંડા કે અન્ય બીજવાળી શાકભાજી સામાન્ય પ્રમાણમાં ખાવાથી કોઈ નુકસાન થતું નથી. માત્ર એવા દર્દી કે જેમના લોહીમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, તેમના અંદર તેની વિપરીત અસર જોવા મળે છે.