લંડનઃ દુનિયામાં પહેલી વાર કોઇ ડાયાબિટીક મહિલાએ સ્વસ્થ શિશુને કોઇ પણ જાતની સર્જરી વિના કુદરતી જન્મ આપ્યો હતો. બ્રિટનની ૪૧ વર્ષીય મહિલા કેટ્રિયોના વિલ્કિંસને આ માટે કૃત્રિમ પેન્ક્રિયાઝ લગાવવામાં આવ્યું હતું, જેથી તેનું બ્લડ સુગર નિયંત્રણમાં રહ્યું હતું અને તે કોઇ પણ જાતની સમસ્યા વિના સંતાનને જન્મ આપી શકી હતી. નવજાતનું નામ યુઆન રખાયું છે. નોર્વિચ યુનિવર્સિટી હોસ્પિટલમાં આ અનોખી ડિલિવરી થઇ હતી. દાવો કરાઇ રહ્યો છે કે દુનિયામાં પહેલી વાર બન્યું છે જ્યારે કૃત્રિમ પેન્ક્રિયાઝની મદદથી બાળકને જન્મ આપવામાં આવ્યો હોય, અને તે પણ કોઇ પણ જાતના સિઝેરિયન ઓપરેશન વિના.