કીમોથેરાપીથી કેન્સર પ્રસરી પણ શકે

Saturday 08th July 2017 06:36 EDT
 
 

લંડનઃ બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ્સ માટે પહેલો વિકલ્પ ડ્રગ-કીમોથેરાપી ગણવામાં આવે છે પરંતુ, ન્યૂ યોર્કની આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિનના સંશોધકોને મળેલા પુરાવા અનુસાર આ માત્ર ટુંકા ગાળાનો અને જોખમી ઉપાય છે. કીમોથેરાપીથી ટ્યુમર્સ સંકોચાય છે તેથી સાથે ટ્યુમર્સને બ્લડ સિસ્ટમમાં પ્રસરવાનો માર્ગ પણ ખુલ્લો કરે છે અને ગાંઠ વધુ મજબૂત બને છે. કેન્સર એક વખત અન્ય અંગોમાં પ્રસરે પછી તેની સારવાર લગભગ અશક્ય બને છે.

જોકે, મુખ્ય સંશોધક ડો. જ્યોર્જ કારાજીઆનિસ કહે છે કે આ તારણોના કારણે કેન્સરના દર્દીઓએ સારવાર મેળવતા અચકાવું જોઈએ નહિ. પરંતુ, કીમોથેરાપી હેઠળના પેશન્ટ્સમાં ટ્યુમરની મૂવમેન્ટ પર નજર રાખવી જરૂરી રહેશે. પ્રીઓપરેટિવ કીમોથેરાપીના થોડા ડોઝ પછી ટ્યુમર ટિસ્યુઝનું થોડું પ્રમાણ લીધા પછી માર્કરનો સ્કોર વધતો જણાય તો કીમોથેરાપી આપવાનું બંધ કરી પહેલા સર્જરી કરી શકાય છે અને ઓપરેશન પછી કીમોથેરાપી આપી શકાય છે.

કીમોથેરાપી ગોળી અથવા ઈન્ટ્રા-વેનસ ડ્રિપ તરીકે આપી શકાય છે. આ દવાઓ રક્તપ્રવાહ થકી સમગ્ર શરીરમાં પસાર થાય છે. બ્રેસ્ટ કેન્સરમાં થાય છે તેમ કેન્સરની ગાંઠથી દૂર પ્રસરેલા કેન્સર કોષ સુધી પહોંચવા આ અસરકારક માર્ગ ગણાય છે. જોકે, કીમોથેરાપી સેકન્ડરી કેન્સરને ઉત્તેજન આપે છે તેમ જણાવતો આ પ્રથમ અભ્યાસ નથી. સીએટલમાં ફ્રેડ હચિન્સન કેન્સર રિસર્ચ સેન્ટર દ્વારા ૨૦૧૨માં કરાયેલા અભ્યાસમાં જણાયું હતું કે કીમોથેરાપી તંદુરસ્ત કોષોને પણ ટ્યુમરની વૃદ્ધ માટે ઉત્તેજિત કરે છે.સેકન્ડરી કેન્સરને મેટાસ્ટેટિક અથવા ચોથા સ્ટેજના કેન્સર તરીકે પણ ઓળખાવાય છે.

હ્યુમન બાયોલોજી પ્રોફેસર પીટર નેલ્સન કહે છે કે થીઅરી મુજબ તો કેન્સરના કોષોને ખતમ કરવા માટે કીમોથેરાપી પરફેક્ટ છે. જોકે, ટ્યુમરને ખતમ કરવા માટે જરૂરી ડોઝ પેશન્ટ માટે જીવલેણ હોય છે. આથી, ડોક્ટરોએ મંદ ડોઝ આપવો પડે છે અને તે જોખમી બને છે. મંદ ડોઝ ટ્યુમરના પ્રસારને વધારે છે, બીજું એ કે તેના લીધે કેટલાક ટ્યુમર કોષ ખતમ થતાં નથી અને કીમોથેરાપીનો પ્રતિકાર કરવા સાથે અન્ય અંગોમાં પ્રસરે છે. આ ટ્યુમર વધુ આક્રમક અને સારવારના પ્રતિરોધક હોવાથી તેની સારવાર વધુ મુશ્કેલ બની રહે છે.

કીમોથેરાપીની પીડાદાયી આડઅસરો

BreastCancer.org અનુસાર રોગની તીવ્રતા ઘટી હોય તેવી સ્ત્રીઓમાં ટેમોક્સિફેન પિલ્સ આપવામાં આવે છે. આ દવાનો સૌથી સારો લાભ એ છે કે બ્રેસ્ટ કેન્સર ફરી થવાની શક્યતા ૫૦ ટકા ઘટી જાય છે તથા નવું કેન્સર થવાનું જોખમ ઘટે છે.

જોકે, તેની આડઅસરો પેશન્ટ માટે ભારે પીડાકારી રહે છે, જે આગળ વધીને ‘કીમો બ્રેઈન’ એટલે કે માનસિક નબળાઈ, અસ્પષ્ટતા અને યાદશક્તિ ઘટી જવા તરફ દોરી જાય છે. ટેમોક્સિફેન અને તેના જેવી પિલ્સ સાથે સંકળાયેલી અન્ય આડઅસરોમાં યોનિમાં અસાધારણ રક્તસ્રાવ, ડિસ્ચાર્જ પેઈન, છાતીમાં દુઃખાવો, હાંફી જવું, બોલવા કે સમજવામાં મુશ્કેલી, દૃષ્ટિની સમસ્યાઓ, વધેતું ટ્યુમર અથવા હાડકામાં દુઃખાવો, હોટ ફ્લેશીઝ અને હતાશાનો સમાવેશ થાય છે. આ બધા લક્ષણોના કારણે બ્રેસ્ટ કેન્સરના દર્દીઓમાં મોતનો ભય જાગે છે અને પરિણામે એન્ઝ્યાઈટી સર્જાય છે તેમ પણ એક અભ્યાસે જણાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter