ઈન્ડિયન જર્નલ ઓફ નેફ્રોલોજીમાં પ્રકાશિત તાજેતરના સંશોધનના તારણ અનુસાર છેલ્લા બે દાયકામાં ભારતમાં કિડનીની બીમારીથી પીડાતા લોકોની સંખ્યામાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. ઇંડિયન નેફ્રોલોજીનો આ અહેવાલ ભલે ભારતમાં કિડનીના દર્દીઓનો ચિતાર રજૂ કરતો હોય, પરંતુ હકીકત એ છે કે વિશ્વતખતે પણ આવી જ હાલત છે. તબીબી નિષ્ણાતો કહે છે કે કિડનીની બીમારીથી પીડાતા લોકોની સંખ્યા સમયના વહેવા સાથે વધી રહી છે તેનું મુખ્ય કારણ નિષ્ક્રિય જીવનશૈલી છે. હકીકતમાં શારીરિક રીતે સક્રિય ન રહેવાથી હાઈ બ્લડપ્રેશર, ખરાબ મેટાબોલિઝમ જેવી સમસ્યા ઉદ્ભવે છે જે કિડનીને નુકસાન પહોંચાડે છે. ચિંતાજનક વાત એ છે કે કિડનીની બીમારીમાં સ્થિતિ ગંભીર બને છે ત્યારે જ સ્પષ્ટ લક્ષણ જોવા મળે છે. આથી સમયસર તપાસ જ કિડનીની બીમારી અંગે જાણકારી મેળવવાનો ઉત્તમ વિકલ્પ છે. કિડની શરીરને ટોક્સિનથી મુક્ત રાખવાની સાથે અનેક અંગોને સારી રીતે કામ કરવામાં મદદરૂપ થાય છે. ઉદાહરણ તરીકે, તે ઈલેક્ટ્રોલાઈટ્સને સંતુલિત રાખે છે. જેનાથી હૃદયના ધબકારા નિયમિત રહે છે. એરિથ્રોપોટિન નામનું હોર્મોન રિલીઝ કરે છે. જેનાથી લાલ રક્તકણો બને છે. બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.
કિડનીની કામગીરીમાં ગંભીર સમસ્યા પેદા થતાં લોહીમાં ઝેરી પદાર્થો અને અશુદ્ધિનું પ્રમાણ વધવા લાગે છે. પરિણામે સતત થાક, નબળાઈ અને એકાગ્રતામાં મુશ્કેલી સર્જાય છે. કિડનીની સમસ્યાને કારણે લોહીની ઊણપ, એનીમિયાની ફરિયાદ પણ થાય છે. તેનાથી પણ નબળાઈ, થાક, સુસ્તી અનુભવાય છે.
પૂરતી ઊંઘનો અભાવ, વારંવાર યુરિન
કિડની જ્યારે આપણા લોહીને સારી રીતે ફિલ્ટર કરી શક્તી નથી તો તેના પરિણામે ઝેરી પદાર્થ શરીરમાંથી બહાર નીકળવાને બદલે લોહીમાં જ રહી જાય છે. આ નુકસાનકારક કચરો ઊંઘને પ્રભાવિત કરે છે. આ ઉપરાંત કિડનીના ફિલ્ટરને નુકસાન થતાં શરીરમાં પ્રવાહીનું પ્રમાણ વધે છે, જેના લીધે વારંવાર પેશાબ જવાનું અનુભવાય છે. રાત્રે આ સમસ્યા વધુ હોય છે.
આંખોની નીચે અને પગમાં સોજા
આંખના નીચેના ભાગે સતત જોવા મળતો સોજો એ વાતનો સંકેત છે કે, પેશાબ દ્વારા શરીરમાંથી મોટા પ્રમાણમાં પ્રોટીન વહી રહ્યું છે. આ એક પ્રકારના વિકારને લીધે થાય છે. કિડનીના સારી રીતે કામ ન કરવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધવા લાગે છે જેના કારણે પગ સુજી જાય છે. આથી આવા કોઇ લક્ષણ દેખાય તો તરત જ સાવચેત થઇ જવું જરૂરી છે.
પેશાબમાં ફીણ, લોહી આવવું
પેશાબ દરમિયાન વધુ ફિણ અને પરપોટા પણ કિડનીમાં કોઇ સમસ્યા હોવાનું દર્શાવતું મહત્ત્વપૂર્ણ લક્ષણ છે. ખાસ કરીને તમારે આ પરપોટા દૂર કરવા વારંવાર ફ્લશ કરવું પડે તો સમજો કે કિડનીમાં બધું બરાબર નથી. પેશાબમાં લોહી આવવું પણ કિડનીની સમસ્યા હોવાનો એક સંકેત છે. હકીકતમાં સ્વસ્થ કિડની લોહીને ફિલ્ટર કરતાં સમયે રક્તકોષિકાઓને દૂર કરી દે છે, પરંતુ નુકસાનગ્રસ્ત કિડની આવું કરી શકતી નથી તેના પરિણામે પેશાબમાં લોહી જોવા મળે છે.
ભૂખ ઘટવી, માંસપેશી કડક થવી
કિડનીમાં ખરાબીને લીધે કેલ્શિયમ, ફોસ્ફોરસ જેવા ઈલેક્ટ્રોલાઈટમાં સંતુલન ખોરવાય જાય છે, જેથી માંસપેશીઓ ખેંચાવા લાગે છે. કેટલાક લોકોને હાથ અને પગમાં સોય ખૂંચતી હોય તેવું પણ અનુભવાય છે. શરીરમાં ઝેરી પદાર્થોનું પ્રમાણ વધી જવાને કારણે ભૂખ ઘટી જવી તે પણ એક લક્ષણ છે.