આમ તો હકીકત એ જ છે કે અતિ સર્વત્ર વર્જયેત પરંતુ, લોકો તેમાં માનતા નથી. સામાન્ય ખાંડનો વધુ પડતો ઉપયોગ ડાયાબિટીસ, સ્થૂળતા તેમજ હૃદયરોગનું કારણ બની શકે છે તે સર્વસ્વીકૃત ગણાય છે. આના પરિણામે, સમગ્ર વિશ્વમાં લોકો વિવિધ પ્રકારના કૃત્રિમ ગળપણનો ઉપયોગ કરવા લાગ્યા છે. સામાન્ય પ્રમાણમાં સુક્રાલોઝ જેવા કૃત્રિમ સ્વીટનર્સનો ઉપયોગ કરાતો હોય તો માનવી માટે જોખમકારક નહિ હોવાનું સંશોધકો કહે છે. જોકે, લંડનના બાયોમેડિકલ રિસર્ચ સેન્ટર ફ્રાન્સિસ ક્રિક ઈન્સ્ટિટ્યૂટના કેન્સર બાયોલોજિસ્ટ ડો. કારેન વાઉસડેન અને તેમની ટીમે ખાંડથી 600 ગણું ગળપણ ધરાવતા કેલરીમુક્ત વિકલ્પ સુક્રાલોઝ- Sucraloseની ઉંદરો પર અસરની તપાસ હાથ ધરી હતી. ધ નેચરમાં પ્રસિદ્ધ તેમના અભ્યાસના તારણો જણાવે છે કે ઉંદરોને સુક્રાલોઝના હાઈ ડોઝ અપાયા ત્યારે તેમની ઈમ્યુન સિસ્ટમ પર ગંભીર અસર થઈ હતી. તેમના ટી સેલ્સની ક્રિયાશીલતાને અસર થવા સાથે ઈમ્યુન રિસ્પોન્સીસ ઘટી ગયા હતા. જોકે, સંશોધકો હવે કોઈની હાઈપરએક્ટિવ ઈમ્યુન સિસ્ટમ્સને ધીમી પાડવા કૃત્રિમ સ્વીટનર્સનો ઉપયોગ કરી શકાય કે કેમ તે વિશે વિચારી રહ્યા છે.