ઓરલેન્ડોઃ શહેરમાં યોજાયેલા અમેરિકન સોસાયટી ફોર બાયોકેમિસ્ટ્રી એન્ડ મોલેક્યૂલર બાયોલોજીના અધિવેશનમાં રજૂ થયેલા રિસર્ચ પેપર અનુસાર કૂતરાઓને ફેફસાંના કેન્સરની ઝડપથી ખબર પડી જાય છે. સંશોધન દરમિયાન બીગલ પ્રજાતિના ચાર કૂતરાઓની સામે માનવ લોહીના કેટલાક નમૂના રજૂ કરવામાં આવ્યા હતા. આમાંથી કેટલાક નમૂનામાં કેન્સરના કોષો હતા. ચારમાંથી ત્રણ કૂતરાઓએ સેમ્પલ સૂંઘ્યા બાદ ભસીને સંકેત આપ્યો હતો કે કયા સેમ્પલમાં ફેફસાનું કેન્સર છે. આ તારણ ૯૬.૭ ટકા મામલાઓમાં એકદમ સાચું જોવા મળ્યું હતું.
આ સંશોધન ફ્લોરિડાની ફાર્માસ્યુટિકલ લેબ બાયો દ્વારા કરાયું હતું. આ માટે ચાર કૂતરાઓને તાલીમ અપાઇ હતી. કૂતરાઓની સામે સ્વસ્થ લોકો તથા ફેંફસાના કેન્સરના દર્દીઓના લોહીના કેટલાક સેમ્પલોને રાખવામાં આવ્યાં હતાં. આ નમૂના સૂંઘ્યા બાદ કૂતરાઓમાં એવું દેખાડવામાં સફળ રહ્યા હતા કે કયા સેમ્પલમાં કેન્સરના જીવાણુ છે. ચીફ રિસર્ચરે જણાવ્યું કે કેન્સરના બીજા કેસોની જાણકારી મેળવવા માટે આ શોધની મદદ લઈ શકાય છે. જો આગોતરી જાણકારી મળી જાય તો કેન્સર રોગીઓના બચવાની સંભાવના ઘણી વધી જાય છે.
માણસોની ઘ્રાણેન્દ્રીય પણ તેજ
અમેરિકાની રટગર્સ યુનિવર્સિટીના સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ એક શોધ અનુસાર માણસોમાં પણ કૂતરાઓ કે અન્ય પ્રાણીઓ જેટલી જ સૂંઘવાની શક્તિ તીવ્ર હોય છે. જોકે અત્યાર સુધી એવું મનાતું હતું કે કૂતરાઓની સૂંઘવાની શક્તિ સૌથી વધારે હોય છે, પરંતુ એવું નથી. માણસોની ઘ્રાણેન્દ્રીય પણ વધારે તેજ હોય છે.