સિડની: જો તમે ચા-કોફી કે ભોજનમાં ખાંડના સ્થાને કૃત્રિમ મીઠાશનો ઉપયોગ કરીને વજન ઘટાડવા કે ડાયાબિટિસથી બચવા પ્રયાસ કરતા હો તો સાબદા થઇ જાવ. તેનાથી તમારા આરોગ્ય પર ઊલટી અસર થઈ શકે છે. તાજેતરમાં પ્રકાશિત સંશોધનના તારણ મુજબ જે લોકો લો-કેલેરી સ્વીટનરનો ઉપયોગ કરે છે તેમનું વજન ઘટવાને બદલે વધવાની આશંકા વધુ હોય છે. એટલું જ નહીં, તે ટાઈપ-૨ ડાયાબિટિસનું કારણ પણ બની શકે છે. આ નિષ્કર્ષ પ્રચલિત માન્યતાથી વિરુદ્ધનો છે, પરંતુ હકીકત આ જ છે.
યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયાના સંશોધક પીટર ક્લિફ્ટન કહે છે કે છેલ્લા ૨૦ વર્ષમાં બાળકોમાં સ્વીટનરનો ઉપયોગ ૨૦૦ ટકા તો વયસ્કોમાં ૫૪ ટકા વધ્યો છે. દુનિયાભરમાં આર્ટિફિશિયલ સુગરનું બજાર આશરે ૧૫,૬૦૦ કરોડ રૂપિયાનું છે. લો કેલેરી સ્વીટનરમાં કેલેરીરહિત મીઠાશ હોય છે. અગાઉ થયેલી ક્લિનીકલ ટ્રાયલમાં જાણવા મળ્યું હતું કે આર્ટિફિશિયલ સ્વિટનર વજન ઓછું કરે છે, પણ હાલની શોધમાં તેની ઉલટી અસર થતી હોવાનું બહાર આવ્યું છે. આ અભ્યાસ માટે અમેરિકામાં ૭ વર્ષ સુધી ૫૧૫૮ વયસ્કો પર સંશોધન કરાયું હતું. તેમાં જણાયું હતું કે જે લોકોએ વધુ માત્રામાં સ્વીટનરનું સેવન કર્યું હતું તેમનું વજન તેનો ઉપયોગ નહીં કરનારા લોકોની સરખામણીએ વધ્યું હતું.
સ્વિટનર લાભપ્રદ બેક્ટેરિયાને બદલી નાંખે છે
સંશોધક પીટર કહે છે કે જે લોકો સ્વીટનરનું સેવન કરે છે અને માને છે કે તેઓ મનભાવન મીઠાઈ ખાઈ શકે છે તો એ તેમની ભૂલ છે. આર્ટિફિશિયલ સ્વીટનર આંતરડામાં રહેલા લાભપ્રદ બેક્ટેરિયાને બદલી નાંખે છે. તેનાથી વજન વધે છે અને ટાઈપ-૨ ડાયાબિટિસનું જોખમ વધે છે. સંશોધકોનું કહેવું છે કે સ્વીટનરનો વિકલ્પ એવું ભોજન છે કે જેમાં કાચું અનાજ, દૂધ ઉત્પાદનો, ફળ, શાકભાજી વગેરે હોય.