આપ જેટલો વધુ સમય ઘરની બહાર - કુદરતના ખોળે રહો છો તેટલું આપના માટે વધુ સારું છે તેમ હવે સત્તાવાર રીતે પુરવાર થયું છે. જે લોકો ઘરની બહાર વધુ સમય રહે છે તેમનું આરોગ્ય સુધરે છે. વ્યક્તિ જેટલો વધુ સમય ઘરની બહાર કુદરતનાં સાંનિધ્યમાં રહે છે તેમ તેમને ટાઇપ-ટુ ડાયાબિટીસ થવાનું કે હાર્ટના રોગો અને હાઇ બીપી થવાનું જોખમ ઓછું રહે છે. તેઓ સ્ટ્રેસનો ભોગ પણ બનતાં નથી.
કુદરતનાં સાંનિધ્યમાં રહેવાના ફાયદાનો અભ્યાસ કરવા માટે ૩૦ કરોડ લોકોનાં આરોગ્ય અને સુખાકારીના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યા પછી આ સત્તાવાર રીતે પુરવાર થયું છે, એટલે જ ડોક્ટરો પણ હવે લોકોને ઘરની બહાર કુદરતનાં સાંનિધ્યમાં હરિયાળાં અને લીલાછમ વાતાવરણમાં વધુ સમય ગાળવાની સલાહ આપે છે. વર્ષોનાં સંશોધનો પછી સંશોધકો દ્વારા આ પુરવાર થયું છે. ઇસ્ટ એન્ગ્લિયા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા અમેરિકા અને બ્રિટન સહિત ૨૦ દેશનાં લોકોની જીવનશૈલીનો આ માટે અભ્યાસ કરાયો હતો.
કુદરતનાં સાંનિધ્યમાં વધુ રહે છે જાપાનીઝ
આ રિસર્ચ પેપર તૈયાર કરનાર કાઓમ્હે ટ્વોહિગ બેનેટ કહે છે કે, ગ્રીનરીમાં રહેવાથી ચોક્કસપણે અનેક લાભ થાય છે, આમ છતાં લાંબા સમય સુધી તંદુરસ્ત રહેવા માટે કયાં કારણો છે તેનો તાગ હજી મેળવી શકાયો નથી. ઘરની બહાર હરિયાળા વિસ્તારોમાં વધુ રહેવાથી ટાઇપ-ટુ ડાયાબિટીસ થતો નથી કે હાર્ટને લગતા રોગો, નાની ઉંમરે મૃત્યુ કે હાઈ બીપી અને તણાવ થતા નથી અને લાંબો સમય સારી ઊંઘ આવે છે. આવી વ્યક્તિઓમાં સેલિવરી કોર્ટોસોલ કે જેને કારણે સ્ટ્રેસ થાય છે તેનું પ્રમાણ ઘટે છે.
બ્રિટનમાં સ્ટ્રેસ, ડિપ્રેશન અને ગુસ્સાને કારણે ૧૧.૭૦ લાખ માનવદિવસો વેડફાયા હોવાનું અભ્યાસમાં જણાયું હતું. જાપાનીઝ લોકો તંદુરસ્ત રહેવા માટે સૌથી વધુ કુદરતનાં સાંનિધ્યમાં રહેતાં હોવાનું તેમણે જણાવ્યું હતું.
સંશોધકો દ્વારા આ માટે ઓસ્ટ્રેલિયા, યુરોપ અને જાપાનનાં લોકોની જીવનશૈલીનો પણ અભ્યાસ કરાયો હતો. જાપાનમાં શિનરિન યોકુ એટલે કે ફોરેસ્ટ બાથિંગ આ માટે પ્રખ્યાત છે જ્યાં લોકો કુદરતના ખોળે જઈને આરામ ફરમાવે છે અને આરોગ્ય સુધારવા કોશિશ કરે છે.
ગ્રીન સ્પેસ એટલે કે લીલોતરીવાળી જમીન, વધુ લીલા અને હરિયાળાં વૃક્ષોવાળાં સ્થળો, જંગલો અને ખેતરો તેમજ નદી અને દરિયાકિનારાના વિસ્તારો તેમજ પાર્ક અને રસ્તા પરની ગ્રીનરીનો લાભ લેવા લોકોને સલાહ આપવામાં આવી છે. સંશોધકો દ્વારા આ માટે વધુ સમય ગ્રીનરીમાં રહેનાર અને ગ્રીનરીમાં નહીં રહેનારની જીવનશૈલીનો અભ્યાસ કરાયો હતો.
સારા બેક્ટેરિયા રોગપ્રતિકારક શક્તિ વધારે
લીલાછમ વાતવરણ અને હરિયાળીમાં રહેતાં લોકો સામાજિક પ્રવૃત્તિમાં વધુ પરોવાયેલાં હોય છે અને તેઓ વધુ સોશિયલ હોય છે. આ ઉપરાંત જંગલો અને હરિયાળીમાં વિકસતા કેટલાક સારા બેક્ટેરિયા તેમની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પરિણામે તેમનું આરોગ્ય સારું રહે છે. તેમને શરીરમાં દાહ કે બળતરા થતી નથી કે સોજા આવતા નથી, આથી તેઓ વધારે તંદુરસ્ત રહે છે.