ન્યૂ યોર્કઃ વિશ્વમાં વિવિધ સ્થળે કેડિંડા ઓરિસ નામની એક જીવલેણ ફૂગ (ફંગસ) ફેલાયાનું વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવ્યું છે. આ ફંગસ રક્ત પ્રવાહમાં ભળી જઇને શરીરમાં ખતરનાક ઇન્ફેશન પેદા કરે છે. આમ તો આ રહસ્યમય ફૂગ પ્રથમવાર ૨૦૦૯માં એક જાપાનીઝ દર્દીના શરીરમાંથી મળી આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિશ્વમાં અનેક સ્થળે ફૂગપીડિત દર્દીઓ જોવા મળતા તબીબી જગતમાં હલચલ મચી ગઇ છે.
‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના અહેવાલ મુજબ માત્ર અમેરિકામાં જ આ પ્રકારના ૫૮૭ કેસ નોંધાયા છે. સૌથી મહત્ત્વની વાત એ છે તે એન્ટી ફંગલ દવાની આ ફૂગ પર કોઇ અસર થતી ન હોવાની શરીરનું ઇન્ફેકશન મટાડતી દવાઓ માટે પણ આ એક પકકાર છે. બેકટેરિયાની જેમ ફંગસ પણ આધુનિક ચિકિત્સા પદ્ધતિની દવાઓ સામે પ્રતિરોધક્ષમતા વિકસિત કરી રહી છે. આશ્ચર્યની બાબત તો એ છે કે આ ફંગસ પીડિત વ્યક્તિનું મોત થાય તો પણ તે શરીરમાં જીવતી રહે છે. તે સરળતાથી બીજાના શરીરમાં ઘૂસીને વ્યક્તિને રોગગ્રસ્ત બનાવે છે.
એક અહેવાલ મુજબ આ ફંગસના કારણે બ્રિટિશ મેડિકલ સેન્ટરને પોતાનું ઇન્ટેન્સિવ કેર યૂનિટ પણ બંધ કરવું પડયું હતું. આ ફૂગ ખાસ કરીને ભારત, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકામાં ફેલાઇ રહી છે. અમેરિકાના રોગ નિયંત્રણ અને સારવાર માટે કાર્યરત મેડિકલ સેન્ટરોએ આ ફુગનો સમાવેશ માણસ માટે ખતરનાક ગણાતા જીવાણુંઓની યાદીમાં કર્યો છે.
અમેરિકામાં માઉન્ટ સિનાઇ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીનું આ ફૂગના કારણે ૯૦ દિવસમાં જ મોત થયું હતું. ટેસ્ટમાં જાણવા મળ્યું કે મૃતકને સારવાર માટે જે રૂમમાં રાખવામાં આવ્યો હતો એની દરેક ચીજવસ્તુ પર કેડિડા ઓરિસ નામની આ ફંગસ જોવા મળી હતી. આથી હોસ્પિટલમાં રૂમોની સફાઇ માટે ખાસ કલીનિંગ ઇક્વિપમેન્ટ મંગાવવા પડ્યા હતા. આ ફંગસનો નાશ કરવા સીલિંગથી લઇને ફ્લોરની ટાઇલ્સ પણ ઉખાડવી પડી હતી.